નવસારી જિલ્લાનો (Navsari District) વાંસદા તાલુકો કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો છે. સાપુતારા તરફ જતા એવાં ઘણાં લોકેશન આવે છે જ્યાં પ્રવાસીઓ અચૂક મુલાકાત લે છે. રાણી ફળિયા ગામ (Village) પણ વિકાસને વળેલું ગામ છે. દેશ આઝાદ થયા પછી લોકતંત્ર બન્યા બાદ સરકાર દ્વારા રાજાઓ પાસેથી આ જમીન લઈ લેવાની વાત ખબર પડતાં તે સમયે રાણી (કુંવરબા)એ ગામના સ્થાનિક 13 જેટલા ખેડૂતોને (Farmers) અહીંની આશરે 500 એકર જેટલી જમીન ઇનામી જમીન (Land) તરીકે આપી હતી. ત્યારથી આ ગામનું નામ રાણી ફળિયા પડ્યું હોય એમ અહીંના વડીલો દ્વારા કહેવામાં આવે છે.
રાણી ફળિયા ગામની મધ્યમાંથી વાપી-શામળાજી નેશનલ હાઇવે નં.56 પસાર થાય છે, જેના કારણે રાણી ફળિયા ગામનો અનેક ક્ષેત્રે ખૂબ જ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. 3166ની વસતી ધરાવતા રાણી ફળિયા ગામમાં 1533 પુરુષ અને 1633 સ્ત્રી વર્ગનો સમાવેશ થાય છે, જેમાં ચૂંટણી દરમિયાન 2511 જેટલું મતદાન થાય છે. રાણી ફળિયા ગામમાં ગડગાબારી, નદી પીલાડ ફળિયું, સારિયા ફળિયું, ભક્તિ ફળિયું, સક્કરકુઈ, કારભારી ફળિયું, આમલી ફળિયું, પટેલ ફળિયું, ઝાડી ફળિયું અને કાપરી ફળિયું એમ દસ ફળિયાનો સમાવેશ થાય છે. રાણી ફળિયા ગામમાં ધોડિયા, કુંકણા, નાયકા, હળપતિ વગેરે જાતિના લોકો વસવાટ કરે છે. પરંતુ ધોડિયા જાતિના લોકો વધુ જોવા મળે છે. અહીંના ખેડૂતો ખેતીમાં ડાંગર, શેરડી, તુવેર, ચણા, વાલ, અડદ તેમજ શાકભાજીની ખેતી કરતા હોય છે. પરંતુ અહીં લોકો ડાંગરનો ઉપયોગ વધુ કરતા હોવાથી ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આમ, અહીંના ખેડૂતો 70 % ખેતી અને પશુપાલન પર નિર્ભર રહી જીવનનિર્વાહ કરતા હોય છે. અનેક સુવિધાઓથી સજ્જ અને વાંસદાની સૌથી નજીકનું રાણી ફળિયા ગામમાં આજે 76 % સાક્ષરતાનું પ્રમાણ જોવા મળે છે. રાણી ફળિયા ગ્રામ પંચાયતની સ્થાપના ૧-૧-૧૯૯૧માં થઈ હતી. તેમાં બાબુભાઈ પટેલ ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા હતા.
શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર
રાણી ફળિયા ગામમાંથી પસાર થતા વાપી-શામળાજી હાઇવે પર ચાર રસ્તા પાસે આવેલા શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 3 જૂન-2014માં બેંગ્લોરના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ત્રણ જૂને આ મહાદેવ મંદિરના પટાંગણમાં પાટોત્સવ, કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર રાણી ફળિયા ગામના ભાવીભક્તો દર્શનાર્થે ઊમટી પડતા હોય છે, તેમજ આ મંદિરનું ભૂમિ પૂજન બ્રહ્મજ્ઞાની, બ્રહ્મચારી એવાજી બાબાના હસ્તે કરવામાં આવ્યું હતું. શિવરાત્રિ અને શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આજુબાજુનાં ગામોના શિવભક્તો પણ અહીં દર્શન માટે પગપાળા આવતા હોય છે.
રાવણદહનની શરૂઆત
રાણી ફળિયા ગામમાં વડીલો અને પાંચમી વખત સરપંચ પદનો ભાર સંભાળનાર બાબુભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં સૌપ્રથમ દશેરા પર્વની ઉજવણી તેમજ રાવણદહનની શરૂઆત રાણી ફળિયા ગામમાંથી થઈ હતી. ત્યાર પછી વાંસદા અને હોળીપાડા ગામમાં દશેરા પર્વની ઉજવણી ની શરૂઆત કરવામાં આવી હતી.
સપ્તશ્રૃંગી માતાનું મંદિર
રાણી ફળિયા ગામના છેવાડાના ગડગાબારી ફળિયા ખાતે આવેલી ગેબનશા ડુંગરીની તળેટીમાં આવેલા હળદવાના ઝાડ નીચે સપ્તશ્રૃંગી માતાના મંદિરે રાજા રજવાડાના સમયથી પૂર્વજો દ્વારા અહીં પૂજા કરવામાં આવી રહી છે. વર્ષોથી ખુલ્લી જગ્યામાં હળદવાના ઝાડ નીચે પૂજા કર્યા બાદ હાલ 2021માં ભક્તો દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. વડીલો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં મંદિરે આવતા ભાવીભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક માનેલી મનોકામના પૂર્ણ થાય છે. તેમજ રાણી ફળિયા ગામમાં કાપરી ફળિયા અને કારોભારી ફળિયામાં હનુમાનજીના મંદિર આવેલું છે.
મેરીમાતા મંદિર
રાણી ફળિયા ગામના સારિયા ફળિયા ખાતે આવેલું મેરી માતાનું મંદિર ગ્રામજનોમાં આસ્થાનું પ્રતીકે છે. મેરી માતા અહીંની ગામદેવી પણ કહેવાય છે. આ મંદિર ખાતે પૂર્વજોના સમયથી લોકો પૂજા-અર્ચના કરતા આવ્યા હોવાનું અહીંના વડીલો દ્વારા જાણવા મળે છે, જેમાં આ મંદિરમાં છેલ્લાં સાત વર્ષથી દર વર્ષે 10 મેના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર રાણી ફળિયા ગામના લોકો સહિત આજુબાજુનાં ગામના લોકો પણ ઉજવણીમાં સહભાગી બનતા હોય છે. ભક્તો દ્વારા મંદિરમાં હવન, શાંતિ ઓમ, કથા-પૂજા કર્યા બાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે. તેમજ મંદિરના લાભાર્થે શિવપુરાણની કથા સાત દિવસ સુધી કરવામાં આવી હતી.
રાણી ફળિયા ગામનું રમતનું મેદાન
આજે દેશભરમાં ખેલ મહાકુંભના માધ્યમથી અનેક નાના-મોટા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેજસ્વી તારલાઓ વિવિધ રમત ક્ષેત્રે ઊભરીને બહાર આવી રહ્યા છે, જેમાં સૌથી પહેલા યુવાનો માટે ગામમાં રમતગમતનું મેદાન હોવું ખૂબ જ જરૂરી હોય છે. જેમાં રાણી ફળિયા ગામના ગડગાબારી ફળિયા ખાતે આવેલું મેદાન ગામના યુવાનો માટે ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. અહીં યુવાનો રમતગમતની સાથે ગ્રામજનો દ્વારા નવરાત્રિ અને દશેરા ઉત્સવ જેવા તહેવારો પણ આ જ મેદાન પર ઉજવવામાં આવે છે.
પ્રાથમિક શાળાઓ
રાણી ફળિયા ગામમાં શિક્ષણની દૃષ્ટિએ જોવા જઈએ તો બે વર્ગશાળા અને એક પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. જેમાં રાણી ફળિયા ગામમાં સારિયા ફળિયા ખાતે આવેલ સારિયા ફળિયા વર્ગશાળા જેની સ્થાપના ઈ.સ.1980માં થઈ હતી. આ શાળામાં પાંચ શિક્ષકો 1થી 8 ધોરણમાં અભ્યાસ કરતા 116 જેટલા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યા છે અને પટેલ ફળિયા ખાતે આવેલી મુખ્ય પ્રાથમિક શાળા આ શાળામાં 6 શિક્ષકો 1થી 8 ધોરણમાં અભ્યાસ કરતા 120 જેટલાં બાળકોને સારું શિક્ષણ આપી રહ્યા છે. તેમજ ગડગાબરી ફળિયા ખાતે આવેલી વર્ગશાળા જેની સ્થાપના 2005માં થઈ હતી. આ વર્ગ શાળામાં 2 શિક્ષકો 1થી 5 ધોરણમાં અભ્યાસ કરતાં 22 બાળકોને સારું શિક્ષણ આપી રહ્યાં છે. આમ, આ ત્રણેય શાળા મળી 13 શિક્ષકના નેજા હેઠળ 258 જેટલા વિદ્યાર્થી શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળાઓમાં શિક્ષણની સાથે સાથે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પૌષ્ટિક સારું ભોજન પણ અપાઈ રહ્યું છે. ત્યારે આ શાળાઓમાં અભ્યાસ માટે આવતાં બાળકોમાંથી ઘણા એવા બાળકો પણ હોય છે. જેઓની ઘરની આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાના કારણે તેમનો પરિવાર તેમના બાળકોના ભણતર પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી જો અહીં સરકારી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે તો ઘણા એવા જરૂરિયાતમંદ બાળકો છે જેવો હોસ્ટેલમાં રહી વધુ સારું શિક્ષણ મેળવી શકે તેમ છે.
નવા બસ સ્ટેન્ડની સુવિધાની જરૂર
રાણી ફળિયા ગામ આજે અનેક ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે, ત્યારે 3166ની વસતી ધરાવતા ગામમાં વર્ષોથી બસ સ્ટેન્ડ અત્યંત જૂનું જોવા મળી રહ્યું છે. ત્યારે અહીં નવા બસ સ્ટેન્ડની જરૂરિયાત ઊભી થાય છે તેમજ રાણી ફળિયા ગામની મધ્યમાંથી વાપી-શામળાજી હાઇવે નં.56 પસાર થાય છે અને ધરમપુર, વલસાડ, વાપી, આહવા, સાપુતારા, વ્યારા તરફ જતા રાણી ફળિયા ગામના ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પણ આ જ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરી મુસાફરી કરતા હોય છે, ત્યારે આ બસ સ્ટેન્ડ દ્વારા મુસાફરીમાં ઉનાળો અને ચોમાસમાં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. જેને લઇ તંત્ર દ્વારા અહીં એક નવા સુવિધાયુક્ત બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવે તો સ્થાનિકોને વધુ સારી સુવિધાનો લાભ મળી રહે તેમ છે.
સ્મશાનગૃહ
રાણી ફળિયા ગામમાં કોઈક વ્યક્તિના અવસાન બાદ તેના અંતિમસંસ્કારની ક્રિયા કરવા માટે રાણી ફળિયા ગામના છેવાડે ભેજવાટી પાસે કાવેરી નદીના કિનારે સ્મશાનગૃહ આવેલું છે. તેમજ સ્મશાનગૃહ પાસે અંતિમસંસ્કાર માટેનાં લાકડાં મૂકવા માટેનું ગોડાઉન અને બેસવા માટેની સુંદર છેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભેજવાટી પાસે કાવેરી અને કાવેરા એમ બે નદીનું સંગમ થાય છે.
ખાનગી શાળા અને હોસ્પિટલો
રાણી ફળિયા ગામમાં ખાનગી શાળાઓની વાત કરીએ તો ગુરુકુલ વિદ્યાલય, કલ્પસર સ્કૂલ, એરિસ ઇંગ્લિશ મિડિયમ એમ ત્રણ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ્સ આવેલી છે અને શ્રી હોસ્પિટલ, શ્રીજી હોસ્પિટલ, અમૃત હોસ્પિટલ, જન્મ હોસ્પિટલ અને ઈરાવતી એમ પાંચ જેટલી ખાનગી હોસ્પિટલો આવેલી છે, જેમાં મોટા ભાગની બીમારીઓની સારવાર લોકોને ઘરઆંગણે જ મળી રહે છે.
ચેકડેમ દ્વારા સિંચાઈ
રાણી ફળિયામાં ગામમાંથી પસાર થતી કાવેરી નદીના કારણે અહીં ભૂગર્ભમાં પાણીના સ્થળ ઊંચા હોવાથી અહીંના ખેડૂતોને કૂવાઓ અને પાણીના બોર દ્વારા સિંચાઈનો સારો લાભ તો મળી જ રહે છે. ઉપરાંત કાવેરી નદી ઉપર સિંચાઈ વિભાગ દ્વારા 5 ચેકડેમ અને 3 કોઝવે કમ ચેકડેમ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા પણ અહીંના ખેડૂતો આ ચેકડેમ મારફતે ખેતી માટે સિંચાઈના પાણીનો સારો ઉપયોગ કરી શકે છે, જેમાં ખેડૂતોને આખા વર્ષ દરમિયાન સાતથી આઠ મહિના સુધી આ ચેકડેમ મારફતે પાણી મળી રહે છે.
રાણી ફળિયા ગામની પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ 18 વર્ષની વયે સરપંચ તરીકે ચુંટાઈ આવનાર બાબુભાઈ પટેલ
સને-1991માં રાણી ફળિયા ગ્રામ પંચાયતની સ્થાપના થઈ ત્યારે બાબુભાઈ રણછોડભાઈ પટેલ 11માં ધોરણમાં વાંસદાની શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ત્યારે રાણી ફળિયા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણી જાહેર થઈ હતી. ત્યારે ચૂંટણી પંચ દ્વારા તે સમયે 18 વર્ષના મતદારોને મત આપવાનો અધિકારનો કાયદો હોય અને સાથે જો મતદાર યાદીમાં નામ હોય તો સરપંચ તરીકેની ઉમેદવારી પણ કરી શકાતી હતી, જેમાં બાબુભાઈ પટેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ સરપંચ પદે ચુંટાઈ આવી તા.1/1/1991થી 1995 સુધી ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યા બાદ 1996માં બીજી વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તેમાં પણ બાબુભાઈ પટેલ જંગી બહુમતીથી ચુંટાઈ આવ્યા હતા. જેમણે વર્ષ-2000 સુધી સરપંચ તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ વર્ષ 2007થી 2011 અને 2012થી 2016 સુધી ફરી સતત બે ટર્મ સરપંચ તરીકે ભાર સંભાળ્યા બાદ વર્ષ-2022માં પાંચમી વખત ફરી બાબુભાઈ પટેલ ચુંટાઈ આવતાં તેઓ હાલ ગ્રામ પંચાયતનો ભાર સંભાળી રહ્યા છે.
બાબુભાઈ પટેલ વર્ષ-2009થી 2017 સુધી વાંસદા તાલુકા સરપંચ એસોસિએશનના મહામંત્રી તરીકે ફરજ બજાવી વાંસદા તાલુકાના સરપંચોના મૂંઝવતા પ્રશ્નો જે-તે વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓને યોગ્ય રજૂઆત કરી તેનો નિકાલ લાવતાં તેમજ નવા ચુંટાયેલા સરપંચોને માર્ગદર્શન પૂરું પાડતાં તેમજ મહાત્મા ગાંધી નિર્માણ ગુજરાત અભિયાન અંતર્ગત તા.17/10/2009ના રોજ હરિયાણા હિસ્સાર ખાતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલના હસ્તે નિર્મળ ગામ પુરસ્કાર એવોર્ડ મળ્યો હતો. સાથે રૂપિયા બે લાખનું ઇનામ મેળવી રાણી ફળિયા ગામનું બાબુભાઈ પટેલે ગૌરવ વધાર્યું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરપંચ બાબુભાઈ આર.પટેલ દ્વારા રાણી ફળિયા ગામમાં 100% વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે ફાળો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે યોજાયેલા રાજ્ય કક્ષાના સ્વચ્છતા દિનની ઉજવણી નિમિત્તે તા.17/9/2015ના રોજ ગાંધીનગર ખાતે બાબુભાઈ પટેલને સ્વચ્છ ગામ પુરસ્કારથી સન્માનિત કરી રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ આઝાદીનો અમૃત મહોત્સવ વંદે ગુજરાત વિકાસ અંતર્ગત સરકારની ગાઇડલાઇન મુજબ તમામ વય જૂથના લાભાર્થીઓને કોવિડ રસીના બધા ડોઝ અપાવી 100 % કામગીરી પૂર્ણ કરવા બદલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ વાંસદા દ્વારા રાણી ફળિયા ગામની શાળાઓમાં સેવાકીય પ્રવૃત્તિ
રાણી ફળિયા ગામની શાળાઓમા લાયન્સ ક્લબ ઓફ વાંસદા દ્વારા સન 1994થી જ્યારે શાળાઓની છત નળિયાવાળી હતી ત્યારથી અવિરત અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. શાળામાં પીવાના પાણીની ટાંકી, હેન્ડપંપ હોય કે મોટર રિપેરિંગ હોવાથી બધાં કામોમાં આ સંસ્થા હંમેશાં તત્પર રહેતી હોય છે. લાયન્સ ક્લબ ઓફ વાંસદાના પ્રમુખ પટવર્ધનસિંહ સેંગાર, વાઇસ પ્રેસિડેન્ટ દરાયશભાઈ મિર્ઝા, સેક્રેટરી રમેશભાઈ સોલંકી, ટ્રેઝરર મહેશભાઈ ચૌહાણ અને પદ્યુમનસિંહ સોલંકી સહિત તેમની ટીમ દ્વારા રાણી ફળિયા ગામની આંગળવાડી અને શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે સ્કૂલબેગ, યુનિફોર્મ, નોટબુક, પુસ્તકો અને સ્ટેશનરી જેવી ભણવા માટેની અનેક ચીજવસ્તુઓની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. તેમજ ચોમાસા દરમિયાન બાળકો માટે છત્રી અને રેઇનકોટની પણ જરૂરિયાત આ સંસ્થા દ્વારા પૂરી પાડી હંમેશાં ભણતર માટે જરૂરી સલાહ સૂચન આપતાં રહ્યાં છે. તેમજ લાયન્સ ક્લબના ઓફ વાંસદા, રાણી ફળિયા ગામના સરપંચ અને સ્થાનિક કેટલાક વેપારીઓના સહયોગથી સ્કૂલનાં બાળકો માટે તિથિ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. આમ, લાયન્સ કલબ ઓફ વાંસદા અને સ્થાનિક વેપારીઓ દ્વારા હરહંમેશ આંગળવાડી અને સ્કૂલનાં બાળકો માટે કંઇક ને કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે. શાળા પરિવાર અને વિદ્યાર્થી વાલીઓ હંમેશાં આ સેવાકીય સંસ્થા અને વેપારીઓના આભારી રહ્યા છે.
સારિયા ફળિયાના ઉપશિક્ષક મહેશભાઈ પટેલનું કલેક્ટર દ્વારા સન્માન
રાણી ફળિયા ગામની સારિયા ફળિયા વર્ગ શાળાના ઉપ શિક્ષક મહેશભાઈ પટેલને શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકેનું સન્માન જિલ્લા કલેકટર જે-તે સમયે આંદ્રા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ તેમને શ્રેષ્ઠ વસતી ગણતરી કામગીરી માટે પણ રજત ચંદ્રકથી કલેક્ટર કુમાર સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
પશુપાલન ઉદ્યોગનો વિકાસ
રાણી ફળિયા ગામમાં સાક્ષરતાનું પ્રમાણ સારું જોવા મળે છે, જેમાં અહીંના લોકો સરકારી નોકરી અને મોટા ભાગના લોકો પોતાના ખાનગી વ્યવસાય સાથે સંકળાયેલા જોવા મળે છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે જે માત્ર ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ છે, અને તેના થકી સારું એવું દૂધ ઉત્પાદન કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. રાણી ફળિયા ગામમાં કુલ બે દૂધ ડેરી આવેલી છે, જેમાં પટેલ ફળિયા એક અને ગડગાબારી ફળિયા એક એમ બે દૂધ ડેરી મળી કુલ 175 સભાસદ દૂધમંડળીમાં દૂધ ભરી સારી એવી આવક મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, આજે વાંસદા તાલુકામાં ગામેગામ અદ્યતન સુવિધાવાળી દૂધ ડેરીના નિર્માણ થઈ રહ્યા છે, ત્યારે રાણી ફળિયા ગામમાં આજે પણ ઘરના આંગણામાં કેબિન બનાવી દૂધ ડેરી ચલાવવામાં આવી રહી છે. જેને લઇ રાણી ફળિયા ગામમાં પણ અદ્યતન સુવિધાવાળી નવી દૂધડેરીનું નિર્માણ થાય એ જરૂરી છે.
આરોગ્યની સુવિધા
રાણી ફળિયા ગામના ગડગાબારી ફળિયામાં આવેલા આરોગ્ય સબ સેન્ટર દ્વારા ત્રણ હજારથી પણ વધુ વસતી ધરાવતા ગામમાં ઘણા એવા ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા લોકોને બારેમાસ નાની-મોટી બીમારીઓમાં સારી એવી સારવાર આપવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિની તબિયત વધુ ખરાબ થતાં હાલત વધુ ગંભીર જણાતાં રાણી ફળિયા ગામથી વાંસદા કોટેજ હોસ્પિટલનું અંતર માત્ર બે કિલોમીટર જેટલું હોવાથી લોકો સરળતાથી ત્યાં હોસ્પિટલે પહોંચી વધુ સારવાર મેળવી શકે છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ ગામ: 80 % સ્ટ્રીટ લાઈટ, 80 % ડામરના રસ્તા
રાણી ફળિયા ગામ એ 3166ની વસતી ધરાવતું ગામ છે. જે અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ ગામ કહી શકાય, જેમાં 80 % સ્ટ્રીટ લાઈટ, 80 % ડામરના રસ્તા ગ્રામ્ય વિસ્તારને પણ જોડે છે. પેવર બ્લોકની સુવિધા, ત્રણ સરકારી પ્રાથમિક શાળા, ત્રણ ઇંગ્લિશ મિડિયમ ખાનગી શાળાઓ, પાંચ અદ્યતન સુવિધાવાળી ખાનગી હોસ્પિટલ જેમાં મોટા ભાગની બધી જ સારવાર મળી રહે છે. સરકારી આરોગ્ય સબ સેન્ટર જેમાં રાણી ફળિયા ગામના ગરીબ પરિવારોના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે છે. ગામના યુવાનો માટે રમત-ગમતનું મેદાન તેમજ ગામના રાશનધારકો માટે દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન, બાળકો માટે આંગણવાડી તથા ગ્રામજનોને પીવા માટે, પશુપાલન અને સિંચાઈ માટે પૂરતા પાણીની સુવિધા મળી રહે છે.
રાણી ફળિયા ગામની આંગણવાડી
રાણી ફળિયા ગામનાં નાનાં બાળકોના ભવિષ્ય ઉજ્જળ બને એ હેતુસર સરકાર દ્વારા ચાર જેટલી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પટેલ ફળિયા ખાતે એક, સારિયા ફળિયામાં એક અને ગડગાબારી ફળિયામાં એક આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ ત્રણ આંગણવાડી મળી કુલ 100 જેટલાં બાળકોને સારા શિક્ષણની સાથે સાથે રમતગમતનાં સાધનો અને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.
સસ્તા અનાજનું ગોડાઉન અને દુકાન પણ આવેલી છે
વાંસદા તાલુકાનું સરકારી અનાજનું સૌથી મોટું ગોડાઉન રાણી ફળિયા ગામમાં જ આવેલું છે. જ્યાંથી વાંસદા તાલુકાનાં તમામ ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાં લોકો માટે અનાજ પહોંચાડવામાં આવે છે, અને ત્યારબાદ ત્યાંથી ગામના રાશનકાર્ડ ધારકોને રાહતદરે અનાજ આપવામાં આવે છે. રાણી ફળિયા ગામના આમલી ફળિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન આવેલી છે. જેમાં રાણી ફળિયા ગામના તમામ રેશનકાર્ડધારકોને સરકારના રાહત દરે સસ્તું અનાજ આપવામાં આવે છે. જેનો રાણી ફળિયા ગામના ગ્રામજનો પૂરતો લાભ લઈ રહ્યા છે.
વન ચેતના કેન્દ્ર
રાણી ફળિયા ગામના સારિયા ફળિયામાં વાંસદા તાલુકા વનવિભાગ પશ્ચિમ ખાતે વન ચેતના કેન્દ્ર આવેલું છે. આ વન ચેતના કેન્દ્રનો હેતુ વનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવું, વન્યપ્રાણીઓ અને વન્યપ્રાણીઓનાં આવાસોનું રક્ષણ કરવું, જૈવિક વિવિધતાનું જતન કરવું, સામાજિક વનીકરણ યોજના દ્વારા વનોની બહારના વિસ્તારમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવો, વન ઉપજના વેચાણ/ વિતરણની કામગીરી, પ્રજાજનોની (ખાસ કરીને આદિવાસી પ્રજાની) નાના ઇમારતી લાકડાં, જલાઉ અને ગૌણ વનપેદાશોની માંગ સંતોષવા પ્રયત્નો કરવા, ભૂમિ અને ભેજ સંરક્ષણ માટે નદી, તળાવ અને સરોવરના સ્ત્રાવ વિસ્તારની જમીનું ધોવાણ અટકાવવાના અને ફળદ્રુપતા વધારવાના પ્રયત્નો કરવા, વન વ્યવસ્થા, વન્યપ્રાણી સંરક્ષણ અને વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવા લોક ભાગીદારીના પ્રયત્નો કરવા, વનશાસ્ત્ર, વનવિનિયોગ તથા વન્યજીવોને લગતી બાબતોનું સંશોધન કરવું તેમજ ઇકો ટુરિઝમ અને પ્રકૃતિ શિક્ષણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને લોક ભાગીદારી માટે જાગૃતિ લાવવાનો છે.