સુરત(Surat): સુરત જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ(Heavy Rain)નાં કારણે બારડોલી(Bardoli) તાલુકાને અસર પહોંચી છે. મોડી રાત્રે મીંઢોળા નદી(Mindhola River)ના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. 300થી વધુ ઘરો(House)માં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ આખી રાત જાગીને ઘરવખરીનો સમાન બચાવ્યો હતો.
મીંઢોળા નદીનાં જળસ્તરમાં વધારો
મીંઢોળા નદીમાં પાણીનું સ્તર વધતા બારડોલીના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. તલાવડી વિસ્તાર, કોર્ટની સામે આવેલા ખાડામાં તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક જ ઘરમાં પાણી આવી જતા લોકો ગભરાઈ ગયા હતા. અચાનક ઘરમાં પાણી આવી જતાં ગભરાયેલા પરિવારે પહેલા પોતાના પરિવારનાં નાનાં બાળકો તેમજ વૃદ્ધોના જીવ બચાવી ઊંચાણવાળા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં આખા જીવનની જમા પૂંજી તેમજ ઘરવખરીનો સમાન બચાવવામાં આખી રાત નીકળી ગઈ હતી. લોકોએ કમરડૂબ પાણીમાં જીવના જોખમે ઘરવખરીનો સામાન બચાવ્યો હતો અને આખી રાત તમામ પરિવારોએ સામાન સાથે રસ્તા પર બેસી રહેવાની નોબત આવી હતી.
આખી રાત જાગી સમાન બચાવ્યો: સ્થાનિક
વરસાદી પાણી ઘરોમાં ભરાતા સ્થાનિક લોકોની હાલત કફોડી બની જવા પામી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અચાનક જ ઘરોમાં પાણી ભરાવા લાગ્યા હતા. વરસાદ પડે ત્યારે ઘર છોડીને રોડ પર છાપરા નીચે રહેવા મજબુર બન્યા છે. ઘરોમાં પાણી ભરાતા માંડ વસાવેલો સમાન પણ પાણીમાં તણાઈ જાય છે. અમે આખી રાત જાગીને ઘરનો સામાન બચાવ્યો હતો.
ઘણા વર્ષોથી સમસ્યા, નક્કર પગલાં ભરવા માંગ
તલાવડી તેમજ કોર્ટની સામે ખાડા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મીંઢોળા નદીના પાણી ઘરોમાં ઘૂસી જાય છે. જેના કારણે આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સામાન્ય લોકોને દર વર્ષે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, પાણી ભરાવાને કારણે પશુપાલકોએ પોતાના ઢોરઢાખરને પાણીના વહેણમાંથી બહાર કાઢી મુખ્ય માર્ગ પર પુલની રેલિંગ સાથે બાંધવાની નોબત પડી હતી. જેથી આ ખાડાનાં પાણી ઘરોમાં ન ઘૂસે તે માટે પ્રોટેક્શન વોલ ઊભી કરવાની તેમજ નક્કર પગલા ભરવાની માંગ કરી છે.