એક કોલેજીયન યુવાન, શુભ આખો દિવસ તૈયાર થઇ બાઈક પર ફર્યા કરે.તેને એક દિવસ તેના માતા પિતાએ પૂછ્યું, ‘અમે જાત્રા કરવા પંઢરપુર જીએ છીએ તારે આવવું છે??’શુભને જવું ન હતું એક જ્ઞાનીની જેમ તે બોલ્યો, ‘ના મારે નથી આવવું… એમ કહેવાય છે કે ભગવાન બધે જ છે તો મારા માટે તો ભગવાન અહીં જ છે.હું તો તમને પણ કહું છું કે ભગવાન બધે જ છે તે આપણે જાણીએ જ છીએ તો પછી યાત્રાએ આટલે દુર આવવા જવાની હાલાકી વેઠવાની શું જરૂર છે??
મમ્મી અને પપ્પા શુભની વાતો સાંભળી રહ્યા તેમને દુઃખ થયું પણ કઈ ન બોલ્યા.બપોરે શુભ ઘરે આવ્યો ત્યારે તેના પપ્પાએ તેના બાઈકના ટાયરની હવા થોડી ઓછી કરી નાખી.સાંજે શુભ તૈયાર થઈને બહાર જવા નીકળ્યો અને બોલ્યો , ‘અરે બાઈકના ટાયરની હવા ઓછી છે.એક તો મોડું થાય છે અને પહેલા હવા ભરાવવા ગેરેજમાં જવું પડશે…’
તેના પપ્પા તેની પાછળ જ ઉભા હતા તેઓ બોલ્યા, ‘કેમ ગેરેજમા જવાની શું જરૂર છે.વિજ્ઞાનમાં ભણ્યો જ છે ણે કે હવા તો બધે જ છે તો અહીં થી જ ભરી લે !!’શુભને કઈ સમજાયું નહિ તે પપ્પાની સામે જોઈ રહ્યો.તે થોડું થોડું સમજી ગયો કે પપ્પા કેમ આવું કહી રહ્યા છે.
શુભ હજી ચુપ જ હતો.જોયું તો મમ્મી દરવાજા પાસે ઉભી હસી રહી હતી.પપ્પા તેની પાસે આવ્યા અને બાજુમાં બેસાડીને બોલ્યા , ‘શું દીકરા તે સવારે જ્ઞાની બનીને કરેલા સવાલનો જવાબ મળી ગયો કે નહિ? જેમ ટાયરમાં હવા ઓછી થાય તો ભરાવવા ગેરેજમાં જવું પડે.અને હવા બરાબર પ્રમાણમાં જ માપીને ભરવી પડે ન ઓછી ન વધારે ચાલે તેવી જ રીતે મનમાં આસ્થાની હવા ઓછી ન થાય તે માટે તેને ચેક કરવા અને કદાચ અભિમાનની હવા બહુ ભરાઈ જાય અને આપણે હવામાં ઉડવા માંડીએ અને ભગવાનને ભૂલી જઈએ ત્યારે તે અભિમાનની હવા ચેક કરવા અને ઓછી કરવા માટે મંદિરે જવું પડે.આપની અંદર રોજે રોજ જે દુર્ગુણો વધતા જય છે તેને સમય સમય પર ઓછા કરવા મનને સાફ કરવા પણ જાત્રાએ જવું પડે.સમજાયો, મનની શ્રધ્ધા વધારવા અને ભગવાનનો ધન્યવાદ કરવા તેની પાસે જવા મંદિરે જવું, યાત્રાએ જવું જોઈએ.’પપ્પાએ શુભને બારીકાઇથી સમજાવ્યું.