SURAT

સુરત પાલિકાના કર્મચારી પાસે લાંચ માગનાર કતારગામ ફાયર સ્ટેશનનો કલાર્ક પકડાયો

સુરત (Surat): ભ્રષ્ટ્રાચાર (Corruption) કેટલી હદે વકર્યો છે તેનો એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. અહીંના કતારગામ (Katargam) વિસ્તારના ફાયર સ્ટેશનમાં (Fire Station) ફરજ બજાવતા ક્લાર્કે (Clerk) પોતાના જ સહકર્મી પાસે રૂપિયા 10 હજારની રકમની લાંચ (Bribe) માંગી હતી. સહકર્મીએ આ અંગે જાણ કરી દેતાં છટકું ગોઠવી રૂશ્વતખોરને એસીબીએ (Anti Corruption Bureau) રંગેહાથ ઝડપી (Arrest) પાડ્યો હતો.

  • કતારગામ ફાયર સ્ટેશનનો ક્લાર્ક દિલીપ દવે લાંચના કેસમાં પકડાયો
  • રજા પગાર બનાવવા માટે દિલીપ દવેએ સહકર્મી પાસે લાંચ માગી હતી
  • એસીબીએ છટકું ગોઠવી કતારગામના ગણેશ ટી સેન્ટર પરથી પકડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ ફાયર સ્ટેશનના વર્ગ 3ના કલાર્ક દિલીપ મોહન દવેને સુરતના એન્ટીકરપ્શન બ્યૂરોએ રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ પકડ્યો છે. કતારગામ ફાયર સ્ટેશનની પાછળના ભાગે જાહેર રોડ પર આવેલા ગણેશ ટી-સેન્ટર પર તે સહકર્મી પાસે રૂપિયા 10 હજારની લાંચ લઈ રહ્યો હતો ત્યારે જ એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન. દેસાઈએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આ સમગ્ર મામલે વિગત આપતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી. ગોહિલે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા એક કર્મચારી દ્વારા એસીબીને આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. ખરેખર ફરિયાદીની તબિયત ખરાબ હોય તેણે 17 દિવસ ફરજ પર હાજર રહ્યો નહોતો. તેના ગેરહાજર દિવસોના પગાર બનાવવા બાબતે આરોપી દિલીપે ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવી કતારગામ ફાયર સ્ટેશનની પાછળ આવેલા ગણેશ ટી સેન્ટર પરથી આરોપી દિલીપ દવેને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડયો હતો. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એસીબીએ વર્ષ 2021માં રાજ્યમાં કુલ 173 કેસ કર્યા હતા
દર વર્ષે સૈંકડો લાંચિયા પકડાતા હોવા છતાં ભ્રષ્ટ્રાચાર ઓછો થઈ રહ્યો નથી. ગયા વર્ષે 2021માં રાજ્યમાં એસીબી (ACB) દ્વારા 173 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લેવાયા હતા. 11 જેટલા કેસોમાં અધિકારીઓની કાયદેસરની આવક કરતાં કરોડોની વધુ મિલકતો શોધી કાઢવામાં આવી હતી. 2021ના વર્ષ દરમ્યાન ગૃહ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સહિત 74 કેસો કરાયા હતા. બીજા ક્રમે પંચાયત વિભાગના અધિકારીઓ સામે 48 કેસો તથા બીજા ક્રમે 45 કેસો કરાયા હતા. એસીબી દ્વારા 287 જેટલા વચેટિયા તથા દલાલો સહિતના ખાનગી લોકોની ધકરપકડ કરાઈ હતી.

Most Popular

To Top