Columns

મત આપો તેની પાસે હિસાબ પણ માંગજો

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લાંબાગાળાના સંઘર્ષ પછી સફળતા મેળવી છે વ્યક્તિગત રીતે તો પોતે ચા વેચી છે. સંઘના પ્રચારક તરીકે કાર્યકર્તાઓના ઘરે જઈને જમ્યા છે. હજુ હમણાં સુધી ભાજપ ખાટલા બેઠકો અને કાર્યકાર્યો પોતાનું ટીફીન લઈને આવે તેવી ભાવાત્મક સંગઠતાત્મક રીતે વર્તતો હતો. મોરબીની હોનારતથી માંડીને ગુજરાતના વિનાશક ભૂકંપ સુધીની આપદામાં સંઘ પરિવારના ભાજપના અનેક કાર્યકર્તાઓ લોકોને મદદ કરતા નજરે ચડતા હતા. ભલે ઉદ્દેશ્ય રાજકીય હશે, વિચારધારા સાથે કોઈ સંમત ન પણ હોય પણ માત્ર બે બેઠકથી સંસદમાં 300 પાર બેઠક પર પહોંચડવામાં આ બાબતોનો ફાળો હતો.  હવે ચિત્ર બદલાયું છે.

ખાનગીકરણ-ઉદારીકરણની અસરમાં પાર્ટીમાં કોર્પોરેટ કલ્ચર પ્રવેશ્યું છે! સુરતમાં થયેલા મેળાવડાના દૃશ્યો વિચલીત કરે છે! ‘આ અડવાણીજી કે બાજપાઈજી વાળી ભાજપ નથી’’ એનું જૂના ભાજપના કર્મ કાર્યકર્તાઓ જ કહી રહ્યા છે. વડાપ્રધાનશ્રીને ગુજરાતની ચિંતા હોય તો એમણે ગુજરાત ભાજપના બદલાતા સ્વરૂપ વિષે ચિંતા કરવાની જરૂર છે! બાકી અમદાવાદના એક દિવસના વરસાદે વિકાસની પોલ ખોલી છે અને અણધડ આયોજન સાથે ભ્રષ્ટાચારની સાંઠગાઠ ખૂલ્લી પાડી છે.

એક નાગરીકે બળાપો કાઢતા એક વ્યક્તિએ કહ્યું કે સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં સતત વિકાસમાં લાગેલી પાર્ટી હવે થાઈ ગઈ છે. હવે એને થોડા આરામની જરૂર છે. ગુજરાતી પ્રજાએ પોતાનો સ્વાર્થ છોડીને આ લોકોની દયા ખાવા જેવી છે! એમને આરામ આપવા જેવો છે! જો કે રાજનીતિના જાણકારો માને છે કે આ બધા બળાપા મતદાનના દિવસે અસરકારક બનવામાં નથી. જો પ્રજા પોતાની તકલીફોનો હિસાબ કમસેકમ ચૂંટણી સમયે માંગી શકતી હોત તો કોરોના કાળમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની  ચૂંટણીઓમાં વિચાર્યા વગર બટન ના દાબ્યા હોત!

‘‘આવશે તો એ જ’’

આ વિશ્વાસ વિકલ્પ વિહીન રાજનીતિમાં પ્રજાની અવદશા બતાવે છે. ચૂંટણીમાં જીત એ જીતનારની કામગીરી આધારીત ન હોય પણ વિપક્ષની નબળાઈ પર આધારીત હોય તો એમાં પ્રજા હારે છે. લોકશાહી નબળી પડે છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તો નૂકસાન કરતી જ હતી કે નહીં તે ચર્ચાનો વિષય છે. પણ વિપક્ષમાં રહીને તો નુકસાન કરે જ છે. ભાજપ સત્તામાં આવતા પ્રજાએ મજબૂત વિપક્ષ ગુમાવ્યો છે તે તો હકીકત છે! રાજકારણ ગણાં તો રાજકરણ પણ આ જ તો સમય છે. પ્રજાની સાથે ઊભા રહેવાનો ટી.વી. ચેનલોમાં શાસની નિષ્ફળતા વિષે ભલે આક્ષેપો કરીએ પણ જમીન ઉપરતો કાર્યકર્તાઓ, નેતાઓએ લોકોને મદદરૂપ થવું જોઈએ!

હેલ્પલાઈન નંબરથી માંડીને ભૌતિક સુવિધા સુધી બધુ જ થઈ શકે! વળી વહીવટીય તંત્રની સાથે રહીને પક્ષના લોકો કામ કરી શકે! આજના મોબાઈલ-માધ્યમનો ઉપયોગ કરી ખરા આફતગ્રસ્તોની વાત દેશ સમક્ષ, સત્તાવાળા સમક્ષ મૂકી શકાય! શિક્ષણથી માંડીને કુદરતી આફતના તમામ પ્રશ્નોમાં પ્રજાની જોડે રહીને કામ કરવા માંડો તો પ્રજા ચોક્કસ તેની નોંધ લે જ છે! પણ તમારે વિશ્વાસ આપવો પડે કે હવે કોંગ્રેસ પહેલા જેવી નથ! કંઈક કરી બતાવવાનો આ તો સમય છે!

ગુજરાતમાં શહેરીકરણનો દર ઊંચો છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગ શહેરોમાં વસે છે છેલ્લાં વર્ષની પેટર્ન જોતા તે ભાજપનો કમીટેડ વોટ છે. નોટબંધી, જી.એસ.ટી. શિક્ષણમાં વધતા ખર્ચા, શહેરમાં ટ્રાફિક, વધતી મોંઘવારી અને કોરોનાની બીજી લહેરમાં અરાજકતા આ બધુ હોવા છતાં નિષ્ણાંતોને ખાત્રી છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં રહેલી ભાજપને જાજો ડપકાર નથી! ઊલ્ટુ 2017ના આંદોલન પછી જે વિરોધ ઊભો થયો હતો તેટલો પણ નથી!

તો નિશ્ચિતતા છે! અને કહેવત છે. અનુભવ સિધ્ધ વાક્ય છે. ‘‘નિશ્ચિતતા નફ્ફટાઈ આવે છે!’ સરકારી ક્ષેત્રમાં હોય, ઈજારાવાળી બાબતોમાં હોય. ઘર-પરિવારના લાગણીભર્યા સંબંધમાં હોય.  એક વાત તો સાચી જ છે કે જેને નિશ્ચતતા છે તે નફ્ફટ છે. બેફીકર છે! શું કરી લેવાના છે?’’ સ્કૂલોવાળા લૂંટશે, દવાખાનાવાળા લૂંટશે, લાખાોના બિલ્ડિંગમાં પાણી ભરાશે, નદીના કિનારે રીવરફ્રન્ટમાં પાણી ભરાશે. અધિકારીઓ માનશે નહીં! નીત નવા નિયમોથી કર્મચારીઓ પરેશાન થતા રહેશે! આ બધુ જ થશે! તમે કરી શું લેવના! તમારી પાસે વિકલ્પ તો છે નહીં!

મુદ્દો વિચારવાનો લોકોએ છે. બાપદાદાએ વર્ષો કોંગ્રેસમાં જે કર્યુ તે જ નવી પેઢી ભાજપ માં કરે છે’! વોટ ભલે ત્યાં જ આપો! પણ હિસાબ તો માંગો! પૂછો ‘નેતાઓને કે તમે ક્યાં હતા?’’ પૂછો નેતાઓને કે તમારી પાસે શું પ્લાન છે! થઈ ગયો એ વિકાસની વાત છોડો! હજુ જે બાકી છે તેનું શું છે! રીવરફ્રન્ટ પર સોહામણો ફ્રૂટબ્રિજ ઉચ્ચ વર્ગના નાગરીકો ને ફરવા-મનોરંજન માટે છે. પણ દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં સ્કૂલે જવાના રસ્તા નથી એ ક્યારે આવશે? નદી ઓળંગીને પાર જતી બાળાઓ માટે પૂલ ક્યારે બનશે! આ વરસાદે પાણી બતાવ્યું છે. સરકારને નહીં! પ્રજાને! તમે કેટલા પાણીમાં છો તે નક્કી કરો!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top