સંતરામપુર : સંતરામપુર અને કડાણામાં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ પડી રહ્યો છે, આ વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ નાજુક બની છે. કાચા મકાનો ધોવાઇ રહ્યા છે. તેમાંય ખેડાપાના કાકરાડુંગરામાં મધરાતે મકાન ધરાશાયી થતાં એક બાળકી અને વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જોકે, આ ઘટના સંદર્ભે દિવસભર અધિકારીઓ ન ડોકાતાં ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. સંતરામપુર તાલુકામાં ભારે વરસાદથી ખેડાપા કાકરાડુંગરામાં ગતરાત્રે બે વાગ્યાના અરસામાં એક કાચું મકાન ધડાકાભેર તુટી પડ્યું હતું.
જેના કારણે તેમાં સુઇ રહેલો પરિવાર કાટમાળ નીચે દબાઇ ગયો હતો. આ ઘટનાના પગલે આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી દબાયેલી વ્યક્તિને બહાર કાઢ્યાં હતાં. જેમાં ઘવાયેલા કોદરભાઈ પારગીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ કાટમાળ નીચે દબાયેલા સૃષ્ટી મિથનભાઈ પારગી (ઉ.વ.2) અને સવિતાબહેન કોદરભાઈ પારગી (ઉ.વ.56)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ખેડાપાના સરપંચ, તલાટી કમ મંત્રી, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશ પારગી બનાવના સ્થળે દોડી આવ્યાં હતાં.