વલસાડ: રાજ્યમાં ભારે વરસાદના (Rain) કારણે કેટલાક જિલ્લામાં પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં ભારે વરસાદના કારણે નાની મોટી નદીઓ (River) બંને કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસ વરસાદની સાથે દરિયામાં ભરતી આવતા ઔરંગા નદીમાં રેલ જેવી સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે શહેરના કાશ્મીગરમાં કમર સુધીનું પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા આ વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ NDRFની ટીમ નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યુ (Rescue) ઓપરેશન શરૂ કરી દીધું છે.
વલસાડ જિલ્લાના કશ્મીરનગરમાં કમરસમા પાણી ભરાતા તંત્ર દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યો છે. ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. આ સાથે જ બંદર રોડ અને લીલાપોર સહિત 5થી 7 ગામોને જોડતો કૈલાશ રોડ ઉપરનો પુલ પણ પાણીમાં ડૂબ્યો છે, જેને લઇને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે ભાગડાગામ સંપર્ક વિહોણું થયું છે. સતત નદીની સપાટી વધવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવમાં આવ્યું છે.
વલસાડ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા લોકોને એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી 300 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. NDRF ટીમ હાલ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે . નદીમાં એક યુવક તણાતાં NDRFની ટીમે યુવકને બચાવી લીધો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈએ નવસારી તથા વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 4થી 8 ઈંચ સુધી વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર 11 જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 4થી લઈ 8 ઈંચ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે વલસાડ, નવસારી, કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં NDRFની ટીમે નજીકના સેલ્ટર હોમમાં સ્થળાંતર થયેલા લોકોને ખસેડવામાં આવ્યા હતા.