પુણે: મહારાષ્ટ્રના (Maharashtra) પુણે (Pune) જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં આજે સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન (Plane) એક ખેતરમાં તૂટી (Crashed) પડ્યું હતું. આ દુર્ઘટનામાં 22 વર્ષની મહિલા પાયલટ (Pilot) ઘાયલ (Injured) થઈ હતી. આ સાથે વિમાન જ્યારે ખેતરમાં પડ્યું ત્યારે આ વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો (Video) પણ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન જે સમયે ખેતરમાં પડ્યું તે સમયે નજીકમાં ખેડૂતો પણ કામ કરી રહ્યા હતા. લોકોએ જણાવ્યું કે અકસ્માત બાદ ત્યાં કામ કરતા ખેડૂતો ડરી ગયા હતા.
ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું
આ દુર્ઘટનાની મળતી માહિતી અનુસાર આ પ્લેન ટૂ સીટર હતું. ઈન્દાપુરના એક ખેતરમાં મહિલા તાલીમાર્થી દ્વારા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પુણે જિલ્લાના એસપી ડૉ. અભિનવ દેશમુખે જણાવ્યું કે આ તાલીમાર્થી વિમાન કાર્વર એવિએશન કંપનીનું છે. તાલીમાર્થી પાયલોટનું નામ ભાવિકા રાઠોડ છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હતું.
આ દુર્ઘટનામાં વિમાનને ભારે નુકસાન થયું છે. જોકે, આ અકસ્માતમાં પાયલોટ ભાવિકાને સામાન્ય ઈજા પહોંચતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. આ ઘટના પછી, આજુબાજુના લોકો ક્રેશ થયેલા વિમાનને જોવા માટે એકઠા થઈ ગયા. કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. કંપનીએ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે.