Columns

રૂપી કો-ઓપરેટિવ બેન્કમાં ૪,૬૦૦ ખાતેદારોના ૩૪૦ કરોડ રૂપિયા ડૂબી જશે

ભારતીય રિઝર્વ બેન્ક કોઈ પણ કંપનીને બેન્ક શરૂ કરવાનું લાઈસન્સ આપે છે ત્યારે તેની જવાબદારી બનતી હોય છે કે બેન્કના સંચાલકો તેના ખાતેદારો સાથે ઠગાઈ ન કરે. જો બેન્કના સંચાલકો કોઈ ખોટા ધંધા કરે અને ખાતેદારોની થાપણ ઓળવી જાય તો રિઝર્વ બેન્કની કે ભારત સરકારની જવાબદારી હોવી જોઈએ કે તેણે તે રકમ ચૂકવી દેવી જોઈએ. દુ:ખની અને અચંબાની વાત એ છે કે રિઝર્વ બેન્ક કે ભારત સરકાર તેવી કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. આ વાત ખાનગી અને સહકારી ક્ષેત્રની બેન્કોની જેમ સરકારી બેન્કો માટે પણ સાચી છે.

જો તમે તેવા ભ્રમમાં રહેતા હો કે સરકારની માલિકીની બેન્ક ડૂબી જાય તો સરકાર તમારી મૂડી ચૂકવી દેશે, તો તમે થાપ ખાઓ છો. બેન્કિંગના કાયદા મુજબ કોઈ સરકારી બેન્ક ડૂબી જાય તો પણ સરકારની કોઈ જવાબદારી તેના ખાતેદારોની થાપણ ચૂકવવાની રહેતી નથી. હા, વીમા કંપની દ્વારા ખાતા દીઠ પાંચ લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે, પણ જેમની પાંચ લાખથી વધુ ડિપોઝીટ હોય તેમણે માથે હાથ દઈને રોવાનો વારો આવે છે. થોડા સમય પહેલાં સહકારી ક્ષેત્રની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક ઊઠી ગઈ તેના કોઈ ખાતેદારને પાંચ લાખ રૂપિયાથી વધુ મળ્યા નથી. તેવી જ હાલત ખાનગી માલિકીની યસ બેન્કના ખાતેદારોની થઈ છે.

સરકારે એવી કરામત કરી કે બેન્ક પાછી ચાલુ થઈ ગઈ, પણ તેના હજારો ખાતેદારોના કરોડો રૂપિયા ડૂબી ગયા. યસ બેન્કનું ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્ક સાથે મર્જર કરી દેવામાં આવ્યું અને તેમાં નવી મૂડીનો સંચાર કરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવી. રિઝર્વ બેન્ક દ્વારા એવી કરામત કરવામાં આવી કે યસ બેન્કના થાપણદારોના બે લાખ કરોડ રૂપિયા સલવાઈ ગયા તો પણ બેન્ક પાછી ચાલુ થઈ ગઈ. હવે યસ બેન્કના શેરોના ભાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં પુણેની રૂપી કો-ઓપરેટિવ બેન્ક ફડચામાં ગઈ છે. તેને કારણે બેન્કના કુલ ૫.૫ લાખ ખાતેદારો પૈકી ૪,૬૦૦ ખાતેદારોના ૩૪૦ કરોડ રૂપિયા ડૂબી જવાનો ડર પેદા થયો છે. 

ઘણાં લોકો રિટાયર થતી વખતે તેમની મરણમૂડી બેન્કમાં એવી આશા સાથે વ્યાજે મૂકતા હોય છે કે બેન્ક તેમને નિયમિત વ્યાજ આપશે, જેમાંથી તેઓ બાકીની જિંદગી પસાર કરી શકશે. રૂપી કો-ઓપરેટિવ બેન્કમાં ખાતું ધરાવતા અરવિંદ મોકાશીએ ફિક્સ ડિપોઝીટમાં ૭૦ લાખ રૂપિયા મૂક્યા હતા. તેમની ગણતરી હતી કે આ રૂપિયાનું મહિને ૪૦,૦૦૦ રૂપિયા જેટલું વ્યાજ આવશે, જેના થકી તેઓ બાકીની જિંદગી આરામથી જીવી શકશે. હવે બેન્ક ફડચામાં જતાં તેમની આખી જિંદગીની બચત જોખમમાં આવી ગઈ છે.

અરવિંદ મોકાશી જેવા ૪૬૦૦ ખાતેદારોના રૂપિયા રૂપી કો-ઓપરેટિવ બેન્કમાં ડૂબી ગયા છે. હકીકતમાં રૂપી કો-ઓપરેટિવ બેન્કમાં કુલ આશરે ૫.૫ લાખ ખાતેદારો છે, પણ તેમની થાપણ પાંચ લાખ રૂપિયા કરતાં ઓછી છે. બેન્કના કાયદા મુજબ જે ખાતેદારોની થાપણ પાંચ લાખ રૂપિયા જેટલી હોય તેનો વીમો ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન દ્વારા ઊતારવામાં આવતો હોય છે. અગાઉ આ વીમો એક લાખ રૂપિયાનો ઊતારવામાં આવતો હતો, પણ સરકારે તે વધારીને પાંચ લાખ રૂપિયા કર્યો છે.

રૂપી કો-ઓપરેટિવ બેન્કના ૯૯ ટકા ખાતેદારોની થાપણ પાંચ લાખ રૂપિયા કરતાં ઓછી છે, માટે તેમને વીમાની યોજનાનો લાભ મળશે, પણ અરવિંદ મોકાશી જેવા ૪૬૦૦ ખાતેદારોની થાપણ પાંચ લાખ રૂપિયા કરતાં વધુ હોવાથી તેમને પાંચ લાખ રૂપિયા જ મળશે. બાકીના રૂપિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કે ભારત સરકાર પણ તેમને આપી શકશે નહીં. આ કાયદો જેટલો સહકારી ક્ષેત્રની બેન્કોને લાગુ પડે છે, તેટલો જ સરકારી માલિકીની બેન્કોને પણ લાગુ પડે છે. આવતી કાલે કોઈ સરકારી માલિકીની બેન્ક ઊઠી જાય તો પણ તેના ખાતેદારોને પાંચ લાખ રૂપિયાથી વધુ રકમ પાછી મળશે નહીં.

રૂપી કો-ઓપરેટિવ બેન્કના સંચાલકો દ્વારા મોટા પાયે ગોલમાલ કરવામાં આવી હતી. તેમણે પોતાના ઓળખીતા લોકોને મોટા પાયે સલામતી વગરની લોન આપી હતી. આ લોનો ખોટી થઈ ગઈ હતી તો પણ તેમણે ચોપડામાં રમત કરીને સાચી પરિસ્થિતિ છુપાવી હતી. રિઝર્વ બેન્ક દ્વારા બેન્કનું નિયમિત ઓડિટ કરવામાં આવતું હતું, પણ રિઝર્વ બેન્ક આ ગોલમાલ પકડવામાં થાપ ખાઈ ગઈ હતી. ૨૦૧૩ માં રિઝર્વ બેન્કને ગોલમાલની ગંધ આવતાં તેણે સંચાલકોને સસ્પેન્ડ કર્યા હતા, તેમની સામે ફોજદારી કેસો કર્યા હતા અને તેમની સંપત્તિ પણ જપ્ત કરી હતી. રિઝર્વ બેન્કે રૂપી કો-ઓપરેટિવ બેન્કના સંચાલન માટે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરી હતી. ૧૯૬૧ ના કાયદા હેઠળ ખાતેદારોને પાંચ-પાંચ લાખના હિસાબે ૭૦૦ કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા.

હવે સવાલ એ થાય છે કે રૂપી કો-ઓપરેટિવ બેન્કમાં ૪,૬૦૦ ખાતેદારોના જે ૩૪૦ કરોડ રૂપિયા સલવાઈ ગયા છે, તે ચૂકવવાની જવાબદારી કોની? ૩૪૦ કરોડ રૂપિયા પ્રમાણમાં નાની રકમ છે, પણ તે એક નાનકડો નમૂનો છે. જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કે ભારત સરકાર આ બેન્કના ૪૬૦૦ ખાતેદારોના ૩૪૦ કરોડ રૂપિયા ન ચૂકવી શકતી હોય તો તે દેશની ખાનગી, સરકારી અને સહકારી ક્ષેત્રની બેન્કોમાં કરોડો ખાતેદારો દ્વારા મૂકવામાં આવેલા અબજો રૂપિયા ચૂકવી શકશે ખરી? નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના અંતે ભારતની બેન્કોમાં કુલ ૧૫૪ લાખ કરોડ રૂપિયાની કુલ થાપણો હતી, જેમાંની ૪૬.૨૩ લાખ કરોડ ખાનગી બેન્કોમાં હતી અને બાકીની સરકારી માલિકીની બેન્કોમાં હતી. રિઝર્વ બેન્કના નિયમો મુજબ ખાનગી ક્ષેત્રની બેન્કોમાં થાપણની જેટલી સલામતી છે, તેના કરતાં જરાય વધુ સલામતી સરકારી માલિકીની બેન્કોમાં નથી. સરકારની માલિકીની કોઈ બેન્ક ઊઠી જાય તો પણ ખાતેદારને પાંચ લાખ રૂપિયાથી વધુ થાપણ પાછી મળવાની સંભાવના નથી.

ભારતની પબ્લિક કે પ્રાઇવેટ ક્ષેત્રની બેન્કો દ્વારા ઉદ્યોગપતિઓને આડેધડ લોન આપવામાં આવતી હોય છે, જેમાં સંચાલકોને મોટી રકમ લાંચના રૂપમાં મળતી હોય છે. બેન્કનો તોટો જ્યારે હદની બહાર નીકળી જાય ત્યારે બેન્ક ઉઠમણું જાહેર કરતી હોય છે. ભારતની બેન્કો દ્વારા ૨૦૧૮ માં જાહેર કરવામાં આવ્યું હતું કે તેમની ખોટી થઈ ગયેલી લોનનું પ્રમાણ ૧૧.૫ ટકા પર પહોંચી ગયું છે. તેમાંના દસ લાખ કરોડ રૂપિયા છેલ્લાં પાંચ વર્ષમાં માંડી વાળવામાં આવ્યા હતા. આટલી રકમ માંડી વાળ્યા પછી પણ ૨૦૨૨ ના માર્ચમાં બેન્કોની ખોટી લોનનો આંકડો ૬ ટકા જેટલો હતો. અર્થાત્ બેન્કો દ્વારા જેટલી લોન આપવામાં આવી હતી તેમાંની ૬ ટકા તો ખોટી થઈ ગઈ છે. જો બેન્કોની ખોટી થઈ ગયેલી લોનનો આંકડો ૧૦ ટકા કરતાં વધી જાય તો બેન્ક ઊઠી જાય તેવું બની શકે છે.

રિઝર્વ બેન્ક દ્વારા કોઈ પણ બેન્કને ધંધો કરવાનું લાઈસન્સ આપવામાં આવે છે ત્યારે શરત કરવામાં આવે છે કે તેમને ત્યાં જેટલી થાપણ છે તેના ૧૦ ટકા રિઝર્વ રાખવામાં આવશે, જેના આધારે બેન્કનો રોજબરોજનો વહીવટ ચાલતો હોય છે. જો કેશ રિઝર્વ રેશિયો ૧૦ ટકાથી ઘટી જાય તો બેન્કની કામગીરી ખોરવાઈ જતી હોય છે. બેન્કની સૌથી મોટી મૂડી તેના થાપણદારોનો વિશ્વાસ છે. જો થાપણદારોનો વિશ્વાસ ઊઠી જાય અને તેઓ પોતાની થાપણ ઉપાડવા લાઈનમાં ઊભા રહી જાય તો કોઈ પણ બેન્ક ઊઠી જાય, કારણ કે તેની પાસે એટલી પ્રવાહિતા નથી હોતી. ભારતની કેટલીક બેન્કોની ખરી પરિસ્થિતિ જો જાહેર કરવામાં આવે તો થાપણદારોનો વિશ્વાસ ઊઠી જાય તેમ છે.

Most Popular

To Top