Entertainment

માધુરી દિક્ષીત જેવો દેખાવ ધારણ કરનાર ગુજરાતી અભિનેત્રીના મોતથી ફિલ્મજગતને આંચકો

અમદાવાદ: ગુજરાતી (Gujarati) ફિલ્મ (Movie) જગતને આંચકો લાગ્યો છે. ઢોલીવુડની (Dhollywood) 34 વર્ષીય યુવાન અભિનેત્રીનું (Actress) મોત (Death) થયું છે. અભિનેત્રીએ બુધવારે રાત્રે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. યુવાન અભિનેત્રીના મૃત્યુથી ગુજરાતી ફિલ્મ જગતના કલાકારોને ઘેરો આઘાત લાગ્યો છે.

  • ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું 34ની વયે નિધન
  • ફેંફસાના કેન્સરથી પીડાતા હેપ્પી બુધવારે સવારથી વેન્ટીલેટર પર હતા
  • બે મહિનાની જુડવા દીકરીઓની માતા હેપ્પીએ અચાનક દુનિયામાંથી વિદાય લીધી
  • ગુજરાતી ફિલ્મ જગતને લાગ્યો આંચકો, પરિવાર આઘાતમાં

ગુજરાતી અભિનેત્રી અને ડબિંગ આર્ટીસ્ટ હેપ્પી ભાવસાર નાયકનું (Happy Bhavsar Naik) બુધવારે મોડી રાત્રે 34 વર્ષની યુવાન વયે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું છે. અભિનેત્રી બુધવારે સવારથી વેન્ટીલેટર પર હતા. તેઓ ફેંફસાના કેન્સરથી (Lungs Cancer) પીડાતા હતા. અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકના લગ્ન રેડીયો જોકી મૌલિક નાયક (RJ Maulik Naik) સાથે થયા હતા. તેઓને બે મહિનાની જુડવા (Twins) દીકરીઓ ક્રિષ્ણા અને ક્રિષ્નવી છે. બે મહિનાની દીકરીઓને મુકી હેપ્પી ભાવસારે દુનિયામાંથી લીધેલી વિદાયથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હેપ્પીના અંતિમસંસ્કાર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા.

હેપ્પીને એક મહિના પહેલાં જ કેન્સરની જાણ થઈ હતી
હેપ્પી પોતાના નામ જેવો જ સ્વભાવ ધરાવતી હતી. હેપ્પીને એક મહિના પહેલાં જ લંગ કેન્સરનું નિદાન થયું હતું. હેપ્પીને પહેલા સ્ટેજનું કેન્સર હતું, તેથી તે જલ્દી જ સાજી થઈ જશે તેવો પરિવારને વિશ્વાસ હતો, પરંતુ બન્યું કંઈક બીજું જ. હેપ્પીને રેર ઓફ ધ રેર લંગ્સ કેન્સર થયું હતું. આ રોગમાં કેન્સર જે અંગમાં થયું હોય તે અંગ ધીમે ધીમે પ્લાસ્ટિક જેવો કઠણ બની જાય છે. એક જ મહિનામાં હેપ્પીના ફેંફસા પ્લાસ્ટિક જેવા થઈ ગયા હતા. તે કામ કરતા બંધ થઈ ગયા. ઓક્સિજન બનાવી શકતા નહોતા. આખરે 24 કલાક વેન્ટીલેટર પર મોત સામેનો જંગ લડ્યા બાદ તે બુધવારે રાત્રે હારી ગઈ.

હેપ્પી ભાવસારની શોર્ટ ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો હતો
હેપ્પી ભાવસારની કારકિર્દી પણ ખૂબ જ હેપ્પી રહી છે. હેપ્પી ભાવસારના નાટક ‘પ્રિત પિયુ ને પાનેતર’ના 500થી વધુ શો થયા છે. તેણે ‘મોન્ટુની બિટ્ટુ’, ’21મું ટિફિન’, ‘મૃગતૃષ્ણા’ સહિત અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. લેજકાળ દરમિયાન હેપ્પીને સૌમ્ય જોષીના નાટક ‘મહાત્મા બોમ્બ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ પણ મળ્યો હતો. હેપ્પી ભાવસારે દુરદર્શનની (Doordarshan) ફિલ્મ (Movie) શ્યામલીથી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેઓ મારા સાજણજી, મારી પાનખર ભીંજાઈ જેવી અનેક સિરીયલોમાં કામ કર્યું હતું.

સિરિયલો અને નાટકો બાદ હેપ્પી ભાવસારે વિજયગીરી બાવાની ફિલ્મ પ્રેમજી રાઈઝ ઓફ એ વોરિયર દ્વારા ગુજરાતી ફિલ્મોમાં પગરણ માંડ્યા હતા. આ ફિલ્મ માટે હેપ્પી ભાવસારને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળ્યો હતો. હેપ્પી ભાવસારે મહોતું શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. હેપ્પીને આ શોર્ટ ફિલ્મ (Short Film) માટે લોકો યાદ કરે છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ (National Award) મળ્યો હતો. આ ઉપરાંત અભિનેત્રીએ મોન્ટુ ની બિટ્ટુ નામની ફિલ્મમાં મોહિનીનું પાત્ર ભજવ્યું હતું. તેમાં બોલિવુડની અભિનેત્રી માધુરી દિક્ષીતના (Madhuri Dixit) લુક્સની કોપી કરી હતી. તેના માટે હેપ્પી ભાવસારના ખૂબ વખાણ થયા હતા. આ સિવાય હેપ્પી ભાવસારે મૃગતૃષ્ણા ફિલ્મમાં કામ કર્યું હતું.

Most Popular

To Top