Business

કમળને અમે કાગળ ચીતરેલાં, પછીથી ભ્રમર જેમ એમાં ફસેલાં

ત્રણ રસ્તાના કિનારે એક બંગલો હતો. એ રસ્તાના એક ખૂણા ઉપર એક લારીમાં એ થોડા ફળો લઈને ઊભો રહેતો. એ એવી જગ્યાએ ઊભો રહેતો રસ્તે પસાર થતા દરેક લોકો એની લારી નજીકથી પસાર થતાં. આ રસ્તે સતત લોકોની આવનજાવન ચાલુ રહેતી, જેને કારણે એના ફળો તરત વેચાઈ જતા. રોજ સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી એ ત્યાં ઊભો રહેતો. ગ્રાહકો સાથે બહુ પ્રેમથી વાતચીત કરતો, કોઈ ગ્રાહક ભાવતાલ કરે તો હસીને જવાબ આપતો. ગ્રાહકને રાજી રાખવા ખોટ ખાઈને પણ ધંધો કરતો. ઘણી વાર લોકો વિચારતા, આ માણસ આટલું સસ્તું કઈ રીતે આપે છે? આજુબાજુમાં ઊભા રહેતા બીજા ફેરિયા એનાથી નારાજ રહેતા કારણ કે આ માણસ ગ્રાહકોને સસ્તા ફળો આપીને એમનો ભાવ બગાડતો હતો.

ગ્રાહકો જ્યાં સુધી આ માણસ ત્યાં ઊભો રહીને ફળો વેચતો હોય ત્યાં સુધી  ભાગ્યે જ બીજા કોઈ પાસે ફળો ખરીદતાં. હવે એમાં બીજા ફળો વેચતા ફેરિયાઓ નારાજ થાય ને? ઘણા એને સમજાવવાની કોશિશ કરતા કે ભાઈ તું ફળોનો બજારભાવ કેમ બગાડે છે? ત્યારે એ કશો જવાબ આપતો નહીં. લોકો એના મૌનથી અકળાઇ જતા પણ એની નજરમાં દેખાતી લાચારી જોઈને અટકી જતા. આજુબાજુમાં ઊભા રહેતા બીજા ફેરિયાઓ એના વિષે  જાણવાની બહુ કોશિશ કરતા. ત્યારે માત્ર એટલું જાણી શક્યા કે એનું નામ કિશન છે.  આમ તો એની ઉંમર 30ની આસપાસ હશે કે પછી 40નો હશે. દેખાતો હતો જાણે કોઈ કોલેજમાં ભણાવતો પ્રોફેસર જોઈ લો. એનું મૃદુ હાસ્ય અને એની વાતચીતની લઢણ પરથી કિશન શિક્ષક જેવો દેખાતો હતો.

બપોરે એક પછી એ કદી દેખાતો નહીં. બાકી અઠવાડિયાના સાતે સાત દિવસ કિશન ત્યાં ઊભો રહેતો. એની નજર સામેના બંગલો પર રહેતી. બંગલામાંથી એક 10 વર્ષની છોકરી રોજ ગાડીમાં સવારે 8 વાગે જતી અને બપોરે 1 વાગે પાછી આવતી. એ નાનકડી પરી જેવી છોકરીની ઝલક ગાડીના કાળા કાચમાંથી આછી આછી દેખાતી. કિશનની નજર એના પર પડતી.  છોકરીની નજર કદી એના પર પડી હોય તેવું લાગતું નહિ.

એક દિવસ સવારે 10ની આસપાસ કિશન જે રસ્તા પર ઊભો રહેતો હતો તેની સામેના બંગલામાં હલચલ મચી ગઈ. 10 વર્ષની છોકરી બીજા માળની બાલ્કનીમાંથી પડી ગઈ. બીજા બધા પણ દોડી ગયા પણ કિશને પહેલું કામ એમ્બ્યુલન્સ બોલાવવાનું કર્યું.  પછી પોતાની લારી પાસેથી જોઈ રહ્યો. એ દરમિયાન જેટલા ઘરાક આવ્યા તે બધાએ જે માંગ્યું તે આપીને જેટલા પૈસા આપ્યા તેટલા લઈ લીધા. એનું સમગ્ર ચિત્ત પહેલી છોકરી પડી તે પર જ હતું. તે બધાં જોઈ શક્તા હતાં.

5 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી. નાનકડી છોકરીને લઇને સડસડાટ જતી રહી. તે દિવસે કિશન આખો દિવસ ત્યાં જ લારી લઇને ઊભો રહ્યો. લોકોને આશ્ચર્ય થયું કે બપોરે 1 વાગે કિશન રોજની જેમ જતો કેમ ન રહ્યો? આખો દિવસ અને રાત એ ત્યાં જ રહ્યો. એની લારીમાં બેઠો કે સૂતો રહ્યો પણ કિશન ત્યાંથી હટ્યો નહીં. રસ્તે આવતાજતા લોકો એને કૌતુકથી જોઈ રહ્યાં. બાજુવાળો ફેરિયાએ પરાણે ચા પીવડાવી ત્યારે કિશને પીધી. બસ બાકી હાલ્યા ચાલ્યા વિના ત્યાં જ લારી પર બેઠો રહ્યો. આજે તો એની પાસે વેચવા માટે ફળો પણ પૂરા થઈ ગયા હતા. ફળ ખરીદવા આવતા લોકોએ એને પૂછયું, ‘‘કિશનભાઈ આજે માલ નથી લાવ્યા?’’

જવાબમાં માત્ર એ માથું હલાવીને ના પાડી દેતો. એની નજર બંગલા પરથી હટતી નહીં. લાગલગાટ 5 દિવસ એ વરસાદ-તાપની ચિંતા કર્યા વિના દિવસરાત એ ત્યાં જ પડી રહ્યો. એની આજુબાજુ ઊભા રહેતાં ફેરિયાઓએ એને આગ્રહ કરીને ખવડાવવાની કોશિશ કરી ત્યારે માત્ર બે વાર ચા અને એક-બે બિસ્કિટ ખાધા પણ એ ય જાણે ત્યાં ઊભા રહેવા માટે શક્તિની જરૂર પડે એટલે શરીરને ભાડું આપતો હોય તેમ ખોરાકરૂપી ભાડું આપી દીધું. 

સાતમા દિવસે મોડી રાતે એમ્બ્યુલન્સ આવી અને કિશન લારી પરથી ઊભો થઈ ગયો. એનું શરીર લથડી ગયું. અઠવાડિયાથી પેટમાં ખાસ કશું ગયું ન હતું એટલે શરીરમાંથી તાકાત હણાય ગઈ હતી. છતાં એ લારી નીચેથી ઊતર્યો અને લારીનો ટેકો લઈને ઊભો રહ્યો.  એમ્બ્યુલન્સને ચિંતાતુર નજરથી જોઈ રહ્યો. સફેદ કપડાંમાં વિંટાળેલી નાનકડી છોકરીનો ચહેરો દેખાયો અને કિશનનો ચહેરો કાળોધબ્બ થઈ ગયો.  હતપ્રત બનીને ઊભો રહી ગયો.

બંગલાની આજુબાજુ માણસો જમા થવા લાગ્યા. ગાડીઓ પર ગાડી આવવા લાગી. કિશન એની જગ્યાએથી ટસનો મસ ન થયો. એની નજર જાણે ત્યાં ખોડાઇ ગઈ હતી. એ આખી રાત વરસાદ મનમૂકીને વરસ્યો. કિશન એમને એમ થાંભલાની જેમ ઊભો રહ્યો. સવારે 7 વાગે બંગલાનો પરિસર સફેદ દૂધ જેવાં કપડાં પહેરેલાં લોકોથી ઊભરાવવા લાગ્યો. થોડી વારમાં  છોકરીની નનામી નીકળી ને કિશન દોડ્યો. સિયા…સિયા….એ બોલતો હતો. એની આંખમાંથી આંસુની ધાર વરસતી હતી. બંગલામાં ઊભેલાં ઉજળા લોકોએ એને અંદર જતો અટકાવ્યો. ત્યારે એક 30 વર્ષની સ્ત્રી કૃશ અવાજે બોલી, ‘‘એને આવવા દો!’’

કિશન અઠવાડિયાથી નાહ્યોધોયો ન હતો. એનાં કપડાં મેલાં–ઘેલાં હતાં. એક પગમાં ચંપલ અને બીજો પગ ખુલ્લો હતો. કિશન છોકરીના સુંદર રૂપાળા ચહેરાને તાકી રહ્યો. એનાં મેલાંઘેલાં પેન્ટના ખિસ્સામાંથી એણે એક પરબીડિયું કાઢયું.  જેના પર લખેલું હતું.
‘ડિયરેસ્ટ સિયા. વીથ લવ ફ્રોમ ડેડ!’
કિશને છોકરીનું માથું ચૂમી લીધું.
‘આઈ એમ સોરી બેટા….મને માફ કરી દેજે.’ એ નનામીના રસ્તામાંથી હટી ગયો. બધાં લોકો જતાં રહ્યાં. એ એકલો આખો દિવસ લારી પાસે બેઠો રહ્યો. આજુબાજુવાળા ફેરિયાઓએ એને ખવડાવવાનો પ્રયત્ન કર્યો પણ કિશને આજે ચા પણ ન પીધી. રાત પડતાં રસ્તા સૂમસામ થઈ ગયા. મોડી રાતે કિશન લારી પર ઢળી પડયો. બીજે દિવસે સવારે આજુબાજુના ફેરિયાઓએ તપાસ કરી ત્યારે ખબર પડીકે કિશન મૃત્યુ પામ્યો હતો.
(શીર્ષક પંક્તિ: દર્શક આચાર્ય)

Most Popular

To Top