ઘરમાં બધાં સભ્યોની મીટીંગ હતી.નવો બંગલો બંધાવવાનો હતો તેની ડીઝાઇન માટે બધાં ભેગાં થયાં હતાં.આર્કિટેક્ટ આવ્યા અને ઘરનાં બધાં પોતપોતાની પસંદ અને જરૂરિયાત કહેવા લાગ્યાં. દાદાએ કહ્યું, ‘ચાલવા માટે ગાર્ડન…બેસવા રોલિંગ ચેર’ …દાદીએ કહ્યું, ‘સરસ મોટું મંદિર અને બેસવા માટે ઝૂલો’ ….પપ્પાએ કહ્યું, ‘સ્ટડી રૂમ’ અને મમ્મીએ કહ્યું, ‘મોટું કિચન અને નજીક ડાઈનિંગ ટેબલ’ …દીકરાએ કહ્યું, ‘ખાસ જીમ’ અને દીકરીએ કહ્યું, ‘મને જોઈએ ટેરેસવાળો રૂમ’. બધાંની ડીમાન્ડનું લીસ્ટ લાંબુ હતું અને જુદું જુદું હતું. આર્કિટેક્ટે બધાની વાત સાંભળી, ડાયરીમાં લખી લીધી અને સરસ તે મુજબની બંગલાની ત્રણ ડીઝાઇન બનાવી.બધાએ ખુશ થઈને એક ડીઝાઇન નક્કી કરી લીધી.ડીઝાઇન નક્કી થયા બાદ ભૂમિપૂજન કરી તરત કામ શરૂ કરવાનું નક્કી થયું.
સારા મુહૂર્તમાં દાદાના હાથે ભૂમિપૂજન થયું અને પાયો ખોદવામાં આવ્યો.પપ્પાએ આર્કિટેક્ટને ખાસ સૂચના આપી કે પાયો ઊંડો ખોદજો અને મકાનના દરેક પિલર મજબૂત બનાવજો.મમ્મીએ પણ ખાસ કહ્યું કે મકાન મજબૂત ઊભું કરજો, જરાય કચાશ નહિ રાખતા.’ આ વાતો ચાલતી હતી ત્યારે દાદા બોલ્યા, ‘જુઓ, મકાન મજબૂત બનાવવાનું કામ તો આ આર્કિટેક્ટ સાહેબ કરી જ લેશે પણ મકાનને સુંદર ઘર બનાવવાના પાયા અને પિલર તો આપણે જ બનાવવા પડશે. તે કોઈ આર્કિટેક્ટ નહીં બનાવી શકે.’બધાએ પૂછ્યું, ‘એટલે?’ દાદાએ કહ્યું, ‘મકાન મજબૂત બની જશે, પણ પછી તેને ખુશી અને સુખોથી ભરેલું સુંદર ઘર બનાવવા માટે આપણે બધા પરિવારજનોએ સાથે મળીને ચાર પિલર બનાવવા પડશે તો આ મકાન સુખનું ઘર બની શકશે.’
મમ્મી સમજી ગઈ કે દાદા કૈંક સમજાવવા માંગે છે; તેણે પૂછ્યું, ‘પપ્પાજી, ક્યા ચાર પિલર આપણે બાંધવા પડશે?’દાદાએ કહ્યું, ‘એ ચાર પિલર છે સ્નેહ …સમજદારી…સ્પષ્ટતા …સરળતા. જો આપણે બધા આપણી મરજી મુજબ બંધાયેલા મકાનને ખુશીઓથી ભરી સુખી ઘર બનાવવા ઇચ્છીએ છીએ તો સૌથી પહેલાં તો એકબીજાને સાચો અને ભરપૂર પ્રેમ કરવો જરૂરી છે.દરેક બાબતમાં અને ખાસ કરીને કંઇક ન ગમતું થાય ત્યારે સમય અને સંજોગને સમજીને સમજદારીપૂર્વક વર્તવું જરૂરી છે.પરિવારમાં કોઇથી પણ કંઈ છુપાવ્યા વિના સઘળું સ્પષ્ટ રાખવું જરૂરી છે અને જે થાય તેનો સ્વીકાર અને જેને જે કરવું હોય તે કરે તેવી સરળતા રાખીશું તો આપણે રોજ ગાઈ શકીશું, ‘એક બંગલા બને ન્યારા …એક ઘર હમારા પ્યારા…’દાદાએ પરિવારને સાચી સમજ આપી. સુંદર મકાનને સુખનું ઘર બનાવવા હંમેશા રાખો સ્નેહ-સમજદારી-સ્પષ્ટતા-સરળતા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.