Columns

જીવનના રહસ્યો બતાવતી અંકવિદ્યા, ચીનમાં 168 ના અંકને સમૃધ્ધિના રસ્તા તરીકે જોવામાં આવે છે

અંકવિદ્યા માનવમનના અને જીવનનાં રહસ્યોને બહુ જુદી રીતે વ્યકત કરે છે. અંક જયારે પ્રથમ શોધાયા ત્યારે તેમાં બ્રહ્માંડના ગૂઢ સંકેતો જાણે પ્રતીક રૂપ ધારણ કરતા હતા. જયોતિષવિદ્યાને ગણિત વિના, અંક વિના ન ચાલે અને આમ જુઓ તો તમે મકાન બનાવો કે પુલ બનાવો તો તેમાં ય ગણિત હોય છે. ગણિતનાં એક રૂપ નથી અને એ જ ગણિત જયોતિષશાસ્ત્રમાં ખાસ બની જાય છે. અંકવિદ્યાને ઘણી વાર અદ્રશ્યની સાથે અને શકુન વિચારોની કળા સાથે પણ જોડવામાં આવે છે. અંકવિદ્યામાં ઘણી વાર પ્રાચીન સંસ્કૃતિ કે જેમાં બેબીલોન, પાઇથાગોરસ અને તેના અનુયાયી, હેલેનિસ્ટિક અલેકઝાંન્દ્રિયા, ખ્રિસ્તી રહસ્યવાદ, આરંભિક ગૂઢ જ્ઞાનવાદનું રહસ્ય, કબાલાહની યહુદી પરંપરા, ભારતીય વેદ, ચીનના મૃત લોકોના વર્તુળ અને ઇજિપ્તના રહસ્યમય ઘટના માલિકોના ગ્રંથ પણ શામિલ હોય છે.

પાઇથાગોરસ અને તેમના સમયનાં ફિલોસોફરો માનતા કે ભૌતિક અવધારણાની તુલનામાં ગણિતની અવધારણા વધુ વ્યાવહારિક હોય છે, એટલે તે વધુ વાસ્તવિક છે. તો હિપ્પોના સંત ઓગસ્ટિને લખ્યું છે કે અંક એ સાર્વલૌકિક ભાષા છે, જે પરમાત્મા વડે સત્યની પુષ્ટિ કરવામાં આપણને મદદ કરે છે. દરેક વસ્તુમાં સંખ્યાત્મક સંબંધ હોય છે જેનાં રહસ્યોની ખોજ કરવાની હોય છે. અંકોમાંથી અમુકને શુભ કે અશુભ ગણવામાં પણ દરેક દેશની અલગ દૃષ્ટિ છે. જેમ કે ચીનનાં લોકો ૪ ના અંકને અશુભ માને છે કારણ કે તેનું ઉચ્ચારણ મૃત્યુના શબ્દના સામાન યા કોઇ દુ:ખી વ્યકિતના અવાજ જેવો ધ્વનિ પેદા કરે છે.

૧ ના અંકને તેઓ સુનિશ્ચિત, ૨ ના અંકને સરળ, ૩ ના અંકને જીવંત તો ૫ ના અંકમાં સ્વયં, હું, કશું નહીં, કયારેય નહીં, ૬ ને સરળ અને આરામદાયી, ૭ ને અશિષ્ટ, ૮ ને આકસ્મિક ભાગ્ય અને સમૃધ્ધિ સાથે જોડે તો ૯ ને લાંબા સમયવાળી એક ગ્રામ્ય બોલી ગણે છે. તેઓ અમુક અંકના સંયોજનને પણ ખાસ ગણે છે જેમ કે ૯૯. આ બે આંકડાના સંયોજનને તેઓ ડબલ સમયવાળો અને તેથી અનંત માને છે. એક જાણીતી ચીની – અમેરિકન સુપર માર્કેટ ચેનનું નામ છે ૯૯ રંચ માર્કેટ. ચીનમાં ૧૬૮ ને સમૃધ્ધિનો રસ્તો, ૫૧૮૯ ને લાંબા સમય સુધીની સફળતા પ્રાપ્ત કરવાનો ભાવ, ૫૧૬૨૮૯ ને લાંબા સમય સુધી સગવડવાળા રસ્તા પર ચાલવાના સંકેત રૂપે અને ૫૯૧૮ ને હવે નજીકના સમયમાં જ સફળ થઇશ એવા ભાવ માટે જોડે છે.

૮૧૪ હોય તો હું આખી જિંદગી ધનવાન રહીશ ને ૮૮૮ હોય તો ત્રણ ઘણી સમૃધ્ધિ અને ૧૩૧૪ હોય તો તેનો અર્થ છે અસ્તિત્વ. ચીનમાં અંકનું ખૂબ જ મહત્ત્વ છે ને દરેક સંયોજનમાં તેઓ ગૂઢાર્થ શોધે છે. જયારે ભારતીય વૈદિક જયોતિષ ૦ થી ૯ સુધીના દરેક અંકને આપણા સૌર મંડળ સાથે જોડે છે, જે દિવ્ય શકિત વડે સંચાલિત છે. પણ બાઇબલમાં અંકવિદ્યા શું છે તે વળી એક અલગ લેખનો વિષય છે. તેની વાત હવે પછી કરીશું.- હરેન્દ્ર ભટ્ટ

Most Popular

To Top