National

પીઓકેને લઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનો મોટો દાવો, નહેરુ પર કર્યા આક્ષેપો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 સમયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir) એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) વિવિધ નેતાઓ વારંવાર કાશ્મીરને પાકિસ્તાનના કબજામાંથી જલ્દી મુક્ત કરાવવાની વાત કરી રહ્યા છે. હવે મધ્યપ્રદેશના (Madhya Pradesh) પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) પણ પીઓકેને લઈને મોટો દાવો કર્યો હતો.

ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કોંગ્રેસ અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ‘દેશ તોડવાનો’ આરોપ લગાવ્યો હતો. શિવરાજે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘દેશને એક સાથે લાવશે.’ તેમણે કહ્યું હતું કે જો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાશે તો મોદી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) પાછું લાવશે. આ સાથે જ શિવરાજે ભારતના પહેલા પીએમ જવાહરલાલ નેહરુની કાશ્મીર નીતિ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસ અને નેહરુએ દેશને તોડ્યો – શિવરાજ
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કોંગ્રેસ અને નેહરુએ દેશને તોડવાનું પાપ કર્યું હતું. જો નેહરુએ 1947નું યુદ્ધ અટકાવ્યું ન હોત અને તેને વધુ ત્રણ દિવસ ચાલુ રાખવા દીધું ન હોત તો આજે આખું કાશ્મીર ભારતનો ભાગ હોત અને પીઓકે પાકિસ્તાનના કબજામાં ન હોત. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ઘણા નેતાઓ પીઓકેને લઈને નિવેદન આપી ચુક્યા છે.

નરેન્દ્ર મોદી દેશને સાથે લાવશે
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે દક્ષિણ દિલ્હી ભાજપના ઉમેદવાર રામવીર સિંહ બિધુરીના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી. અહીં તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર દેશને તોડવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એક સાથે લાવશે. શિવરાજે એમ પણ કહ્યું કે ભગવાને પીએમ મોદીને દેશમાંથી દુષ્ટતા ખતમ કરવા માટે મોકલ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશ સમૃદ્ધ થયો છે અને વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

PoK ભારતનો ભાગ છે- અમિત શાહ
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે કહ્યું હતું કે PoK ભારતનો ભાગ છે અને તેના પર ભારતનો અધિકાર છે, તેને કોઈ નકારી શકે નહીં. ફારુક અબ્દુલ્લા અને કોંગ્રેસના નેતાઓ આજે કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. પીઓકેની માંગ કરશો નહીં. હું તેમને પૂછવા માંગુ છું કે શું 130 કરોડની વસ્તી ધરાવતો દેશ કોઈના ડરથી પોતાના અધિકારો છોડી દેશે? રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે પાકિસ્તાનના સન્માનની વાત કરીને તેમની પાર્ટીના લોકો શું કહેવા માંગે છે?

Most Popular

To Top