સુરત: પોલીસ કર્મીઓ કઠોર હૃદયના હોવાની સામાન્ય છબી સામાન્ય પ્રજામાં હોય છે. પોલીસ એટલે ગુસ્સાવાળા એવું લોકો માનતા હોય છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. ફરજના ભાગરૂપે તેઓએ સખ્તાઈભર્યું વર્તન કરવું પડતું હોય છે પરંતુ નાજુક સ્થિતિમાં તેઓનું હૃદય પણ ભીનું થતું હોય છે અને ફરજ નિભાવવાની સાથે તેઓ માનવતાનો ધર્મ પણ નિભાવતા હોય છે. સુરત (Surat) શહેરમાં મંગળવારે તા. 9 ઓગસ્ટના રોજ સવારે આવી જ એક ઘટના બની હતી. ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર (Traffic Police Inspector) એચ.વી. ગોટી રિંગરોડના ફ્લાયઓવર બ્રિજ (Flyover Bridge) પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તેઓએ ચોંકાવનારું દ્રશ્ય જોયું હતું. પુલની વચ્ચોવચ્ચ ડીવાઈડર પર આધેડ ઉંમરની એક મહિલા નિ:વસ્ત્ર (Naked Women) બેઠી હતી. આ દ્રશ્ય જોતાં જ પીઆઈ ગોટી હચમચી ઉઠ્યા અને તરત જ તેમની મદદ માટે દોડ્યા હતા.
- ટ્રાફિક પોલીસ ઈન્સપેક્ટર એચ.વી. ગોટીનું ઉમદા સેવાકાર્ય
- મહિલાને શાલ ઓઢાડી, નાસ્તો કરાવ્યો અને પાણી પીવડાવ્યું
- માનવમંદિર સંસ્થાની મદદથી આધેડ નિ:સહાય મહિલાને સુરક્ષિત સ્થળે ખસેડાઈ
તાત્કાલિક તેઓ નજીકની પોલીસ ચોકી પર દોડી ગયા અને ત્યાંથી એક શાલ લઈ પરત આધેડ ઉંમરની મહિલા પાસે પહોંચ્યા. ટ્રાફિક પીઆઈ પોતાની સાથે મહિલા વુમન ટ્રાફિક બ્રિગેડને પણ લઈ ગયા હતા. આ મહિલા ટ્રાફિક વુમન બ્રિગેડે તે આધેડ મહિલાના શરીરને શાલથી ઢાંક્યું હતું. મહિલા લાંબા સમયથી ભૂખી હોય તેવું લાગતું હતું. તેથી મહિલાને નાસ્તો કરાવ્યો. પાણી પીવડાવ્યું. ત્યાર બાદ પીઆઈએ માનવમંદિર સંસ્થાનો સંપર્ક કરી તેઓને બોલાવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી કરી મહિલાનો હવાલો માનવ મંદિર સંસ્થાને સોંપ્યો હતો, જેઓ તેમને સુરક્ષિત સ્થાને લઈ ગયા હતા.
પીઆઈ એચ.વી. ગોટીએ આ બનાવ અંગે જાણકારી આપતા કહ્યું કે, આધેડ મહિલાનું નામ કાંતાબેન ગોરાજી કુંદરે છે. તેઓ પરિવાર સાથે ઉધના વિસ્તારમાં રહેતા હતા, પરંતુ તેમના સંતાનોએ મિલકત પોતાને નામે લખાવી વૃદ્ધાને ઘરની બહાર કાઢી મુક્યા હતા. સંતાનોના આવા બેશરમીભર્યા વર્તનથી આઘાત પામેલા વૃદ્ધા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠાં હતાં અને તેઓ રસ્તા પર રખડું જીવન વિતાવી રહ્યાં હતાં. દરમિયાન મંગળવારે તેઓ નિ:વસ્ત્ર અવસ્થામાં રિંગરોડ ફ્લાયઓવર બ્રિજના ડિવાઈડર પર બેઠાં હતાં ત્યારે મારી નજર પડી અને અમે વુમન ટ્રાફિક બ્રિગેડ અને માનવ મંદિર સંસ્થાની મદદથી તેઓને કપડાં, ભોજન આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
નોંધનીય છે કે સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યા બાદ સુરત શહેરના પોલીસ કર્મીઓનો અભિગમ પણ બદલાયો છે. હવે શહેરના પોલીસ કર્મીઓ સેવાકાર્યો કરે છે અને સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર પણ કરી રહ્યાં છે. આ રીતે પોલીસ પ્રજાની મિત્ર હોવાનો સંદેશ પહોંચાડી રહી છે.