સુરત : સિંગણપોરમાં (Singanpore) રહેતા હીરાના વેપારી (Diamond Merchant) પુત્રને ઓનલાઇન (Online) સાઇકલ (Cycle) વેચવાનું 90 હજારમાં પડ્યું હતું. શરૂઆતમાં અજાણ્યાએ પોતાની ઓળખાણ આર્મીમેન તરીકેની આપીને વેરીફિકેશન માટે રૂા.2ની આપલે કરી એક ક્યુઆર કોડ (QR code) મોકલાવ્યો હતો અને તેના આધારે રૂા.90 હજાર કાપી લેતા પોલીસમાં (Police) ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ડભોલીમાં આવેલી મનિષનગર સોસાયટીમાં રહેતા હીરાના વેપારી વિકાસ પ્રવિણ સવાણીના પુત્ર જયનીશએ ઓએલએક્સ ઉપર પોતાની જૂની સાઇકલ વેચવા માટે મુકી હતી અને મોબાઇલ નંબર પણ નાંખ્યો હતો. આ દરમિયાન જયનીશનો એક નરેશકુમાર નામના યુવકે સંપર્ક કર્યો હતો અને પોતાની ઓળખાણ આર્મીમેન તરીકે આપી હતી. નરેશકુમાર અને જયનીશએ સાઇકલ અંગે વાતચીત કરીને 2 હજારમાં સોદો નક્કી કર્યો હતો. બંનેએ પોતાની યુપીઆઇ આઇડી મોકલાવીને વેરીફિકેશન કર્યું હતું, જેમાં જયનીશએ 1 રૂપિયો મોકલાવ્યો હતો જ્યારે નરેશકુમારે જયનીશને 2 રૂપિયા મોકલાવ્યા હતા.
થોડીવાર બાદ આ નરેશકુમારે જયનીશને ફોન કરીને કહ્યું કે, મારે તમારી પાસેથી 1 રૂપિયો લેવાનો છું, હું તમને ક્યુઆર કોડ મોકલાવું છું તેમાં તમે રૂપિયા નાંખી દેજો. નરેશે આપેલો ક્યુઆર કોડ જયનીશએ ઓપન કરતા જયનીશના પિતા પ્રવિણકુમારના ખાતામાંથી 1999 કપાઇ ગયા હતા. આ અંગે નરેશે કહ્યું કે, આ ભૂલથી કપાઇ ગયા છે, હું તમને ક્યુઆર કોડ મોકલાવું છુ તેમાંથી તમારા રૂપિયા પરત આવી જશે. બીજીવાર પણ જયનીશએ ક્યુઆર કોડ ઓપન કરતા તબક્કાવાર રૂા. 90 હજાર કપાઇ ગયા હતા. પોતાની સાથે ફ્રોડ થયુ હોવાનું જણાતા તેઓએ સિંગણપોર પોલીસને ફરિયાદ કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વેસુની હેપી એલિગન્સ સાઈડમાંથી 4.55 લાખની ચોરી
સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં હેપી એલિગન્સની સાઈડ ચાલી રહી છે. ત્યાંથી ત્રણ તસ્કર 4.55 લાખના એલ્યુમિનિયમના સેક્શન ચોરી કરી ફરાર થઈ જતાં સીસીટીવીમાં કેદ થયા હતા. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે રહેતા 32 વર્ષીય સાહિલ સુનીલ શાહ હેપી હોમ બિલ્ડરને ત્યાં કોન્ટ્રાક્ટરની નોકરી કરે છે. હાલ હેપી હોમ દ્વારા વેસુ ખાતે હેપી એલિગન્સ નામે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. સાહિલ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ હેપી એલિગન્સના નિર્માણાધિન ફ્લેટ પૈકીના એક રૂમમાં એલ્યુમિનિયમ સેક્શનના 540 કિલો વજન સાથેનાં 30 નંગ બંડલ કુલ કિંમત 4.55 લાખની ત્રણ જાણભેદુ તસ્કરોએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે જાણ થતાં ઉમરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. તસ્કરો એલ્યુમિનિયમ સેક્શનને વાહનમાં ઉઠાવી ગયા હોવાની શંકા સાથે સીસીટીવી કેમેરાના આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.