Comments

ક્રિકેટના ઓવરડોઝને ધ્યાને લેતા બેન સ્ટોક્સની વન ડેમાંથી નિવૃત્તિથી નવાઇ ન લાગવી જોઇએ

બૅન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ત્યારે ઘણાં લોકોને એ બાબતે નવાઇ લાગી હતી. આ ઘોષણા અચાનક આવી, છતાં તેનાથી નવાઇ પામવા જેવું કંઇ નથી .વાસ્તવમાં, T-20 ક્રિકેટ અને IPL જેવી ફ્રેન્ચાઇઝી આધારિત લીગના આગમન પછી, કોઈ પણ ખેલાડી માટે સતત આટલું ક્રિકેટ રમવું શક્ય નથી. પહેલાંની ક્રિકેટ ટીમો વર્ષમાં 10-11 ટેસ્ટ રમતી હતી, તે પછી વન ડે ક્રિકેટનો જન્મ થયો અને તેની સાથે વર્ષમાં 30-40 વનડે રમવાનો ઉમેરો થયો. તે સમયે જો ગણતરી કરવામાં આવે તો એક વર્ષમાં સરેરાશ 80 થી 90 દિવસ ક્રિકેટ રમાતું હતું અને તે સિવાય ડોમેસ્ટિક મેચો રમાતી હતી.

આ રીતે જોવામાં આવે તો એક ક્રિકેટર પાસે પોતાના શરીરને આરામ આપવા માટે 270 દિવસનો સમય રહેતો હતો. જો કે T-20 ક્રિકેટનો જન્મ થયો પછી સ્થિતિ બદલાઇ ગઇ અને તે પછી અધૂરામાં પૂરું IPL અને બિગ બેશ જેવી ફ્રેન્ચાઇઝી આધારિત લીગ આવ્યા બાદ ખેલાડીઓ 80-90 દિવસ માત્ર લીગ ક્રિકેટ જ રમે છે અને બાકીના દિવસો પહેલાની જેમ ક્રિકેટ રમવાનું હોય છે. આવી સ્થિતિમાં ઘણા ક્રિકેટરો થાકે છે અથવા તો કંટાળે છે. સ્ટોક્સ કંટાળ્યો હોય તેવું તેના નિવેદન પરથી લાગી રહ્યું છે. તેણે પોતાની અંતિમ વન ડે રમી તે પછી કહ્યું હતું કે ક્રિકેટર કંઇ કાર નથી કે તેમાં પેટ્રોલ ભરો એટલે તે દોડવા માંડે.

દક્ષિણ આફ્રિકા સામે અંતિમ વન ડે રમ્યા પછી બેન સ્ટોક્સે વન-ડે ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ અંગે કહ્યું, હતું કે એ નિર્ણય કરવો સરળ નહોતો અને હવે જ્યારે હું ટેસ્ટ ટીમનો કેપ્ટન બની ગયો છું અને આવનારા સમયમાં અમારે કેટલું ક્રિકેટ રમવાનું છે તે જોતા, એ બિલકુલ શક્ય લાગતું નથી. મારે મારા શરીરનું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે હું મારી ટીમ માટે શક્ય એટલું ક્રિકેટ રમવા માંગું છું. સ્ટોક્સે વધુમાં કહ્યું હતું કે, ‘અમે ક્રિકેટરો કોઈ કાર નથી, તમે અમારી અંદર પેટ્રોલ ભરી શકતા નથી. એ બધું અમારે જ વેઠવું પડે છે અને પછી તેની અસર પણ અમારે ભોગવવી પડે છે. શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે અને ઘણા ખેલાડીઓને તેમની ટીમ મેદાનમાં ઊતરે ત્યારે તેઓને તેમનું 100 % આપવાનું કહો છો, આ બધી વાતો ધ્યાને લેતા એ શક્ય જ નથી. સ્ટોક્સે સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે હું જોઈ શકું છું કે બ્રોડ અને એન્ડરસને વ્હાઇટ બોલ ક્રિકેટ રમવાનું બંધ કર્યું ત્યારથી તેઓ ક્યાં પહોંચી ગયા છે.

હું ઇંગ્લેન્ડ માટે 140-150 ટેસ્ટ મેચ રમવા માંગું છું. T 20 ક્રિકેટમાં તમારે ફક્ત 3-4 ઓવર જ નાખવાની હોય છે. મને આશા છે કે જ્યારે હું 35-36 વર્ષનો થઈશ ત્યારે મને મારા નિર્ણય પર ગર્વ થશે. ઈંગ્લેન્ડના આગામી 4 વર્ષના શેડ્યૂલ પર નજર કરીએ તો 2023 થી 2027 વચ્ચે ઈંગ્લેન્ડે 42 ટેસ્ટ, 44 વનડે અને 52 T 20 મેચ રમવાની છે એટલે કે દર વર્ષે સરેરાશ 70 દિવસની હાર્ડ કોર સ્પર્ધાત્મક ક્રિકેટ. આટલા દિવસો સુધી ખેલાડીઓએ મેદાનમાં રહીને જ રમવાનું હોય છે. આમાં જો પ્રવાસની શરૂઆતથી અંત સુધીના તમામ દિવસોની ગણતરી કરવામાં આવે તો આ સંખ્યા 100 દિવસ સુધી પહોંચી જાય છે.

મતલબ કે દરેક મોટા ખેલાડી 100 દિવસ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તેટલા દિવસો માટે લીગ ક્રિકેટ રમે છે અને કોઈ પણ ખેલાડી 365 દિવસોમાંથી 200 દિવસ ક્રિકેટ રમી શકે તે શારીરિક રીતે શક્ય નથી. વાત માત્ર રમવા પૂરતી નથી પરંતુ આ રીતે રમતી વખતે તેણે પોતાનો ઉત્સાહ અને ફિટનેસ પણ જાળવવાના હોય છે.  IPL જેવી લીગ ક્રિકેટમાં ઘણા પૈસા હોવાના કારણે વિશ્વના મોટાભાગના ખેલાડીઓ તેના માટે કંઇ પણ કરવા તૈયાર રહે છે. ટેસ્ટ ક્રિકેટ હજુ પણ વાસ્તવિક ક્રિકેટ છે. તેમાં બનેલા રેકોર્ડનું સૌથી વધુ સન્માન કરવામાં આવે છે, તેથી કોઈ મોટો ખેલાડી તેને ના પાડવા માંગતો નથી.

આ સ્થિતિમાં બાકી રહે છે વન ડે અને T 20 ક્રિકેટ અને આજના સમયને ધ્યાને લેતા એવું લાગે છે કે T 20 ક્રિકેટના ઉદય પછી વન ડે ક્રિકેટ દર્શકોને પણ કંટાળાજનક લાગવા માંડ્યું છે. વનડે ક્રિકેટમાં ચોગ્ગા અને છગ્ગાનો જે રોમાંચ દર્શકોએ પ્રથમ 15 અને છેલ્લી 10 ઓવરમાં જોયો હતો, તે જ રોમાંચ તેમને T 20ની આખી 20 ઓવરમાં મળવા લાગ્યો છે, તો પછી વન ડે ક્રિકેટની વચ્ચેની 25 ઓવર શા માટે જોવી? આ એક જ વાતે વન-ડે ક્રિકેટનું T 20 સામે ટકી રહેવું મુશ્કેલ બનાવી દીધું છે.

T 20 રમવું પણ ખેલાડીઓ માટે વન ડે કરતાં ઓછું થકવનારું છે, તેથી તેને રમવામાં કોઈ સમસ્યા નથી. ખેલાડી એવું પણ વિચારે છે કે પૈસા IPL રમવાથી આવે છે, ટેસ્ટમાંથી સન્માન મળે છે, T-20માં એક્સાઈટમેન્ટ આવે છે તો મારે શા માટે વનડે ક્રિકેટ રમવું જોઈએ? બેન સ્ટોક્સની અચાનક નિવૃત્તિ પાછળ પણ તે આવું જ વિચારતો હશે. ઈંગ્લેન્ડે 2019નો વન ડે વર્લ્ડકપ પોતાના જોરે જીત્યા પછી, આ ફોર્મેટમાં તેની પાસે હાંસલ કરવા માટે કંઈ જ બાકી નહોતું. ગયા વર્ષે પણ તે મેન્ટલ હેલ્થને કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તેથી જ્યારે તેણે અચાનક ફિટનેસ અને પ્રતિબદ્ધતાને ટાંકીને વન ડે માંથી નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે કોઈને એટલું આશ્ચર્ય થયું નહીં જ હોય.

Most Popular

To Top