ખેરગામ: (Khergam) ખેરગામના દાદરી ફળિયામાં રહેતા શાકભાજીના વેપારીને (Vegetable Merchant) વ્યાજખોરોએ ત્રાસ આપી પુત્રનું અપહરણ કરી માર માર્યો હતો. આ બનાવમાં ભોગ બનનાર પરિવારે ખેરગામ પોલીસ કાર્યવાહી નહીં કરે એ ડરથી નવસારી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. ડીવાઈએસપીએ ફરિયાદ બીલીમોરા સીપીઆઈને ટ્રાન્સફર કરી હતી. એ બાદ ખેરગામ પોલીસમથકે (Police Station) મામલો પહોંચ્યો હતો. તેમ છતાં વ્યાજખોરો કાયદાને પણ ગણકારતા નહીં હોય એમ ધમકી આપી સમાધાન કરાવી લેવા પ્રેશર ટેક્નિક અપનાવી રહ્યા છે. આથી ફરિયાદીએ ફરી ડીવાઇએસપીનું શરણું લેતા બીલીમોરા સીપીઆઈને તપાસનો આદેશ કરાયો છે.
ખેરગામના દાદરી ફળિયામાં રહેતા ઇમ્તિયાઝ શેખે નઇમ નિઝામ શેખ, નિગમ નિઝામ શેખ અને નિઝામ નૂરમહંમદ શેખ પાસે ઉછીના રૂપિયા લીધા હતા. જે પરત કરવા જતાં 20 ટકા વ્યાજ માંગી ઇમ્તિયાઝને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને ઇમ્તિયાઝના ઘરે જઈ તેના પુત્ર તલ્હાનું અપહરણ કરી માર માર્યો હતો. આ બનાવમાં નઇમ નિઝામ શેખ, નિગમ નિઝામ શેખ અને નિઝામ નૂરમહંમદ શેખ (રહે., પટેલ સોનીની ગલીમાં, ખેરગામ) વિરુદ્ધ નવસારી ડીવાયએસપીને ઇમ્તિયાઝની પત્ની મહેઝબીન શેખે અરજી કરી હતી.
આ બનાવ બાદ ડીવાયએસપીએ બીલીમોરા સીપીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટને તપાસ સોંપતાં નિવેદન લેવાયાં હતાં. અને એ પછી ખેરગામ પોલીસમથકે તપાસનો મામલો પહોંચ્યો હતો. તેમ છતાં સુધરવાનું નામ નહીં લેતા સદ્દામ નિઝામ શેખ, નદીમ નિઝામ શેખે ઇમ્તિયાઝના ઘરે પહોંચી ધમકી આપી હતી કે, અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ કરી? જો ફરિયાદ પાછી નહીં ખેંચો તો ઘર સાથે પરિવારને સળગાવી દઈશું. આથી ધમકી મળતાં પરિવાર ગભરાઈ ગયો હતો. આથી પરિવારને પોલીસ પ્રોટેક્શન અપાયું હતું. તેમ છતાં જે ત્રણ વિરુદ્ધ ફરિયાદ આપી છે તેમને કાયદાનો જરાપણ ખોફ હોય એવું લાગતું નથી.
ફરિયાદ કરી છે એ પૈસાદાર વ્યક્તિ છે. જામીન પર છૂટી જશે
મહેઝબીને આક્ષેપ લગાવ્યો છે કે, હાલમાં પણ એફઆઈઆર પરત ખેંચવા માટે અશોક ગોવર્ધન (રહે., ખેરગામ બજાર), સમદ ટેલર (રહે., દશેરા ટેકરી), ઐયુબ મલેક (રહે., દાદરી ફળિયું) અને ઝાકીર નૂરુ શેખ (રહે., અટગામ)એ ઘરે આવી ફરિયાદ ખેંચવા દબાણ કરી ધમકી આપી છે કે, તમે જેની સામે ફરિયાદ કરી છે એ તો પૈસાદાર વ્યક્તિ છે. તેઓ તો જામીન પર છૂટી જશે. તમે પૈસા લઈ કેસમાં સમાધાન કરી લો. પૈસાદાર હોય એની સામે આંગણી ચીંધાય નહીં. તમારી કોઈ ઔકાદ નથી. તમારી સોપારી આપીને શારીરિક રીતે નુકસાન કરી શકે છે. અને તમને જીવવા દેશે નહીં. મહેઝબીન શેખની અરજી બાદ ગત તા.26મીએ નાયબ પોલીસ અધિક્ષકે અરજદારનું નિવેદન લઈ સગવાવી દેવાની ધમકી આપનારા સામે કાર્યવાહી કરવા તથા તપાસનો અહેવાલ પાંચ દિવસમાં કચેરીએ મોકલી આપવા બીલીમોરા સીપીઆઈ પી.પી.બ્રહ્મભટ્ટને આદેશ કર્યો છે.