સુરત (Surat): સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) માટે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો રેલના પ્રથમ રૂટ માટે હાલમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે. જીએમઆરસી (GMRC) દ્વારા મેટ્રોના પ્રથમ રૂટ (Route) માટે કાપોદ્રાથી શરૂ કરીને છેક ડ્રીમ સિટી (Dream City) સુધી ટ્રેક તૈયાર કરવા માટે કામગીરી ચાલી રહી છે. તેમજ હવે બીજા રૂટ માટેના પણ ટેન્ડરો મંગાવી કામગીરી શરૂ કરવા માટે જીએમઆરસી દ્વારા પ્લાનિંગ કરાયું છે. સારોલીથી ભેંસાણ સુધીનો આખો બીજો રૂટ બે સેકશનમાં આવરી લેવામાં આવ્યો છે. બીજા રૂટમાં બે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે.
- ભેંસાણથી મજુરાગેટના 10.55 કિ.મી માટે 870 કરોડના અંદાજ સામે 21.95 ટકા ઉંચુ ટેન્ડર આવ્યું
- રણજીત બિલ્ડકોન-દિલીપ બિલ્ડકોનના 1061 કરોડના ટેન્ડરને જીએમઆરસી મંજુરી આપે તેવી શક્યતા
આ પેકેજને સીએસ-5 અને સીએસ-6 નામ આપવામાં આવ્યું છે. જેમાં 15 એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જે પૈકી સી.એસ-5 પેકેજમાં 10.55 કિ.મી ના રૂટ (ભેસાણ-અડાજણ-મજુરાગેટ ) કે જેમાં 11 સ્ટેશન હશે. જે માટેનો અંદાજીત ખર્ચ રૂા. 870 કરોડ છે. જે માટેની નાણાકીય બીડ ખોલવામાં આવી છે જેમાં કુલ 6 એજન્સીએ રસ દાખવ્યો હતો. આ 10.55 કિ.મી રૂટ માટે રણજીત બિલ્ડકોન લિમિટેડ – દિલીપ બિલ્ડકોન લિમિટેડ દ્વારા રૂા. 870 કરોડના અંદાજ સામે 21.95 ટકા ઉંચુ એટલે કે, 1061 કરોડનું ટેન્ડર ભરવામાં આવ્યું હતું જેના પર હાલ જીએમઆરસી મંજુરીની મહોર મારે તેવી શક્યતા છે.
ભેંસાણથી મજૂરાગેટ સુધીના મેટ્રો રૂટ માટે ટેન્ડર ભરનાર એજન્સી
રણજીત બિલ્ડકોન- ડી.બી.એલ 1061 કરોડ, ડી.આર.એ ઈન્ફ્રાકોન-આરવીએનએલ 1080 કરોડ, વાય.એફ.સી પ્રોજેક્ટ-કે.ઈ.સી – 1105 કરોડ, અશોકા બિલ્ડકોન લિ. 1125 કરોડ, એલ એન્ડ ટી 1179 કરોડ, જી.આર ઈન્ફ્રાપ્રોજેક્ટ 1197 કરોડ.
ભેંસાણથી સારોલીનો રૂટ 19.26 કિ.મી.નો હશે
ફેઝ-2 માં ભેસાણથી સારોલીનો રૂટ 19.26 કિ.મી નો હશે. સુરત મેટ્રોના ડીપીઆર મુજબ બંને રૂટની લંબાઈમાં આંશિક વધારો થયો છે. અને બંને રૂટના તમામ ટેન્ડરો બહાર પડતા જ હવે કામગીરીનો ધમધમાટ ચાલશે તેમ જાણવામાં આવ્યું છે. જીએમઆરસી દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ બીજા રૂટમાં 8.70 કિમીમાં મજુરા ગેટ ઇન્ટરચેન્જ સ્ટેશનને સારોલી સ્ટેશન સાથે 7 એલિવેટેડ સ્ટેશનોમાં ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલ અને સારોલી હશે.