નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં અંબિકા નદી (Ambika River) અને પૂર્ણા નદી ગાંડીતુર બનતા જિલ્લો આખો તળાવમાં ફેરવાઈ ગયો છે. જેના પગલે નવસારી શહેર સહિત જિલ્લાઓમાં અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે. નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પુરના (Flood) પાણી ફરી વળતા હજારો લોકોનું સ્થળાંતર (Migration) કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અવિરતપણે ધોધમાર અને ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદથી જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની લોકમાતાઓ ગાંડીતુર બની છે. અંબિકા નદી અને કાવેરી નદીમાં પાણીની સપાટી ભયજનક સપાટી વટાવી જતા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામોમાં પુરના પાણી ભરાયા હતા.
ગત સાંજથી ફરી પૂર્ણા નદીમાં પાણીની સપાટી વધી હતી. જેથી જિલ્લા તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું હતું. બીજી તરફ અંબિકા નદી તેની ભયજનક સપાટીથી 3 થી 4 ફૂટ વધુ રહેતા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામોમાં પુરના પાણી ફરી વળતા હજારો લોકોનું સ્થળાંતર કર્યું હતું. જ્યારે રાત્રી દરમિયાન પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નદીની આજુબાજુના વિસ્તારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાતા શહેરના હજારો લોકોનું તંત્રએ સ્થળાંતર કર્યું હતું. તેમજ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી તંત્રએ હાથ ધરી હતી.
જોકે મંગળવારે વરસાદનું જોર ઓછું રહ્યું હતું. જેમાં 24 કલાકમાં, વાંસદા તાલુકામાં 176 મિ.મિ. (7.3 ઇંચ), નવસારી તાલુકામાં 73 મિ.મિ. (3 ઇંચ), ખેરગામ તાલુકામાં 53 મિ.મિ. (2.4 ઇંચ), ચીખલી તાલુકામાં 47 મિ.મિ. (1.9 ઇંચ), જલાલપોર તાલુકામાં 44 મિ.મિ. (1.8 ઇંચ) અને ગણદેવી તાલુકામાં 38 મિ.મિ. (1.5 ઇંચ) વરસાદ પડ્યો હતો.
પૂર્ણાના પાણી ઘટ્યા, પરંતુ અંબિકાના વધ્યા
ગત સવારથી અંબિકા નદી ભયજનક સપાટી વટાવી ગઈ હતી. જ્યારે પૂર્ણા નદીની ગત રાત્રે ભયજનક સપાટીથી વધુ પાણી વહી રહ્યું હતું. જોકે મંગળવારે સવારથી પૂર્ણા અને અંબિકા નદીમાં પાણી ઘટી રહ્યા હતા. પરંતુ બપોરબાદ અંબિકા નદીમાં ફરી પાણી વધતા ભયજનક સપાટી વટાવી હતી.
નવસારીના આ વિસ્તારમાં પુરના પાણી ભરાયા
પૂર્ણા નદી ભયજનક સપાટીથી 5 ફૂટ વધુ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ભેંસતખાડા, વિરાવળ, હિદાયતનગર, ગધેવાન, કમેલારોડ, નવીનનગર, રંગુન નગર, મહાવીર સોસાયટી, માછીવાડ, રેલવે ગરનાળુ, બંદર રોડ, વિરાવળથી રેલવે સ્ટેશન જતો રિંગરોડ અને વિરાવળથી ભેંસતખાડા જતો રિંગરોડ, શાંતદેવી રોડ, કાલિયાવાડી વિસ્તારમાં આવેલ સી.આર. પાટીલ સંકુલ, દશેરા ટેકરી, નવસારી-બારડોલી રોડ પર, તરોટા બજાર, કાશીવાડી, બાપુનગર, કાછીયાવાડી, દાંડીવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અનેક મુખ્ય માર્ગો બંધ કરાયા
નવસારી જિલ્લામાં પુરના પાણી ફરી વળતા અનેક મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં વિરાવળથી કસ્બા જતો માર્ગ, ગુરુકુલસુપા પાસેનો માર્ગ, ધમડાછા પાસેના બ્રિજ પરથી નદીનું પાણી જતા માર્ગ બંધ કરાયો હતો. કાલિયાવાડીથી દશેરા ટેકરી સુધીનો માર્ગ, દાબુ હોસ્પિટલ પાસેથી શાંતદેવી જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા.
લોકો પુરના પાણી જોવા રેલવે ટ્રેક પર ઉમટ્યા
નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલા આજુબાજુના વિસ્તારોમાં પુરના પાણી ભરાયા હતા. જે જોવા માટે લોકો બંદર રોડ પર આવેલા રેલવેના બ્રિજ પર ઉમટી પડ્યા હતા. લોકો જીવન જોખમે ભરાયેલા પાણીના દ્રશ્યો નિહાળવા માટે રેલવે ટ્રેક ઉપર પહોંચી ગયા હતા.
નવસારી આદર્શનગરમાં 5 દિવસના બાળક સહિત 20 લોકોનું રેસ્ક્યુ
પૂર્ણા નદીની પાણીની સપાટી વધતા નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પુરના પાણી ભરાયા હતા. જેમાં નવસારીના આદર્શનગરમાં પણ પુરના પાણી ભરાયા હતા. જેથી ત્યાં એક પાંચ દિવસના બાળક સહિત 20 જેટલા લોકો ફસાયા હતા. ત્યારે પાલિકાની ફાયર વિભાગની ટીમે તેઓને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.
જલાલપોરમાં પુરના પાણીમાં 2 તણાયા અને નવસારીમાં બેના મોત
નવસારીનો નીચાણવાળો વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયા છે. જેમાં રૂસ્તમવાડી વિસ્તારમાં કેળસમા પાણી ભરાતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. પાલિકાના ફાયર વિભાગે તે વૃદ્ધાનો મૃતદેહ અને તેમના પરિવારજનોને બોટ દ્વારા બહાર કાઢી લાવી અંતિમક્રિયા હાથ ધરી હતી. નવસારીના કમેલારોડ પર આવેલી રસીદ મુલ્લાની વાડીમાં રહેતા મુનવ્વર નાલબંધ ઉર્ફે મુન્ના ડ્રાઇવરનું પુરના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે જલાલપોર તાલુકાના મછાડ ગામે આવેલા ઝીંગાના તળાવ બે યુવાનો કામ કરવા ગયા હતા. દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતાં તે બંને યુવાનો તણાઈ ગયા હતા. પરંતુ હજી સુધી તે યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નથી.
નવસારી જિલ્લાનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
નવસારી : દક્ષિણ ગુજરાતમાં પુરની સ્થિતિનું નિર્માણ થતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવસારી જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કરી જિલ્લામાં વણસેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જિલ્લામાં અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
મંત્રી નરેશ પટેલે ધોલની મુલાકાતે
નવસારી, બીલીમોરા : મંત્રી નરેશ પટેલે ગણદેવીના ધોલની મુલાકાત લીધી હતી. અને અસરગ્રસ્ત ગ્રામજનોને મળી સરકાર તેમની પડખે ઉભી તમામ મદદ કરવાનું આશ્વાસન મંત્રીએ આપીને ફૂડપેકેટનું વિતરણ કરી ગામના આગેવાનોને સાથે ચર્ચા કરી હતી. ગામની મુલાકાત દરમિયાન જિલ્લા સંગઠનમંત્રી ભુરાભાઈ શાહ, ગણદેવી ભાજપ પ્રમુખ શાંતિલાલ પટેલ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
જિલ્લા પ્રભારી મંત્રી અસરગ્રસ્તોની મુલાકાતે
પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુ ચૌધરીએ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળાંતરિત કરેલા શહેરીજનોને સેલ્ટર હોમ તથા શાળામાં આશ્રય આપ્યું હતું ત્યાં પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓને રહેવા-જમવાની વ્યવસ્થા સાથે કોઈપણ પ્રકારની અસુવિધા ઉભી ન થાય તેની કાળજી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પીયૂષ દેસાઈ, નવસારી પાલિકા પ્રમુખ જીગીશ શાહ, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસી કલેકટર કેતન જોષી સાથે રહ્યા હતા.
- નવસારી જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- વાંસદા 7.3 ઇંચ
- નવસારી 3 ઇંચ
- ખેરગામ 2.4 ઇંચ
- ચીખલી 2 ઇંચ
- જલાલપોર 2 ઇંચ
- ગણદેવી 1.5 ઇંચ