SURAT

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: ઉકાઈમાં પાણીની ભારે આવક, જિલ્લાના 22 ગામો એલર્ટ

સુરત: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં(Ukai Dam) પાણીની આવક સતત વધી રહી છે. ગુરૂવારે સાંજે ઉકાઈ ડેમમાં 1.95 લાખ ક્યુસેક પાણીની આવક (Water revenue) થઈ હતી. તેની સામે 1.81 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ડેમના 12 ગેટ 9 ફુટ ખોલી દેવાયા છે.સતત પોણા બે લાખ ક્યૂસેક પાણી (two lakh cusecs water)છોડવામાં આવતું હોઈ સુરત જિલ્લાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાનું જોખમ ઉભું થયું છે.

લોકોને તાપી કિનારે નહીં જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે હથનુર ડેમની સપાટી 210.360 મીટર થતા તમામ 36 દરવાજા ખોલી દેવાયા.તેથી ડેમમાંથી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે પ્રકાશા ડેમની સપાટી 103 મીટર થતા તેમાંથી 2.41 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હથનુર ડેમ હાલ ભયજનક સપાટી પર છે. મહારાષ્ટ્રના જલગાંવ, ધુલીયા, નંદુરબાર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવક એકાએક વધી છે. જેના પગલે રૂલ લેવલ 335 ફૂટની સપાટી જાળવવું અઘરું પડી રહ્યું છે

સાંજે ઉકાઈ ડેમની સપાટી 334.51 ફુટ નોંધાઈ છે.ઇનફ્લો 195996 ક્યુસેક અને આઉટફ્લો 181876 ક્યુસેક છે. હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો હોય આઉટફલો વધારીને 2.50 લાખ કરાય તેવી શક્યતા જોવાઈ રહી છે. તાપી કિનારાના નીચાણવાળા 20 ગામોમાં પાણી ભરાઈ જવાની દહેશત ઉભી થઈ છે. તેથી આ 20 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

ઉપરવાસમાં આવેલા રેઈન ગેજ સ્ટેશને નોંધાયેલો વરસાદ

ટેસ્કા 115.0 એમએમ, લખપુરી 50.20 એમએમ, ચીખલધરા 41.00 એમએમ,ગોપાલખેડા 39.20 એમએમ,ડેડતલાઈ 27.80 એમએમ,બુરહાનપુર 26.40 એમએમ,યેરલી 18.40 એમએમ,હથનુર 19.80 એમએમ,ભુસાવલ 18.80 એમએમ,ગીરનાડેમ 2.20 એમએમ,દહીગાવ 10.60 એમએમ ,ધુલિયા 15.00 એમએમ,સાવખેડા 53.80 એમએમ,ગીધાડે 31.00 એમએમ,સારંખેડા 15.20 એમએમ,સેલગાવ 17.20 એમએમ,સાગબારા 52.00 એમએમ, નંદુરબાર 103.0 એમએમ,નિઝામપુર 21.60 એમએમ

શહેર અને જિલ્લામાં સાર્વત્રીક વરસાદ

શહેર અને જિલ્લામાં વરસાદની સાથે પવન, શહેરમાં છુટોછવાયો એક ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ શહેર અને જિલ્લામાં પણ વરસાદ વરસવાનું ચાલું છે. આજે જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. શહેરમાં તો વિતેલા ચોવીસ કલાકમાં માંડ એક ઇંચ વરસાદ નોંધાયો છે. પરંતુ વરસાદી માહોલ જાણે હિલ સ્ટેશનનો અહેસાસ કરાવી રહ્યો છે. શહેરમાં આગામી ત્રણેક દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા-બારડોલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ

જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા અને બારડોલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ઓલપાડમાં 12 એમએમ,કામરેજમાં 53 એમએમ, ચોર્યાસીમાં 25 એમએમ, પલસાણામાં 31 એમએમ, મહુવામાં 26 એમએમ, માંગરોળમાં 31 એમએમ,માંડવીમાં 47 એમએમ અને સુરત સિટી તાલુકામાં 29 એમએમ વરસાદ વરસ્યો છે.

Most Popular

To Top