Charchapatra

જળ સંચય ફરજિયાત કરો

આકાશમાંથી વરસતા વરસાદી પાણીના યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબધ્ધ થવાની જરૂર છે. આપણાં દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને વહી ન જવા દેવાય તો એક જ વરસાદ સમગ્ર ભારતને 1 વર્ષ સુધી મબલખ પાણી આપી શકે તેમ છે. આપણી જળવ્યવસ્થાની કેટલીક પરંપરાગત પધ્ધતિઓ છે, તેને વિકસાવવાની જરૂર છે. જળસંચય અને જળસંગ્રહ કે જળવ્યવસ્થામાં કોઈ મોટી મૂડી રોકાણની પણ જરૂર પડતી નથી. 21 વર્ષ અગાઉ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સમાહર્તા એ આ દિશામાં પહેલ કરી દેવાસના પાણીના પ્રશ્ન હલ કર્યો હતો. રાજસ્થાન સરકારે પણ 2000ની સાલમાં સરકારી મકાનો, સ્થાનિક સંસ્થાઓની ઈમારતો અને શહેરી વિસ્તારોમાં 500 ચો.મી. સુધીનો પ્લોટ ધરાવતી તમામ સંસ્થાઓ માટે વરસાદના પાણીનો સંચયની વ્યવસ્થા કરવાનું ફરજીયાત બનાવવાનું સ્તુત્ય પગલું ભર્યુ હતું. મકાનોની અગાસીમાંથી વહી જતાં વરસાદી પાણીને પાઈપ દ્વારા ટાંકામાં લઈ જવાની વ્યવસ્થાના આદેશો પણ અપાયા હતા. આવા ટાંકા 15 થી 20 ફૂટ ઊંડા કૂવા સાથે જોડાયેલા હોઈ ભૂગર્ભમાં પાણીના સ્તરને ઊંચું લાવવાનું પણ શક્ય બનાવે છે. આવી યોજના દેશના તમામ રાજ્યોમાં અમલી બનાવવાની તાતી જરૂર છે. ગુજરાતમાં એક દંપતિ દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ – સંચય કરી આખા વર્ષના પાણીનો પ્રશ્ન હલ કર્યો હોવાના સમાચાર 2002ની સાલમાં અખબારોને પાને ચમકયા હતા. 3 વર્ષ અગાઉ એટલે કે 2019માં આ પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના એકલવા ગામના ગ્રામજનોએ વરસાદનું રહી જતું પાણીનો સંગ્રહ કરીને ગામની પાણીની વિકટ સમસ્યા દુર કરી હતી. વરસતા વરસાદી પાણીનો યોગ્ય સંચય – સંગ્રહ કરવા સૌ કોઈ કટિબધ્ધ થાય તે સમયનો પણ તકાદો છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top