Columns

ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફીકેશન : દરેક ગુનાખોરની કાયમી ઓળખની પદ્ધતિ

દિલ્હીમાં હાલમાં થયેલી 2 દિવસની નેશનલ સિક્યુરિટીઝ સ્ટ્રેટજિસ્ટ કોન્ફરન્સમાં ગૃહ મંત્રી અમિત શાહે ‘નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફીકેશન સિસ્ટમ’(NAFIS)ના અત્યાધુનિક ટેક્નોલોજીનું અનાવરણ કર્યું. જે સિસ્ટમનું અનાવરણ થયું તેના નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ રાષ્ટ્રીય સ્તરે હાથની આંગળીઓને ઓળખવાનું કાર્ય કરે છે. તે લાગુ કરવાનું મુખ્ય કારણ ગુનાઓ સંબંધિત છે કારણ કે ગુનાઓની તપાસ-ઉકેલમાં ફિંગરપ્રિન્ટ અગત્યનો ભાગ ભજવે છે. અત્યાર સુધી રાષ્ટ્રીય સ્તરે આવી કોઈ વ્યવસ્થા નહોતી પણ હવે તેનો ડેટાબેઝ વધુ આયોજનબદ્ધ રીતે સંગ્રહિત થશે. ‘NAFIS’ની વ્યવસ્થાને વિકસાવવાનું કાર્ય ‘નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યૂરો’ દ્વારા થયું છે. ‘NAFIS’નો પ્રયોગરૂપે અમલ સૌ પ્રથમ એપ્રિલથી મધ્ય પ્રદેશમાં થવા માંડ્યો હતો.

ટેકનોલોજીએ જેમ ગુનાખોરી માટે અનેક રસ્તાઓ ખોલી આપ્યા છે તેમ તેના ઉકેલ-તપાસ અર્થે પણ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ફિંગરપ્રિન્ટ પરથી ગુનાઓ ઉકેલવાનું બેએક સદીથી થતું આવ્યું છે. હાલના યુગમાંય ગુનાસ્થળે નિયમિત રીતે ફોરેન્સિક સાયન્સ ફિંગરપ્રિન્ટ લે છે. ફિંગરપ્રિન્ટનું આટલું મહત્ત્વ એ માટે પણ છે કારણ કે તેની વિગત સરળતાથી લઈ શકાય છે અને દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ વેગળી હોય છે. તેમાં છેડછાડનો અવકાશ નહિવત્ છે અને સાથે લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ બદલાતી નથી. એ રીતે વર્ષો સુધી ફિંગરપ્રિન્ટ વ્યક્તિની ઓળખ બની રહે છે જેના કારણે ગુનાઓમાં જે-તે વ્યક્તિની સામેલગીરી છે કે નહીં તેને સ્થાપિત કરવાનું સરળ બને છે. ફિંગરપ્રિન્ટની જમા બાજુની દલીલ મહદંશે જેઓ ગુનો ઉકેલતા હોય છે તેમના તરફથી થાય છે; બાકી હજુય ન્યાયાધીશો અને ઘણી વખત ન્યૂઝ મીડિયા ફિંગરપ્રિન્ટ પર પ્રશ્ન ઉઠાવતા આવ્યા છે. ફિંગરપ્રિન્ટની ભૂલના કારણે કેટલીક વખત નિર્દોષ લોકોની ગુનાઓમાં સંડોવણી પુરવાર થાય છે તેવું તેમનું કહેવું છે.

ફિંગરપ્રિન્ટ બાબતે આ રીતે થતી ભૂલચૂકને દૂર કરવા માટે જ હવે ‘NAFIS’ને લાગુ કરવામાં આવી છે. તેમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુના સંબંધિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા સૌની ફિંગરપ્રિન્ટને સાચવવામાં આવશે. આ ડેટા સર્ચેબલ હશે અને તપાસ એજન્સીઓ અહીં તમામ ડેટાને 24 બાય 7 અપલોડ અને ટ્રેસ કરી શકશે. ફિંગરપ્રિન્ટની મેથર્ડ ગુના ઉકેલવા કેટલી ઉપયોગી થાય તે ગત્ વર્ષના બેંગલુરુમાં થયેલા પ્રયોગ દ્વારા જ સમજી શકાય. જેમ કે, ગત વર્ષે બેંગલુરુમાં ગુના ઉકેલવામાં ફિંગરપ્રિન્ટની મદદથી 80% વધુ ગુના ઉકેલી શકાયા. બેંગલુરુ પોલીસ પાસે અત્યારે ગુનાખોરી કરનારા 28,691 લોકોના ફિંગરપ્રિન્ટનો ડેટાબેઝ છે.

આ ડેટાના બુદ્ધિપૂર્વકના ઉપયોગથી માત્ર બેંગલુરુ શહેરમાં ગુના ઉકેલવાનું પ્રમાણ આટલે સુધી લઈ જવાયું. હાલમાં દરેક રાજ્યો પોતાની રીતે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવનારાઓનો ફિંગરપ્રિન્ટ ડેટાબેઝ રાખે છે. તમામ રાજ્યોની સિસ્ટમ અલગ-અલગ છે અને તે ડેટા છૂટોછવાયો પણ છે, તેથી નેશનલ લેવલના એક પ્લેટફોર્મની જરૂર હતી, જ્યાં બધા જ ક્રિમિનલ્સના ફિંગરપ્રિન્ટ રહે. હાલમાં ક્રિમિનલ્સનો સૌથી વધુ ડેટા ધરાવનારું રાજ્ય પંજાબ છે અને ત્યાંની પોલીસ પાસે અંદાજે 3.8 લાખ લોકોની ફિંગરપ્રિન્ટ છે. જો કે છેલ્લા 2019 અને 2020માં ફિંગરપ્રિન્ટ દ્વારા ઉકેલનારા કેસોની સંખ્યામાં ટોપ કરનારા રાજ્યોમાં કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રહ્યા છે.

કેરળનો ચકચારી ઉથરા મર્ડર કેસ પણ ફિંગરપ્રિન્ટથી ઉકેલાયો હતો. આ પૂરા કેસની વિગત એમ છે કે, 2020માં ઉથરા નામની યુવાન મહિલાનું સાપના ડંખથી મૃત્યુ થયું હતું. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ પોલીસને શંકા ગઈ કે ઉથરાનું સાપ કરડવાથી મૃત્યુ જરૂર થયું છે પણ તે કુદરતી ક્રમમાં થયું હોય એમ જણાતું નથી. સાપ ઉથરા પર છોડવામાં આવ્યો હતો અને તેવું કરનાર તેનો પતિ સૂરજ હતો.

પોલીસે આ કેસમાં ખૂબ મહેનત કરી અને એવા 29 સાંયોગિક પુરાવા એકઠા કર્યા જેનાથી એવું સાબિત થયું કે ઉથરાની હત્યા સૂરજે કરી છે, તેમાં એક મજબૂત પુરાવો ફિંગરપ્રિન્ટનોય હતો. આવા તો અનેક જાણીતા-અજાણ્યા કેસો છે જેમાં ફિંગરપ્રિન્ટના કારણે ગુનાખોર સુધી પહોંચી શકાયું હોય અથવા તો કેસમાં મજબૂત પુરાવા તરીકે ફિંગરપ્રિન્ટને રજૂ કરવામાં આવી હોય.

2018માં આ રીતે જ ફિંગર પ્રિન્ટથી દિલ્હી પોલીસે 12 વર્ષ જૂના એક કેસની ભાળ મેળવી હતી. થયું એમ કે 2006માં સબિર મલિક નામની એક વ્યક્તિએ તેના સાથીદારો સાથે મળીને દિલ્હીના લલિત બત્રા નામના ઉદ્યોગપતિના ઘરે ચોરી કરી. લલિત બત્રાના ઘરે તે વખતે 30,000ની જ્વેલરી અને અન્ય કેટલીક મોંઘી ચીજવસ્તુઓ ચોરાઈ હતી. તેની ફરિયાદેય થઈ પણ આ કેસ ઉકેલાયો નહીં અને પછી તો ફરિયાદીએ સુધ્ધાં તેની આશા છોડી દીધી હતી. 2018માં જ્યારે સબિર મલિકને ગેરકાયદેસર શસ્ત્ર રાખવાના આરોપસર પકડવામાં આવ્યો અને તેની પૂછપરછ થઈ ત્યારે દિલ્હી પોલીસને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ હંમેશાંથી ગુનાઓ કરતો આવ્યો છે.

તેના ફિંગરપ્રિન્ટ ક્રાઇમ રેકોર્ડ ઓફિસમાં મોકલી આપવામાં આવ્યા. સબિર મલિકના ફિંગરપ્રિન્ટ દિલ્હીના કેટલાક અનસોલ્વ્ડ કેસમાં પણ મેચ થયા, તેમાં એક કેસ ઉદ્યોગપતિ લલિત બત્રાનો પણ હતો. સ્વાભાવિક છે કે ચોરી થયેલો સામાન ચોર પાસેથી આટલાં વર્ષે જપ્ત ન કરી શકાય પણ કેસ ઉકેલાયો અને આવી ગુનાખોરીને અટકાવવાનું કાર્ય તે દ્વારા થશે કારણ કે સબિર મલિક કાલુ-બિલ્લા ગેંગ માટે કાર્યરત હતો અને આ ગેંગે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં અનેક આવી ચોરીઓ કરી છે.

આ ઉદાહરણ પરથી ખ્યાલ આવી શકે કે ગુનાઓ ઉકેલવા અર્થે ફિંગરપ્રિન્ટ કેટલી આવશ્યક બાબત છે. ‘NAFIS’ દ્વારા હવે દરેક ગુના સાથે સંબંધિત વ્યક્તિના ફિંગરપ્રિન્ટને 10 ડિજિટનો એક યુનિક નંબર મળશે, જેને ‘નેશનલ ફિંગરપ્રિન્ટ નંબર’થી ઓળખવામાં આવશે. દેશભરમાં કોઈ પણ વ્યક્તિની ગુના માટે ધરપકડ થાય તો તેની ફિંગરપ્રિન્ટ તેમાં લઈ લેવામાં આવશે. આ યુનિક ID નંબરમાં પ્રથમ 2 ક્રમાંક રાજ્યોનો કોડ દર્શાવશે અને તે પછીના ક્રમ એ રીતે તબક્કાવાર જે-તે ક્ષેત્રની ઓળખ આપશે, જેથી ટ્રેસિંગ ઝડપથી થઈ શકે. નેશનલ સ્તરે આ રેકોર્ડ રાખવાની ભલામણ વર્ષોથી થતી હતી પરંતુ અત્યારે તેનો યોગ બન્યો છે.

સૌ પ્રથમ 1986માં ‘નેશનલ પોલીસ કમિશને’ રાષ્ટ્રીય સ્તરે આવી વ્યવસ્થા હોવાની ભલામણ કરી હતી પરંતુ તે વખતે મેન્યુઅલી જ ફિંગરપ્રિન્ટ રાખવાનું શક્ય હતું. ત્યાર બાદ આ મેન્યુઅલ રેકોર્ડને ડિજિટલ કરવાનું કાર્ય 1992ના અરસામાં શરૂ થયું, તેમ છતાં તે વખતે ટેક્નોલોજીની મર્યાદા ઘણી હતી તેથી તેનો વ્યાપક ઉપયોગ થતો નહોતો. સમયાંતરે આ સિસ્ટમ સતત અપગ્રેડ થતી રહી અને હવે અત્યાધુનિક ટેકનોલોજી સાથે ફિંગરપ્રિન્ટના ડેટાને સુરક્ષિત કરવામાં આવશે.આશ્ચર્યની વાત તો એ છે કે ફિંગરપ્રિન્ટનો પહેલોવહેલો પ્રયોગ અંગ્રેજો દ્વારા ભારતમાં જ થયો હતો. તે વખતે તેનો ઉપયોગ વહીવટી કાર્ય માટે થયો, ન કે ગુનાખોરીના તપાસના ઉદ્દેશ્યથી. તે પછી ઇ. સ. 1800ના અરસામાં બંગાળના હુગલી જિલ્લાના ચીફ એડમિનિસ્ટ્રેટર વિલિયમ હર્ષલે યોગ્ય વ્યક્તિને સરકારી પેન્શન મળે છે કે નહીં અને જમીનની ફેરબદલી વખતે છેતરપિંડી અટકે તે માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ શરૂ કર્યો.

19મી સદીની શરૂઆતમાં ગુનાખોરી અટકાવવા માટે ફિંગરપ્રિન્ટનો આધાર લેવાતો થયો. ફિંગરપ્રિન્ટ વ્યક્તિની ઓળખની એક અલાયદી પદ્ધતિ છે તે શોધી કાઢવાનું કાર્ય મૂળે જર્મનીના એનાટોમિસ્ટ જોહન મેયરે 1788માં કર્યું હતું. જોહન મેયરના આ કાર્યને મેડિકલી યોગ્ય પુરવાર કરવાનું કામ સ્કોટીશ ડૉક્ટર હેન્રી ફોલ્ડે કર્યું. આ રીતે ફિંગરપ્રિન્ટ ઉપયોગમાં લેવાતી થઈ અને કલકત્તામાં 1897માં પ્રથમ ફિંગરપ્રિન્ટ બ્યૂરો સ્થાપવામાં આવ્યું. શરૂઆતમાં તેનો થોડો વ્યાપક ઉપયોગ કરવામાં મૂળે ભારતના બે સબ-ઇન્સ્પેક્ટર, જેઓ બંગાળમાં ડ્યૂટી પર હતા તે અઝિઝ ઉલ હક અને એચ. સી. બોઝનો પણ મહત્ત્વનો ફાળો છે.

Most Popular

To Top