બીલીમોરા : બીલીમોરા (Bilimora) ગુરુવારે સવારે છ કલાકમાં પોણા આઠ ઇંચ વરસાદ (Rain) પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઉતરી ગયેલા પાણી ફરી ચડી જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. તો અંબિકા (Ambika) અને કાવેરી (Kaveri) નદી (River ) તેની ક્ષમતા કરતા અનુક્રમે 9 અને 13 ફૂટ ઉપર વહેતા સ્થિતિ વધુ ખરાબ થવાની પૂરેપૂરી સંભાવના છે.
અંબિકા નદી ઓવરફ્લો થવાને કારણે દેસરા વિસ્તારમાં નગરપાલિકા કચેરી પાસેના તળાવમાં તેનું પાણી આવતા દેસરા તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. જેથી તેની આજુ બાજુની ઘણી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સ્ટેટ હાઇવે ઉપર પણ પાણી ફરી વળતા બીલીમોરા ડેપોએ તેની 157 જેટલી બસ્ની ટ્રીપો રદ કરવી પડી હતી.
વિતેલા 24 કલાકમાં ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં 251 mm એટલે કે 10 ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 1151 એટલે કે 46 ઈંચ અત્યારે સુધી પડી ચૂક્યો છે. અંબિકા નદીની તેની ભયજનક 28 ફૂટની સપાટી સામે 37.32 ફૂટે વહી રહી છે, તો કાવેરી નદી પણ તેની ભાયજનક 19ફૂટ ની સામે 32 ફૂટે વહી રહી છે. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે બીલીમારાંના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા.
દેસરાની મેમન કોલોનીમાં પહેલા માળ સુધી પાણી ભરાતા ફસાયેલા લોકોને લશ્કરોએ બોટમાં બહાર કાઢ્યા
દેસરા વિસ્તારમાં આવેલા મેમન કોલોનીમાં પહેલા માળ સુધી પાણી પહોંચી જતા ત્યાં રહીશોની સ્થિતિ કફોડી બની છે. જે પછી નગરપાલિકા ફાયર ટીમે ત્યાં ફસાયેલા લોકોને બોટમાં સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બીલીમોરા વિસ્તારમાં પાણી વધવાને કારણે સોમનાથ મંદિર વિસ્તાર દેસરા પૂર્વ અને પશ્ચિમ તરફ નો વિસ્તાર અવધૂત વાડી, સોમનાથ મંદિર અને જલારામ મંદિર વિસ્તાર, બાંગિયા ફળ્યા, મચ્છી માર્કેટ, બંદર, વખારિયા બુંદર રોડ, ખાડા માર્કેટ, લાલવાવટાની ગલી, ભીખાજી નગર જેવા વિસ્તારોમાંથી અંદાજિત 1500 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જ્યારે ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 2136 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
બીલીમોરામાં મહિલાને સાપ કરડ્યો, યુવાનોએ કમર સુધીમાં દોઢી કિમી ચાલીને હોસ્પિટલમાં ખસેડી
બીલીમોરા નજીકના ભાઠા ઘોડા ફળિયામાં રહેતી તેજલબેન યોગેન્દ્રભાઈ પટેલને સાપ કરડવાથી ગામના યુવાનોએ કમર સુધીના પાણી હોવા છતાં તેને ઊંચકીને દોઢ કિલોમીટર સુધી પાણીમાં ચાલીને બહાર લાવ્યા હતા, જ્યાંથી તેને સારવાર માટે બીલીમોરાની મેંગુસી હોસ્પિટલમાં ખસેડી હતી.