વડોદરા: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવાની સાથે મતદાન મથકો પણ નિયત કરી દેવામાં આવ્યા છે.
વડોદરાના જીલ્લા કલેક્ટર કચેરીના ધરાસભા હોલ ખાતે સમુહ માધ્યમોને માહિતી આપતા નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા તથા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.1 ઓક્ટોબરની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જે તા.12 ઓગસ્ટ થી તા.11 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.21 ઓગસ્ટ, તા.28 ઓગસ્ટ, તા.4 સપ્ટેમ્બર તથા તા.11 સપ્ટેમ્બર ના રોજ ખાસ ઝુંબેશના દિવસો યોજવા નક્કી થયું છે. આ દિવસો અંગે સ્વીપ પ્રવૃત્તિઓ દ્વારા વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવાનો હોય છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 વડોદરા શહેર વિસ્તારના 1267 અને ગ્રામ્ય વિસ્તારના 1322 સહિત કુલ 2589 તમામ મતદાન મથકો ખાતે સવારના 10 કલાકથી સાંજના 5 કલાક સુધી ખાસ ઝુંબેશ હેઠળ નિયત અધિકારી દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા,કોઇપણ પ્રકારના સુધારા કરવા, આધાર લિંક,હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા એનએસવીપી વેબસાઇટ,વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન, ગરૂડા એપ્લીકેશન, વોટર પોર્ટલ વેબસાઇટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મના ઉપયોગથી મતદાર તરીકે નોંધણી કરી શકાય છે.
તાજેતરમાં થયેલ નવા સુધારા મુજબ પ્રથમ વખત મતદાર તરીકે ચૂંટણી ઓળખકાર્ડ મેળવવા માટે ફોર્મ-6 ભરીને તથા મતદાન ઓળખકાર્ડમાં કોઇપણ પ્રકારના સુધારા કરવા માટે ફોર્મ-8 ભરીને મતદાર નોંધણી કરી શકાશે.
દિવ્યાંગ ભાઇ બહેનો માટે ચૂંટણી પંચ દ્વારા પીડબલ્યુડી એપ વિકસાવવામાં આવી છે.જેના ઉપયોગથી મતદાર તરીકે નોંધણી, ફ્લેગીંગ, બુથ અંગેની જાણકારી જેવી સુવિધા ઘરે બેઠાં મેળવી શકાય છે. તેમ છતાં કોઇ પ્રશ્ન હોય તો તે અંગે ટેલીફોનિક ફ્રી હેલ્પલાઇન નંબર 1950 પર સમાધાન મેળવી શકાશે.
બન્ને અધિકારીએ ઉમેર્યું કે, વડોદરા જિલ્લાના હાલમાં કુલ મતદારો 25,73,426 છે. જે પૈકી મહિલા મતદારો 12,55,437, પુરુષ મતદારો- 13,17,763 તથા અન્ય 226 છે. આગામી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત તા.1 ઓક્ટોમ્બર સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરનાર નવા મતદારો નોંધણી કરે એ માટે કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા સ્વીપ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
જાહેર સ્થળોએ મતદાર જાગૃતિ અંગેના પોસ્ટર,બેનર્સ,હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.વડોદરા શહેર જીલ્લાના તમામ નાગરિકોને આ તકનો લાભ લેવા ખાસ અનુરોધ કરતા તેમણે કહ્યું કે, લોકશાહીના મહાન પર્વમાં ભાગ લઇ શકો અને આ તક આપના ઘર આંગણે ઉપલબ્ધ થવાની છે.જેથી લાયકાત ધરાવતી તમામ વ્યક્તિઓ આ પ્રક્રિયામાં સહભાગી બનીને પોતાનું નામ નોંધાવી,ચકાસણી કરી,મતાધિકાર સુરક્ષિત કરે તે જરૂરી છે.
નર્મદા કાંઠાના શિનોર,ડભોઇ અને કરજણના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા સૂચના
નર્મદા ઘાટીના ઉપરવાસના અને સ્ત્રાવ વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ઓમકારેશ્વર બંધમાં થી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સરદાર સરોવર જળાશય જળ આવકથી ભરાઈ રહ્યું છે. ત્યારે આજે બપોરે 12:00 કલાકે સરદાર સરોવર ડેમના 5 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે અને 10000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બપોરે 12:00 કલાકે ડેમનું લેવલ: 133.77 મીટર અને પ્રવાહ: 196316 ક્યુસેક હતો. જ્યારે RBPH: 44002 ક્યુસેક અને 10000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.જ્યારે નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને અનુલક્ષીને વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે.