સુરત(Surat): રાંદેર વિસ્તારમાં ચરસીઓના વધતા ત્રાસનો વધુ એક વેપારી ભોગ બન્યો હતો. ખોટી રીતે વેપારીને હેરાન કરી તેના ઘરે આવી તમાચો માર્યો હતો. બાદમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે. આ તમામમાં છેલ્લા કેટલાક સમયથી રાંદેરમાં વધેલા ચરસના (Hashish) દુષણે હાલમાં સૌનું ધ્યાન ખેચ્યું છે. નબળા ડીસ્ટાફ અને પોલીસ કુમકને કારણે હાલમાં જ કોકેઇનનો (Cocaine) સપ્લાય રાંદેરમાંથી જ થતો હોવાનું બહાર આવ્યું હતું. અલબત રાંદેરમાં એમડી ડ્રગ્સ (Drugs) અને ચરસ વેચાણના સંખ્યાબંધ કિસ્સા બહાર આવી રહ્યા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓના મેળાપીંપળાને કારણે વિવાદીત સ્ટાફ બેફામ થયો છે.
- રાંદેર વિસ્તાર ડ્રગ્સ, કોકેઈન સપ્લાયનો અડ્ડો બન્યો
- પોલીસના નાક નીચે ચાની લારી, રિક્ષામાં ડ્રગ્સ વેચાય
- નશો કર્યા બાદ વિધર્મી ટપોરીઓ ચેઈન સ્નેચીંગ જેવા ગુના આચરે
રાંદેરના કાપડના વેપારીનો પીછો કરી નશેડીઓએ તમાચો માર્યો
રાંદેર ખાતે કુસુંબવીલા બંગ્લામાં રહેતા 25 વર્ષીય કૌશલભાઈ અજયભાઈ પટેલ ઘોડદોડ રોડ પર કપડાની દુકાન ચલાવે છે. ગઈકાલે તેમના ઘરે દુકાનના કપડા માટેનું ફોટો શુટ હતું. જેથી દુકાન પરથી તેઓ પોતાની કારમાં તેમના બે મિત્રો અને મોડલીંગ માટેની બે છોકરીઓને લઈને ઘરે આવતા હતા. ત્યારે ચોકસી વાડી પાસે મોપેડ પર સવાર બે અજાણ્યાઓ પાછળ આવ્યા હતા. પાછળ બેસેલા વેપારીની કારનો કાચ ઠોકવા લાગ્યા હતા. જોકે તેમણે કાર ઉભી નહી રાખી ઘર સુધી પહોંચી ગયા હતા. ત્યાં કારમાંથી ઉતરતા મોપેડ પર પાછળ બેસેલા અજાણ્યાએ ઉતરીને કૌશલભાઈને તમાચો મારી દીધો હતો. અને અમારી મોપેડને કેમ ટક્કર મારી તેમ કહીને ધક્કો માર્યો હતો. ગાળાગાળી કરતા કૌશલભાઈએ ભુલ થઈ કહીને માફી માંગતા તેઓ જતા રહ્યા હતા. જોકે પંદરેક મિનિટ પછી બંને અજાણ્યા બીજા બે જણાને લઈને આવ્યા હતા અને પાર્કીંગમાં તેમની કારના ફોટો પાડતા હતા. કૌશલભાઈના માતા-પિતાએ ફોટો કેમ પાડો છો તેમ પુછતા અજાણ્યાએ તેમના દિકરાને જાનથી મારી નાખવાનો ઇશારો કર્યો હતો. આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોરાટ હનુમાન ગાર્ડન પાસે કાયમી પોલીસ ચોકીની માગ
ગોરાટ હનુમાન ભક્ત મંડળના નેજા હેઠળ રાંદેરના રહીશોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ સાથે મેળાપીપણામાં આવા ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. સ્કૂલની છોકરીઓની છેડતી કરાય છે. સ્કૂલ અને રહેણાક વિસ્તારમાં ચાની લારી, બાકડાઓ પર બેસી તથા રિક્ષામાં ટોળામાં ભેગા થઈ ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ડ્રગ્સનું સેવન કરતા ટપોરીઓ સ્નેચિંગ કરે છે. ગોરાટ હનુમાન ગાર્ડન પાસે કાયમી પોલીસ ચોકીની માંગ કરાઈ હતી.