સુરત : છેલ્લા 20 દિવસથી દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) કોરોના (Corona) ફરી માથું ઊંચકી રહ્યો હોય તેમ રોજે રોજ કોરોનાના કેસ (Case) વધી રહ્યાં હતાં દરમિયાન આજે વલસાડમાં (Valsad) કોરોનામાં બાળકનું મોત (Death) નોંધાતા તંત્રની ચિંતા વધી ગઇ છે.
- નવસારીમાં જેલના કેદીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા
- વલસાડમાં 4 બાળકોમાં પણ કોરોના સંક્રમણ, એક્ટિવ કેસનો આંકડો 114 પર પહોંચ્યો
- જિલ્લામાં ત્રણ દિવસમાં 75 કેસ, છતાં તંત્ર કે આરોગ્ય વિભાગ નિષ્ક્રિય
આ અંગેની મળતી માહિતી અનુસાર ઉમરગામ તાલુકાના ગાંધીવાડીના 2 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે, મૃત્યુનું સાચું કારણ ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ નક્કી કરાશે. ગઇકાલે ગુરુવારે 22 કેસ નોંધાયા બાદ શુક્રવારે પણ અત્યાર સુધીના એક જ દિવસમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે. જેમાં 15,11,10 અને 6 વર્ષના ચાર બાળકનો પણ સમાવેશ થાય છે. નવા કેસમાં આરોગ્યક્રમીનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 12,915 કેસ નોંધાયા છે, જે પૈકી 12,304 સાજા થયા છે. જ્યારે 114 દરદીઓ સારવાર હેઠળ છે. તો શુક્રવારે 11 દરદીઓ સાજા થયા છે, જે થોડી રાહતની બાબત છે. નવસારી જિલ્લામાં સબજેલનો કેદી સહીત કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા.
સુરત જિલ્લામાં કોરોનાના 18 પોઝિટિવ કેસ
સુરત: સુરત જિલ્લામાં કોરોનાના કેસની રફતાર તેજ બની છે. વિતેલા પંદરેક દિવસથી ફરી કોરોના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માથુ ઊંચકી રહ્યો છે. જિલ્લાના બારડોલી તાલુકામાં 4, ચોર્યાસી તાલુકામાં 2, કામરેજ તાલુકામાં 2, મહુવા તાલુકામાં 4 તેમજ માંગરોળમાં 1 અને ઓલપાડમાં 3 સહિત પલસાણમાં 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. સુરત જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 43036 થઇ છે. જિલ્લામાં કુલ મરણાંક 559 તેમજ એક્ટિવ કેસની સંખ્યા 95 થઇ છે. વિતેલા ચોવિસ કલાકમાં 17 પેશન્ટને કોરોના સાજો થતા રજા આપવામાં આવી છે.આ સાથે સુરત જિલ્લામાં કોરોનાના કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 42382 થઇ છે.
શહેરમાં કોરોનાના વધુ 85 કેસ નોંધાયા
સુરત: શહેરમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા નજીકના દિવસોમાં જ આ આંક 100 પર પહોંચી જાય તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 85 કેસ નોંધાયા હતા અને તે સાથે જ કુલ કેસનો આંક 1,63,183 પર પહોંચ્યો છે તેમજ હોસ્પિટલાઈઝેશનનો આંક 13 પર છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી વધુ 59 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.