Sports

કોમનવેલ્થ ગેમ્સ હોકી : ભારતીય મહિલા ટીમે ઘાનાને 5-0થી હરાવી વિજયી શરૂઆત કરી

બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી (Hockey) ટીમે પોતાની પહેલી મેચમાં ઘાનાને 5-0થી હરાવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. ભારતીય ટીમ (Indian team) વતી ગુરજીત કૌરે મેચની બીજી જ મિનીટમાં મળેલા પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને 1-0ની સરસાઇ અપાવી હતી. તે પછી બીજા ક્વાર્ટરમાં ઘાના ગોલ કરવાની નજીક પહોંચી ગયું હતું પણ સવિતા પુનિયાએ સતર્કતાથી ગોલ અટકાવ્યો હતો. હાફ ટાઇમની 3 મિનીટ પહેલા જ નેહાએ ભારત વતી બીજો ગોલ કરીને સરસાઇ 2-0 કરી દીધી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતે આક્રમક અંદાજમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. ત્રીજા ક્વાર્ટરમાં સંગીતા અને ગુરજીત કૌરે ગોલ કરીને ભારતની સરસાઇને 4-0 કરી દીધી હતી અને તે પછી ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ઘાનાની ટીમને સાઇડલાઇન જ કરી દીધી હતી. જો કે આ કવાર્ટરમાં ગુરજીત કૌરે વધુ એક ગોલ કરવાની તક ગુમાવી હતી, તેનો શોટ ગોલ પોસ્ટથી થોડો દૂર રહી ગયો હતો. પણ સલીમા ટેટેએ ભારત વતી પાંચમો ગોલ કરતાં ભારતીય ટીમે ઘાનાને 5-0થી હરાવ્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સ બેડમિન્ટન : ભારતે મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં પાકિસ્તાનને 5-0થી હરાવ્યું
બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સમાં આજે ભારતીય શટલરોએ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં પાકિસ્તાનને 5-0થી હરાવીને ભારતને મજબૂત શરૂઆત અપાવી દીધી હતી. મિક્ષ્ડ ટીમ ઈવેન્ટની પ્રથમ મેચમાં સુમિત રેડ્ડી અને અશ્વિની પોન્પ્પાની જોડીએ મિક્ષ્ડ ડબલ્સમાં ઈરફાન ભટ્ટી અને ગઝાલા સિદ્દીકીની જોડીને 21-9, 21-12થી પરાજય આપીને ભારતને વિજયી શરૂઆત અપાવી હતી.

મિક્ષ્ડ ડબલ્સની મેચ પછી મેન્સ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે મોરાદ અલીને 21-7, 21-12થી હરાવીને ભારતની સરસાઇ 2-0 કરી દીધી હતી. તે પછી મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ સીધી ગેમમાં માહુર શહજાદને 21-7, 21-6થી હરાવીને ટીમ ઈન્ડિયાને 3-0ની સરસાઈ અપાવી હતી. આ પછી મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મુરાદ અલી અને મોહમ્મદ ઈરફાનની પાકિસ્તાની જોડીને 21-12, 21-9થી હરાવી હતી. અને તે પછી પાંચમી મેચમાં ત્રિશા જોલી અને પુલેલા ગાયત્રી ગોપીચંદની મહિલા જોડીએ માહુર શેહઝાદ અને ગઝાલા સિદ્દીકીની પાકિસ્તાની જોડીને 21-4, 21-5થી હરાવ્યા. આ જીત સાથે ભારતે ગ્રુપ Aમાં મિશ્ર ટીમ ઈવેન્ટમાં પાકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું.

Most Popular

To Top