સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં વરસાદી (Rain) તાંડવનું જોર ધીમુ તો પડ્યુ પરંતુ હજી પણ જિલ્લાનાં 24થી વધુ કોઝવે (causeways) પાણીમાં ગરક જ રહેતા 36 થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત રહ્યા છે. ડાંગમાં 24 કલાકમાં આહવામાં (Ahawa) 1.84 ઈંચ, સુબિરમાં 1.32 ઈંચ, સાપુતારામાં 2.2 ઈંચ, જ્યારે વઘઇમાં 2.64 ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલે તાંડવ મચાવતા ડાંગમાં જનજીવનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓનાં વહેણ ભયજનક સપાટીએ જોવા મળ્યા હતા. કોઝવે, સંરક્ષણ દીવાલો તથા માર્ગોનું ધોવાણ થતા કરોડો રૂપિયાનુ નુકશાન થયુ છે. ડાંગની ખાપરી અને પૂર્ણા નદીમાં રેલ આવતા ચીકટિયા, જામલાપાડા, ખોખરી, ખાતળ, માછળી સહિતનાં ગામોનાં ઘરોમાં પાણી ઘૂસી જતા જંગી નુકસાન થયુ છે.
પૂર્ણા નદીમાં 1984 બાદ 2022માં મહારેલની સ્થિતિ સર્જાતા પીંપરીથી ભેંસકાતરીને જોડતા સૌથી ઉંચા પુલ ગોદડિયા ડેમેજ થયો હતો. મહારેલનાં કારણે, ખાતળ, માછળી, પાંઢરમાળ,વાંકન સહિતનાં અનેક ગામડાઓમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ જાણવા મળી છે. તો ડાંગનાં કાલીબેલથી પાંઢરમાળને જોડતા કોઝવેને પુર ઢસડી જતા બેથી ત્રણ ગામોનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો છે. ગતરોજ મહાલથી બરડીપાડાને જોડતા માર્ગમાં ઠેરઠેર ભેખડો ધસી પડી હતી.
ડાંગમાં શુક્રવારે વરસાદી જોર ધીમુ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છતા 24થી વધુ કોઝવે પાણીમાં ગરક રહેતા 36 થી વધુ ગામડા અસરગ્રસ્ત બન્યા હતા. સતત પાંચમા દિવસે શામગહાન સાપુતારા હાઈવે ઉપર ભેખડો ધસી આવી હતી. જ્યારે ખાપરી-ગોળસ્ટા વચ્ચે વીજપોલ ધરાશાયી થયા હતા. હિંદળા, પીપલાઈદેવી અને કિરલી ખાતે નુકશાન પામેલી વીજ લાઈનનુ દુરસ્તી કામ પણ વીજકર્મીઓએ હાથ ધર્યું હતુ. ભારે વરસાદમાં સુબીરનાં જામન્યામાળના પશુપાલક જાનુભાઈ બરડેનો બળદ પૂરના પાણીમા તણાયો હતો, તો હાડોળ ગામના પશુપાલક રમેશ વૈજલનો પાડો શેડ તૂટી પડવાથી દબાઈ ગયો હતો.
પૂરના કારણે નવસારીની પાંજરાપોળમાં 42 ગાયના મોત
નવસારી : નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલા પશુઓમાંથી 42 પશુઓના પૂરના પાણીને લીધે મોત નિપજ્યા છે. જ્યારે અંદાજે 300 જેટલા પશુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જોકે અંદાજે 100 પશુઓના મોત થયાનું અનુમાન છે. બીજી તરફ પશુઓના મોટ બાદ તેમના ચામડા કાઢી વેપાર કરાતો હોવાના આક્ષેપો સાથેનો વિડીયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
નવસારી તાલુકાના ખડસુપા ગામે આવેલા પાંજરાપોળમાં પણ પુરના પાણી ઘુસી ગયા હતા. પાંજરાપોળ ખાતે ગાય, વાછરડા, પાડા અને ભેંસ મળી કુલ 1200 પશુ હતા. પુરના પાણી પાંજરાપોળમાં ઘૂસવાની તૈયારી હોવાથી તમામ પશુઓને ઉંચાણવાળા શેડમાં ખસેડ્યા હતા. પરંતુ પાંજરાપોળ ખાતે ઈજાગ્રસ્ત પશુઓ આવતા હોવાથી કેટલાક પશુઓ ઉભા થઇ શકતા ન હતા. જેટી પુરના પાણીમાં 42 પશુઓના મોત નિપજ્યા હતા. જ્યારે અંદાજે 300 જેટલા પશુઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.