Gujarat

ભૂપેન્દ્ર પટેલ આજે લમ્પી વાયરસ મુદ્દે બેઠક કરશે

ગાંધીનગર: રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડીસીઝને (Lumpy skin diseases) પગલે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ આ રોગથી અસરગ્રસ્ત કચ્છ (Kutch) જિલ્લાના પશુધનની સારવાર સુશ્રુષા, નિરીક્ષણ અને તંત્રને માર્ગદર્શન માટે આવતીકાલે મંગળવાર તારીખ ૨ ઓગસ્ટના રોજ સવારે ભૂજ જશે. મુખ્યમંત્રી કચ્છમાં આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેશે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે આ રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરીની સમીક્ષા કરી બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન આપશે.

20 જિલ્લાના 1935 ગામમાં 54161 પશુને લમ્પી વાયરસની અસર : 1431 પશુના મોત
ગાંધીનગર: રાજ્યમાં લમ્પી વાઈરસનો કહેર યથાવત રહ્યો છે. એટલું જ નહીં તેનો વ્યાપ હવે વધીને 20 જિલ્લાઓમાં ફેલાયો છે. જ્યારે 54161 પશુઓને તેની અસર થવા પામી છે, આ ઉપરાંત 1431 પશુઓનું મૃત્યુ થયું છે. બીજી તરફ કચ્છ તથા જામનગર પાસે કાલાવાડમાં મૃત પશુઓના ઢગલાના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિના પગલે હવે સરકારે આ પશુઓના મૃતદેહને જમીનમાં દાટીને તેના પર મીઠુ તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો આદેશ કર્યો છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજ્યના કુલ ૨૦ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. આ ૨૦ જિલ્લાના અસરગ્રસ્ત ૧૯૩૫ ગામોમાં ૫૪,૧૬૧ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ ૫૪,૧૬૧ પશુને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ ૧૪૩૧ પશુનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૮.૧૭ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જિલ્લા કક્ષાએ ૭.૯૦ લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું હતું કે આ ૨૦ જિલ્લાઓમાં પશુપાલન ખાતાના ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ અને ૭૧૩ પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના ૩૩૨ આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત ૧૦૭ સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી કરી રહી છે ઉપરાંત વધુ સભ્યો કામધેનું યુનિવર્સિટી દ્વારા કચ્છ જિલ્લા ખાતે -૧૭૫, જામનગર ખાતે ૭૫ અને દેવભૂમિ-દ્વારકા ખાતે ૫૦ મોકલી આપીને હજુ વધુ પુરજોશમાં રસીકરણની કામગીરી કરવા તૈનાત કરવા સોમવારે નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરાઈ, જેની ગાઈલાઈન મુજબ કાર્યવાહી કરાશે
રાજ્યમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના 20 જિલ્લામાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળ્યો છે. આ સંદર્ભે સુરત સિવાયના બાકીના ૧૪ જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top