અંકલેશ્વર: અંકલેશ્વરની (Ankleshwar) સુશ્રુષા હોસ્પિટલમાં મહિલાએ એક, બે નહીં પણ ત્રણ બાળકોને પ્રથમ નેચરલ (Natural) પ્રસૂતિમાં (Delivery) જન્મ (Born) આપ્યો હોવાનો 10 હજાર પ્રેગ્નન્સીએ ભાગ્યે જ બનતો એક કિસ્સો સામે આવ્યો છે.
ગડખોલ ગામે રહેતા 36 વર્ષીય જીતેન્દ્ર વર્મા અને 30 વર્ષીય બબીતાબેનનાં લગ્ન 3 વર્ષ પહેલાં થયાં હતાં. પત્ની સગર્ભા થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. અંકલેશ્વરના વર્મા પરિવારમાં એક, બે નહીં પણ એકસાથે ત્રણ ઘોડિયાં બાંધવાનો અવસર આવ્યો છે. જેમાં બે બાબા દોઢ કિલો વજનના અને એક બેબી 1 કિલો 200 ગ્રામ વજનની છે. 30 વર્ષના બબીતાબેને પ્રથમ નેચરલ ડિલિવરીમાં જ આ આ બાળકોને જન્મ આપ્યો છે.
અંકલેશ્વરની સુશ્રુષા હોસ્પિટલમાં દોઢ મહિના પહેલાં જ સારવાર દરમિયાન ટ્રીપલેટ્સ એટલે કે ત્રણ બાળક હોવાનું નિદાન થયું હતું. જેની 8માં મહિને સિઝરથી સફળ ડિલિવરી ડો.હિના પટેલે કરાવી હતી. ડો.હિના પટેલે જણાવ્યું હતું કે, જોડિયા બાળકો જન્મવાનો રેસિયો 250 ડિલિવરીએ, ત્રણ બાળકનો 10 હજારે ભાગ્યે જ હોય છે. જ્યારે એકસાથે 4 બાળકનો જન્મ 7 લાખ ડિલિવરીએ એક કિસ્સામાં જવલ્લે જ જોવા મળે છે. અંકલેશ્વરમાં હવે આધુનિક સગવડો હોવાથી અપૂરતા માસે અને ઓછા વજને જન્મેલાં બાળકોને સારવાર આપવાનું સુલભ બન્યું છે. તેમની 25 વર્ષની પ્રેક્ટિસમાં ત્રણ બાળકોની ડિલિવરીનો આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે.
વાંકલમાં બેફામ દોડતા ડમ્પરે કન્યા છાત્રાલયની કમ્પાઉન્ડ વોલ તોડી નાંખી
વાંકલ: માંગરોળના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર બેફામ દોડતા હાઈવા ટ્રક ડમ્પરે કન્યા છાત્રાલયની કમ્પાઉન્ડ વોલ તોડી નાંખી હતી. પરંતુ આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. વાંકલ ગામે મુખ્ય માર્ગ પર કાર્યરત ગ્રામસેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલય ખાતે આ ઘટના બની છે. વાંકલ-ઝંખવાવ મુખ્ય માર્ગ પર બેફામ દોડતાં હાઈવા ટ્રક ડમ્પરો અંગે વારંવાર ફરિયાદો ઊઠી છે. પરંતુ યોગ્ય પ્રકારની કાર્યવાહી નહીં થતાં અકસ્માતના બનાવો બની રહ્યા છે. બપોરે ટ્રકચાલકે પોતાનું વાહન બેફામ હંકારી માર્ગ પરનું ડિવાઇડર તોડી નાંખ્યું હતું.
ત્યારબાદ આ ટ્રક કન્યા છાત્રાલયની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતાં કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ અભ્યાસ વર્ગમાં હોવાથી બચાવ થયો હતો. તેમજ ટ્રકચાલકનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જી ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. વાહન અને કમ્પાઉન્ડ વોલ બંનેને નુકસાન થયું છે. આ ઘટનાની જાણ વાંકલ ગ્રામ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ સુભાષ ચૌધરી દ્વારા પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.