વલસાડ (Valsad): રાજ્યના હવામાન વિભાગની (Weather Department) ત્રણ દિવસ ધોધમાર વરસાદ (Rain) વરસવાની આગાહી સાચી પડી રહી છે. આજે ગુરુવારે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડમાં પડ્યો છે. અહીં 4 કલાકમાં 6 ઈંચ જેટલો દેમાર વરસાદ વરસ્યો છે, જેના લીધે વલસાડ શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારની દુકાનો, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડ તાલુકામાં 158 મિ.મી., વાપીમાં 50 મિ.મિ. અને પારડીમાં 80 મિ.મિ. વરસાદ વરસ્યો છે.
સવારથી જ વરસી રહેલાં ધોધમાર વરસાદના લીધે વલસાડના છીપવાડ, એમજી રોડ,અબ્રામા વિસ્તાર, તીથલ રોડ, હાલર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અહીંની ગટરો ઉભરાઈ હતી. એમજી રોડ અને નાની ખાત્રીવાડ વિસ્તારની કાપડની દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોએ સામાન અન્યત્ર સલામત સ્થળે ખસેડવો પડ્યો હતો.
પહેલાં જ વરસાદમાં ઠેરઠેર પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ઘણા ઠેકાણે તો રસ્તા પર વરસાદના લીધે ખાબોચિયા બની ગયા છે. રસ્તા તૂટી ગયા છે. જે વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા તેઓએ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.
સુરતમાં જામ્યો વરસાદી માહોલ, 4 કલાકમાં 2 ઇંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા શહેરમાં બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે સતત બીજા દિવસે વરસાદ વરસતા શહેરનાં રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતમાં સૌથી વધુ વરસાદ વરાછા એ ઝોનમાં નોંધાયો છે. શહેરના અન્ય ઝોનમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
ઝોન | વરસાદ (મિમિ) |
સેન્ટ્રલ | 7 |
રાંદેર | 4 |
કતારગામ | 21 |
વરાછા (એ) | 37 |
વરાછા (બી) | 21 |
લિંબાયત | 1 |
અઠવા | 4 |
ઉધના | 3 |
ખેડૂતોમાં ખુશીની લહેર
ધીમી ધારે વરસતા વરસાદને લઈને શહેરના અને આસપાસના ખેડૂતોને રાહતની લાગણી થઈ છે. ખેડૂતો કાચુ સોનું વરસી રહ્યાની લાગણી અનુભવી રહ્યાં છે. જોકે હજુ પણ જોઈએ તેવો ધોધમાર અને હેલી સ્વરૂપે વરસાદ ન વરસતો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલ વરસી રહેલો વરસાદ ઉભા પાક માટે આશિર્વાદ સમાન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.