અમેરિકા: અમેરિકામાં (America) સૌથી મોટી જો કોઇ સમસ્યા હોય તો તે તેનું ગન કલ્ચર (Gun Culture) છે. અહીં ગનના લાયસન્સ નહીં આપવા માટે એક ચોક્કસ જૂથ અભિયાન પણ ચલાવી રહ્યું છે. જો કે, તેનું હજી સુધી કોઇ સકારાત્મક પરિણામ આવ્યું નથી. આ કારણસર જ અમેરિકામાં વારંવાર ગોળીબારની (Firing) ઘટનાઓ બને છે અને તેના કારણે અનેક લોકો મોતને પણ ભેંટે છે. કેટલીક વખત તો વિદ્યાર્થીઓ દ્વારા પણ ખુલ્લેઆમ આડેધડ ફાયરિંગ કરવાની
ઘટના પ્રકાશમાં આવી છે પરંતુ તેની ઉપર રોક લગાવી શકાય નથી. તો કેટલીક વખત પબમાં પણ જુદા જુદા જૂથ વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર થઇ જાય છે. અમેરિકાના ઇતિહાસમાં જો સૌથી વધુ મોત થતાં હોય તો તે ગોળીબારના કારણે જ થાય છે પરંતુ જ્યાં સુધી ત્યાંનો કાયદો ગનના લાયસન્સનો કાયદો બદલે નહીં ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય તેમ નથી. શનિવારે પણ આવો જ એક કેસ પ્રકાશમાં આવ્યો છે.
આ વખતે આ ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં બની છે. અહીંના રેન્ટન શહેરમાં આ ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સીએટલ વિસ્તારમાં આ પ્રકારની ગંભી ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું હતું જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેન્ટન પોલીસના પ્રવક્તા સેન્ડ્રા હેવલિકના જણાવ્યા અનુસાર ગોળીબારની આ ઘટના અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે રાત્રે એક
વાગ્યે બની હતી. જેમાં એકનું મોત થયું છે. આ બનાવની જાણ થતાં જ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળે જ ઘાયલોનો ઇલાજ શરૂ કરી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, એક મોટી સભાની બહાર વિવાદ થયો હતો અને ત્યારબાદ ફાયરિંગ શરૂ થયું હતું. આ બનાવની તપાસ ચાલી રહી છે પરંતુ ફાયરિંગ કરવામાં એકથી વધારે લોકો સામેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ગવ વાયોલન્સ આર્કાઇવ ઉપર નજર કરીએ તો અમેરિકામાં આ વર્ષે સામુહિક ગોળીબારની કુલ 302 ઘટનાઓ બની છે. જેમાં તાજેતરની ઘટના આશરે એક લાખની વસ્તી ધરાવતા રેન્ટલ શહેરમાં બની છે. આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે અમેરિકા ગન અંગે કાયદો બનાવવાની વિચારણા કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ અનેક વખત આ કાયદાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે કે, બાળકો અને પરિવારોની સુરક્ષા માટે અમેરિકાએ હથિયારો ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ અથવા તો હથિયાર ખરીદવાની ઉંમર હાલમાં 18 વર્ષ છે તે વધારીને 21 વર્ષ કરવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ફ્રિડમ માર્ચ દરમિયાન પણ ગોળીબાર થયો હતો અને તેમાં પણ છ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતાં. જ્યારે તે સમયે મચેલી ભાગદોડમાં 24થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.