સુરતઃ બે વર્ષ બાદ સુરત શહેરના રાજમાર્ગ પર આવેલા ભાગળ ચાર રસ્તા પર આજે ખરા અર્થમાં અસ્સલ સુરતી સ્ટાઈલમાં ઉત્સવની ઉજવણી થતી જોવા મળી હતી. કોરોનાના કાળાં વાદળો હટ્યા બાદ અને તમામ પ્રકારના પ્રતિબંધો દૂર થયા બાદ ૨૦૧૯ પછી છેક ૨૦૨૨માં આ વર્ષે ભાગળ ચાર રસ્તા પર જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પહેલીવાર મહિલા ગોવિંદાઓ મટકી ફોડવા આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સુરતના ભાગળ ચાર રસ્તા પર દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. અહીં આયોજકો દ્વારા ઊંચી મટકી બાંધવામાં આવે છે અને સૌથી ઊંચી મટકી ફોડનાાર ગોવિંદાઓને મોટા પ્રોત્સાહક ઈનામો આપી તેઓનું સન્માન કરવામાં આવે છે. આ વખતે આયોજકો દ્વારા ભાગળ ચાર રસ્તા પર ૪ મટકી બાંધવામાં આવી હતી, જેમાં સૌથી ઊંચી મટકી ૪૦ ફૂટ પર બાંધવામાં આવી હતી. મટકી ફોડવા માટે શહેરભરમાંથી કુલ ૧૨૮ ગોવિંદાઓની ટીમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાંથી ૨૫ ગોવિંદાઓની ટીમની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ભાગળ ચાર રસ્તા પર મટકી ફોડવાના પ્રયાસ કરાયા હતા, પરંતુ સફળતા સુખાનંદ વ્યાયામ મંડળને મળી હતી. સુખાનંદ વ્યાયામ મંડળના ગોવિંદાઓએ મક્કમ પ્રયાસ બાદ મટકી ફોડી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ તરફથી તેઓને ૧.૨૫ લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું.
મહિલા ગોવિંદાઓએ આકર્ષણ જમાવ્યું
આ વર્ષે પહેલીવાર મટકી ફોડ કાર્યક્રમમાં મહિલા ગોવિંદાઓએ ભાગ લીધો હતો. કોટ વિસ્તારની મહિલાઓના એક ગ્રુપે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો અને એક મટકી ફોડીને ૭૦ હજાર રૂપિયાનું ઈનામ જીત્યું હતું. વરસતા વરસાદમાં ભક્તોના જય શ્રી કૃષ્ણના ઉદ્દઘોષ વચ્ચે મહિલાઓએ મટકી ફોડી હતી.
લાખો લોકો ભાગળ ચાર રસ્તા પર ભેગા થયા, તિરંગો પણ લહેરાયો
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર્યા દિન નિમિત્તે તિરંગા ઉત્સવ ઉજવવાની લોકોને અપીલ કરી હતી. જન્માષ્ટમીમાં પણ તિરંગો છવાયો હતો. લોકો તિરંગો લઈને આવ્યા હતા. હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી સાથે વંદેમાતરમના નારા પણ લાગ્યા હતા. ભાગળ ચાર રસ્તા પર જાણે આખું શહેર ભેગું થયું હોય તેવા દ્રસ્યો જોવા મળ્યા હતા. વરસતા વરસાદમાં પણ લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો.