Feature Stories

સુરતની શેરીઓ હવે મહિલા ક્રિકેટની પિચ બની રહી છે

ભારતીય લોકોમાં ટેબલ ટેનિસ, ફૂટબોલ, હોકી, ખોખો, ક્રિકેટ આ બધામાં સૌથી લોકપ્રિય રમત જો કોઈ હોય તો તે ક્રિકેટ છે. IPL મેચની તો લોકો વર્ષભર રીતસરની રાહ જોતા હોય છે. વર્લ્ડ કપમાં ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ તો જે ક્રિકેટરસિયા નથી તે પણ જોવાનું ચૂકતા નથી.આમ તો કોઈ નથી જાણતું કે ક્યારે અને ક્યાંથી ક્રિકેટની શરૂઆત થઈ પણ કહેવાય છે કે ક્રિકેટ બાળકોએ શોધી કાઢેલ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત 1844ની સાલમાં થઈ. ભારતમાં મહિલા ક્રિકેટની શરૂઆત 1973માં થઈ. મહિલા ક્રિકેટનું મહત્ત્વ વધી રહ્યું છે પણ તેના દર્શકો હજી ઓછા છે. સુરતની મહિલાઓ હવે ક્રિકેટર બનવા તરફ વળી રહી છે. સુરતની બેગમપુરા દુધારા શેરીની મહિલાઓએ શેરીની મહિલાઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનો નવો ચીલો પાડ્યો છે. નજીકના ભવિષ્યમાં આ શેરીની મહિલાઓ બીજી શેરીઓની મહિલાઓ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની યોજના ઘડી રહી છે. આવો આપણે જાણીએ દુધારા શેરીની મહિલાઓને શેરી ક્રિકેટનો વિચાર કઈ રીતે આવ્યો અને ક્રિકેટ રમવા તેમને કોણે પ્રોત્સાહિત કર્યા?

વેલણ ચલાવી શકે છે તો બેટ પણ ફેરવી શકે છે : રોશની ચોકસી
વ્યવસાયે એડવોકેટ અને બેગમપુરા દુધારા શેરીમાં રહેતાં 42 વર્ષીય રોશનીબેન ચોકસીએ જણાવ્યું કે, ‘‘તેમની શેરીમાં 15 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના યુવકો છેલ્લાં 20-25 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. શેરીના યુવકોએ એક દિવસ અમારી શેરીની મહિલાઓ સમક્ષ મહિલા ક્રિકેટ રમે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. શેરીની બધી મહિલાઓને આ કાંઈક અલગ કરવા જેવું લાગ્યું અને પછી 42 મહિલાઓની 6 ટીમ બનાવવામાં આવી. આ 42ની ટીમમાં 28 હાઉસવાઈફ, 8 સ્ટુડન્ટ, બાકીની વર્કિંગ વિમેન છે. વર્કિંગ વિમેનમાં ઇન્ટિરિયર ડિઝાઇનર, એક એડવોકેટ, 2 બ્યૂટીશ્યન, 2 ટીચર અને 2 લેબ ટેક્નિશ્યન છે. 42માંથી મોટાભાગની મહિલોઓએ હાથમાં ક્યારેય બેટ પકડ્યું નહોતું પણ ઉત્સાહ ઘણો હતો અને બધાને શેરીના વડીલો, યુવકો અને પરિવારના લોકોએ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમે બધી મહિલોઓએ શેરીમાં તો થોડો સમય થોડી ઘણી પ્રેક્ટિસ કરી બાદમાં શેરીના યુવકોએ ડાયરેકટ ફાઇનલ મેચનું જ નક્કી કર્યું. 17 જૂને ફાઇનલ મેચ હતી અને અમને માત્ર બે દિવસ પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યા. શેરીના યુવકોએ જ પૈસા ભેગા કરી સી.બી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ મહિલાઓની ક્રિકેટ પ્રેકટીસ માટે ભાડેથી બુક કરાવ્યું. ફરી બીજી પ્રેક્ટિસ માટે 16 જૂને અમે તમામ મહિલાઓએ સોલ્જરી કરી રાંદેર વિસ્તારની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલનું ક્રિકેટ ગ્રાઉન્ડ બુક કરાવ્યું અને 17 જૂને અમારી ફાઇનલ મેચ ઉમરા ગામના બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર થઈ. જ્યારે અમારી સમક્ષ મહિલા ક્રિકેટનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો ત્યારે તો મુંઝવણ થઇ કે બેટ કઇ રીતે પકડીશું? બેટ તો છોડો બોલિંગ કઈ રીતે કરીશું? બોલ બેટ પર આવશે ખરો? ફાઇનલ મેચનું આયોજન પણ શેરીના યુવકોએ જ કર્યું હતું. અમારી મહિલાઓ માટે પ્રશ્ન એ પણ હતો કે નોકરીના કલાક બગાડીને કે પછી ઘરનું કામ બાજુ પર મૂકીને પ્રેક્ટિસ તો નહીં થઈ શકે એટલે પ્રેક્ટિસનો સમય રાતના 9 થી 12 વાગ્યા સુધીનો રાખ્યો. જેથી બધી મહિલાઓ ઘરનું કામ પરવારી ચૂકી હોય. ઘરના પુરુષો પણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર અમને પ્રોત્સાહન આપવા આવ્યા. જો મહિલાઓ વેલણ ચલાવી શકે તો બેટ પણ ફેરવી શકે એ નિર્ધાર સાથે 6 ટીમ બનાવી. એક ટીમમાં કેપ્ટન સહિત 7 પ્લેયર રખાયા. ફાઇનલ મેચની વિજેતા ટીમ માટે યુવકો દ્વારા જ ટ્રોફી આપવાનું આયોજન થયું હતું.

સ્કૂલમાં રમી હતી પણ પછી ક્યારેય બેટ નહોતું પકડ્યું: સોનલ ગિલિટવાળા
એડમિનિસ્ટ્રેટર તરીકે જોબ કરતા 35 વર્ષીય સોનલ ગિલિટવાળાએ જણાવ્યું કે, ‘‘સ્કૂલ સમયમાં અલગ-અલગ રમતો રમાડતા એમાં હું ક્રિકેટ રમી હતી પણ તે વર્ષ 1998-99નું હતું. ત્યાર પછી હાથમાં ક્યારેય બેટ નહોતું પકડ્યું. અમારી શેરીની મહિલા ક્રિકેટની શરૂઆત થઈ ત્યારે બેટ અને બોલ પર ગ્રીપ નહીં હોવાથી મેચ રમતા અઘરું લાગ્યું હતું પણ અમે ક્રિકેટ રમવાની શરૂઆત એન્જોયમેન્ટ માટે કરી હતી. ફ્યુચરમાં અમે અમારા વિસ્તારની તમામ શેરીની મહિલા ક્રિકેટ ટીમ બનાવીને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની યોજના ઘડી રહ્યા છીએ.’’

મારી દીકરી પણ મારી સાથે પ્રેક્ટિસ કરે છે: તૃપ્તિબેન દોરીવાળા
38 વર્ષીય તૃપ્તિબેન દોરીવાળા હાઉસવાઈફ છે. તેમનું કહેવું છે કે શેરીની મહિલાઓને ક્રિકેટ માટે મેં જ ભેગી કરી હતી. ક્રિકેટને બહાને મહિલાઓને ઘરની બહાર નીકળવા મળે. ક્રિકેટ ટીમની 90% મહિલાઓએ પહેલાં હાથમાં બેટ પણ નહોતું પકડ્યું. હું પોતે બેઝબોલ પ્લેયર છું. હું બેઝબોલ રમવા ઇન્દોર અને સિમલા ગઈ હતી. હું બેઝબોલ ટીમની કેપ્ટન હતી. પ્રથમ વાર બેટ પકડતી વખતે સંકોચ થયો હતો. મારી બે દીકરીઓ છે. નાની દીકરી ફલક જીમ્નેસ્ટિકમાં છે. મોટી દીકરી આસ્થા મારી સાથે જ ક્રિકેટ ટીમમાં છે. શરૂઆતમાં તેણે ક્રિકેટ રમવાની ના પાડી હતી પણ પછી એણે પ્રેક્ટિસ કરી તો એને પણ ક્રિકેટ રમવાની મજા આવેલી.’’

ડર હતો કે બેટને બોલ લાગશે કે નહીં?: એકતા પટેલ
ટીચિંગ કરાવતા અને મ્યુઝિકના શોખીન 30 વર્ષીય એકતા નિકેન પટેલે જણાવ્યું કે, ‘‘લાઈફમાં પહેલાં ક્યારેય ક્રિકેટ નહોતી રમી. મારા હસબન્ડની નિકેન એકેડમી છે. એકેડેમીના સ્ટુડન્ટ્સને બોક્સ ક્રિકેટ રમવા લઈ ગયા હતા ત્યારે આ છોકરાઓએ મને પણ ક્રિકેટમાં પાર્ટીસીપેટ કરવા કહ્યું હતું. ત્યારે મેં ક્રિકેટ રમવાનો ચાન્સ લીધો હતો. જ્યારે શેરી ક્રિકેટની વાત આવી ત્યારે મેં પોતાનું નામ લખાવી દીધું મને કેપ્ટન બનાવવામાં આવી હતી. આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ વેલણ હાથમાં લઈએ ત્યારે પ્રશ્ન થાય છે ને કે રોટલી ગોળ વણાશે કે નહીં તેમ બસ બેટ હાથમાં પહેલી વખત પકડ્યું ત્યારે બેટને બોલ લાગશે કે નહીં તેવો પ્રશ્ન થયો હતો. ખાસ વાત તો મને એ ગમેલી કે શેરીની જે મહિલાઓ છે તેમાં એકને આવડે છે અને બીજી થોડી વીક હોય તો તેને બે વાર રમાડીને વધુ પ્રેક્ટિસ કરાવાય છે. એક-બે ટીમમાં નાની છોકરીઓ 10મા, 12મા ધોરણમાં ભણતી છોકરીઓ ટીમને લીડ કરે છે. તેમની સામે રમી શકીશું કે નહીં તેનો ડર લાગતો.’’

બોલિંગમાં અમે કાચા હતા: દિવ્યા જરીવાળા
39 વર્ષની હોમ મેકર દિવ્યા જરીવાળાએ જણાવ્યું કે હું જિમમાં જાઉં છું. ત્યાંથી અમને લેડીઝને ક્રિકેટ મેચ રમવા લઈ જવામાં આવે છે. જ્યારે શેરીમાં મહિલા ક્રિકેટનો પ્રસ્તાવ આવેલો ત્યારે મને ઘરનાં બધા જ સભ્યોએ સપોર્ટ કર્યો હતો અને તમને સપોર્ટ કરે કે નહીં તમે માઇન્ડથી સ્ટ્રોંગ હોવા જોઈએ એ આજની તમામ નારીઓ માટે લાગુ પડે છે. હું 8 વર્ષથી જીમમાં જાઉં છું. મને ક્રિકેટ અને ફૂટબોલ રમતા પણ આવડે છે. શેરી ક્રિકેટ ફાઇનલ મેચમાં હું સુપર ઓવરમાં આવેલી. સુપર ઓવરમાં જેટલા રન કરો તેના ડબલ થાય. એ રીતે મારા સુપર ઓવરમાં 40 રન થયા હતા. હવે અમે દર અઠવાડિયે પ્રેક્ટિસ કરીએ છીએ. ડુમસ વિસ્તારમાં પણ અમે પ્રેક્ટિસ કરી છે. દર વર્ષે ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. અમે બીજી શેરીઓની મહિલાઓને પણ પ્રેક્ટિસ કરી શેરી-શેરીની મહિલાઓ વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.

હું 8-10 વર્ષની હતી ત્યારથી ક્રિકેટ રમું છું: મહેક જરીવાળા
15 વર્ષની સ્કૂલ સ્ટુડન્ટ મહેક જરીવાળા ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટ શીખવા જાય છે. તેનું કહેવું છે કે, ‘‘મેં શેરી મહિલા ક્રિકેટની ફાઇનલ મેચમાં 51 રન બનાવ્યા હતા. હું ક્રિકેટ ક્ષેત્રમાં આગળ વધવા માંગું છું. હું 8-10 વર્ષની હતી ત્યારથી જ ક્રિકેટ રમું છું. શેરી મહિલા ક્રિકેટમાં એન્જોયમેન્ટ વધારે થાય છે.’’

આજે એક શેરીની મહિલોઓએ શેરી ક્રિકેટની શરૂઆત કરી દીધી છે અને બીજી શેરીઓની મહિલાઓને આ માટે પ્રોત્સાહન આપી રહી છે. સુરત શહેરમાં જલદી એવો સમય આવશે જ્યારે શેરી-શેરીઓ વચ્ચે રોમાંચક ફાઇનલ મુકાબલો થશે. જો કે આ સમય આવતા સમય લાગશે પણ એક શેરીની મહિલાઓએ શેરી ક્રિકેટનો પાયો તો નાંખી જ દીધો છે. આ મહિલાઓ પોતાની સ્ત્રી તરીકેની ફરજો નિભાવ્યા બાદ ક્રિકેટ માટે સમય કાઢી રહી છે એટલે મહિલાઓની તાકાતને દાદ આપવી જોઈએ કે તે પોતાનાં ઘર અને નોકરી અને બાળકોની સંભાળ રાખવા ઉપરાંત પણ નવો ચીલો ચાતરવા માટે સમય કાઢી રહી છે. પુરુષોના ગણાતા આ ક્ષેત્રમાં પણ એ પાછળ નથી.

Most Popular

To Top