નડિયાદ: નડિયાદ પાલિકાની બાજુમાં અને સાંસદ સુવિધા કેન્દ્રની સામે આવેલી પાલિકા હસ્તકની 2 દુકાનોમાં જૂના ભાડૂઆતો દ્વારા ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામ માટે પ્રયત્ન શરૂ કરાયા છે. આ મામલે તત્કાલ કાર્યવાહી થાય તે જરૂરી બન્યુ છે. નડિયાદમાં સાંસદ સુવિધા કેન્દ્ર સામે આવેલી પાલિકાની 2 દુકાનોમાં ફરી એકવાર છત ભરવા માટે સેન્ટીંગ મારવામાં આવ્યુ છે. ચર્ચને અડીને આવેલી રોડ પરની આ બે દુકાનો માટે જે-તે સમયના ભાડુઆત દ્વારા મનસ્વી રીતે આ બાંધકામ કરી દુકાનો પચાવી પાડવાનો કારસો ચાલી રહ્યો છે.
નગરપાલિકાની ઢીલી નીતિ અને રહેમનજરના કારણે ભાડુઆત હજુ પણ આ દુઃસાહસ કરતો હોવાની ચર્ચા ઉઠી છે. નગરપાલિકાએ પોતાની માલિકીની આ દુકાન નં. 4 પ્રકાશભાઈ પારવાણી અને દુકાન નં. 5 ચંદ્રકાન્ત જી. દલવાડીને ભાડાપટ્ટે આપી હતી. બાદમાં 5 સપ્ટેમ્બર, 2018ના રોજ ચેકથી 2 લાખ રૂપિયા લઈ ચંદ્રકાન્ત જી. દલવાડીએ પ્રકાશભાઈ પારવાણીને દુકાન પધરાવી દીધી હતી. આ સમયે માત્ર નોટરીના આધારે દુકાન વેચાણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં 2 લાખ રૂપિયા ચેકથી લીધા છે, પરંતુ દુકાન ફટકારી મારવા માટે ચંદ્રકાન્ત દલવાડી દ્વારા મસ મોટી રકમનો વહીવટ કરાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. બીજીતરફ દુકાન નં. 4નું છેલ્લા 5 વર્ષનું રૂપિયા 31,875 જ્યારે દુકાન નં. 5નું 3 વર્ષથી 24,768 રૂપિયા ભાડુ બાકી હોવાની વિગત ગયા વર્ષે સામે આવી હતી.
આ દુકાન એક જ ભાડુઆતના કબ્જામાં હોય કુલ 56,643 રૂપિયા બંને દુકાનોનું ભાડુ બાકી હોવાનું જાણવા મળ્યુ હતુ. ઓગસ્ટ 2021માં આ દુકાનોનું ગેરકાયદેસર રીનોવેશન શરૂ કરાયુ હતુ. જે મામલે તે સમયે અપક્ષ કાઉન્સિલર ગોકુલ શાહે વિરોધ નોંધાવ્યો હતો અને રીનોવેશન બંધ કરાવ્યુ હતુ. પરંતુ રાતના અંધારામાં સ્લેબ ભરવાની તજવીજ હાથ ધરાઈ હતી, જો કે, તે સમયના જાગ્રત અધિકારીએ રાત્રે સ્થળ પર પહોંચી કામકાજ બંધ કરાવ્યુ હતુ. હવે કોના ઈશારે ફરી રીનોવેશન શરૂ કર્યુ છે, તે અંગે તપાસની માગ ઉઠી છે.