દેશમાં અન્ય રાજ્યોમાં દારૂ (Liquor) પીવા માટે છૂટ છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી (Prohibition Of Alcohol) છે. છતાંય લોકો એ વાતથી અજાણ નથી કે ગુજરાતમાં અને સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. 31 ડિસેમ્બર હોય કે ઉત્તરાયણનો પર્વ હોય કે અન્ય કોઈ પર્વમાં દારૂ પીધા વગર પાર્ટી અધુરી રહે છે. અને કાંઈ બાકી રહી જતું હોય તેમ સુરતીઓ ક્યારેક રજાના દિવસે દમણ પણ ઉપડી જાય છે. જોકે આમ છતાં સરકાર (Government) દ્વારા ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવાના ભરચક પ્રયાસો થઈ રહ્યાં છે. પરંતુ વિશ્વનો એક દેશ એવો છે જ્યાં સરકાર પોતે લોકોને વધુમાં વધુ દારૂ પીવા માટે જણાવી રહી છે. આ માટે ત્યાંની સરકારે રિતસરનો અભિયાન (Campaign) ચલાવ્યો છે.
જાણવા મળ્યા મુજબ લોકોને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરવા માટે જાપાન સરકાર ‘ધ સેક વિવા કેમ્પેઈન’ ચલાવી રહી છે. આ એક પ્રતિયોગિતા છે જેમાં લોકોને વધુમાં વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. નેશનલ ટેક્સ એજન્સી (NTA) દ્વારા ચલાવવામાં આવતી આ સ્પર્ધામાં 20-39 વર્ષની વયના લોકોને દારૂની લોકપ્રિયતા વધારવામાં મદદ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. જાપાનમાં આ સ્પર્ધા હાલ ચાલી રહી છે અને તે 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આમાં ફક્ત દારૂની નવી પ્રોડક્ટ જ નહીં પરંતુ જૂની પ્રોડક્ટનો પણ ઉપયોગ વધારવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ઘરમાં નિયમિત દારૂ પીવાના ચલણને પુનર્જીવિત કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
શા માટે ચલાવાઈ રહ્યો છે આ અભિયાન?
કોરોના વાયરસને કારણે લોકોએ અહીં દારૂ પીવાનું ઓછું કર્યું છે. તેનું મુખ્ય કારણ છે દારૂની ઉપલબ્ધતા અને મિત્રો સાથે મળીને દારૂ પાર્ટી ન કરી શકવું. પહેલા મોટાભાગના લોકો ઓફિસ બાદ મિત્રો સાથે દારૂ પીતા હતા જે કોરોના બાદ હવે બંધ થઈ ગયું છે. માત્ર દારૂ જ નહીં અહીં બિયરનું વેચાણ પણ ઘટી ગયું છે. બીયરનું વેચાણ 20% ઘટીને 1.8 બિલિયન લિટર કરતાં પણ ઓછું થયું છે. દારૂના વપરાશમાં ઘટાડો થવાને કારણે તેનાથી થતી આવકમાં ઘટાડો થયો છે. જેને કારણે જાપાન સરકારની ચિંતા વધી ગઈ છે. આ જ કારણ છે કે અહીંની સરકાર લોકોને વધુને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે સરકારે દેશવ્યાપી સ્પર્ધા શરૂ કરી છે.
સરકાર દ્વારા પ્રસ્તુત આંકડા
જાપાનમાં વર્ષ 2020માં પ્રતિ વ્યક્તિ બીયરનો ઉપયોગ 55 બોટલ હતો. 2021માં આમાં 9.1%નો ઘટાડો થયો હતો. 2020 ના નાણાકીય વર્ષમાં જાપાન સરકારને 1980 ની સરખામણીમાં દારૂ પરના કરમાંથી 110 બિલિયન પાઉન્ડથી વધુની આવકનું નુકસાન થયું હતું. ગયા વર્ષે NTAએ ઓગસ્ટની શરૂઆતમાં કહ્યું હતું કે 31 વર્ષમાં આલ્કોહોલ ટેક્સની આવકમાં તે સૌથી મોટો ઘટાડો છે. જાપાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ અભિયાન લોકોને માત્ર મર્યાદિત માત્રામાં દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે ‘ધ સેક વિવા કેમ્પેઈન’ સ્પર્ધાના ફાઇનલિસ્ટને 10 નવેમ્બરના રોજ ટોક્યોમાં આયોજિત ગાલા એવોર્ડ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે.