Charchapatra

શું નગરપાલિકાને ગેરકાયદે બાંધકામો પહેલાં દેખાતાં નથી?

નવસારી નગરપાલિકા દ્વારા થોડાક દિવસો પહેલાં બાજપાઇ શોપીંગ સેન્ટરમાં ગેરકાયદે કરેલાં બાંધકામો તોડી પાડવામાં આવ્યાં તેમ જ સર્વોદય સોસાયટીમાં એક મંદિરને પણ ધ્વસ્ત કરવામાં  આવ્યું, જેના કારણે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો અને સમાજમાં ચર્ચાઓ થવા લાગી. એ જ પ્રમાણે દેશભરમાં વિવિધ શહેરોમાં એક યા બીજા કારણે ગેરકાયદે બાંધકામોની આડમાં લોકોનાં મકાનો અને દુકાનોને બુલડોઝર દ્વારા ધ્વસ્ત કરવામાં આવે છે. મહત્ત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું શહેરોમાં આવાં તોડી પાડવામાં આવેલાં બે ચાર બાંધકામો જ ગેરકાયદે થયાં છે?

નગરપાલિકાઓ કે કોર્પોરેશનોના આ ખાતાના સંકળાયેલા અધિકારીઓ અને જવાબદાર કોર્પોરેટરો શું એ બાબતથી અજાણ હોય છે કે શહેરમાં પ્રતિ વર્ષ હજારો બાંધકામો ગેરકાયદે થતાં જ રહે છે! છતાં આવી ઝુંબેશ નાટકીય રીતે એક યા બીજા બહાને શરૂ કરવામાં આવે છે અને એટલી જ ઝડપથી બંધ પણ કરવામાં આવે છે. દરેક શહેરમાં મળેલી મંજૂરી કરતાં એક કે બે માળ એપાર્ટમેન્ટોમાં વધારે બાંધવામાં આવે છે પછી મીલી ભગતથી એ ગેરકાયદે બાંધકામોને ઓછી પેનલ્ટી તેમજ વધુ લાગો લઇને પાછળથી કાયદેસર કરવાની પ્રવૃત્તિઓથી પ્રજા અજાણ નથી. રાતોરાત સરકારી કે મ્યુનિસિપાલિટીની જમીન ઉપર પહેલાં બંધાતાં ઝૂંપડાં અને પછી પાકાં મકાનોની કામગીરીને શરૂઆતમાં જ કેમ ડામી દેવામાં નથી આવતી?

મ્યુનિસિપાલિટી કે નગરપાલિકાના સત્તાવાળાઓ પોતાની કામગીરી માટે શહેરમાં ફરતા જ હોય છે અને આવી ગેરરીતિઓ તેમના ધ્યાનમાં ન આવે એ કોઇ માની શકે એમ નથી. આમ છતાં દિવસોના દિવસો અરે, વર્ષોના વર્ષો સુધી પોતાને જે કામગીરી કરવી જોઇએ એ કરતા નથી. ગેરકાયદે બાંધકામ કરનારાઓનો બચાવ કરવાનો અમારો કોઇ ઇરાદો નથી પણ આવી પ્રવૃત્તિઓને શરૂથી જ રોકવામાં આવે અને નિયમિતપણે પૂરતું ચેકીંગ કરવામાં આવતું હોય તો જ લોકોની આવા ગેરકાયદે બાંધકામ કરવાની પ્રવૃત્તિ અને મનોવૃત્તિ પર અંકુશ રહી શકે. નગરપાલિકા કે કોર્પોરેશનના સત્તાધીશો આ બાબત ઉપર એવું માનસ કેળવે કે તેઓ પ્રજાની સેવા કરવા માટે જ છે તેમ જ નાગરિકોની સુવિધાઓ તરફ પૂરતી કાળજી લેવાની તેમની ફરજ છે અને કોઇ પણ શાસનવ્યવસ્થામા પ્રજાનું હિત અને કલ્યાણ સમાયેલું છે એ સમજે એ જ અપેક્ષા છે.
નવસારી           – નાદીર ખાન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top