વાપી: વાપી (Vapi) ટાઉન ગોલ્ડ કોઈન સર્કલ પાસેથી પોલીસે (Police) સીકલીગર ગેંગના (Sickleiger gang) ત્રણ શખ્સો હથિયાર (Weapon) સાથે ઝડપી પાડ્યા હતા. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અનમોલસિંગ કૈલાસસીંગ સીકલીગર, વાપી ચલામાં રહેતો મનોજસીંગ દિલીપસીંગ સીકલીગર તથા વડોદરામાં રહેતો લાખનસીંગ મગનસીંગ સીકલીગરની પાસેથી ચપ્પુ તેમજ લોખંડની પરાઈ જેવા હથિયારો મળ્યા હતા. આ ત્રણેય લૂંટ કરવાના ઈરાદે નીકળ્યા હતા. ત્રણ સભ્યોમાં અનમોલસીંગ મહારાષ્ટ્રમાં ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો હતો. જે હાલમાં મહારાષ્ટ્રમાં વોન્ટેડ છે.
દા.ન.હ.માં કંપની પરિસરમાં ઘૂસી ચોરી કરનાર ગેંગ પકડાઈ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દા.ન.હ. એક કંપનીના પરિસરમાં ઘૂસી ઝીંક સ્ક્રેપની બેગની ચોરી કરી ચૂકેલા 4 ચોરને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરાયેલો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
- પોલીસે સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ગોડાઉનમાંથી બેગ ચોરી કમ્પાઉન્ડ વોલ પર ઉભેલા શખ્સને આપતાં અને તે અન્યને આપતાં દેખાયો
- પોલીસે ભાંગરીયાઓને ત્યાં તપાસ કરી ચોરાયેલા માલ સાથે ચાર શખ્સોને પકડી પાડ્યા
સિગન્લ કોમોડિટીઝ પ્રા. નામની કંપનીના મેનેજરે 22 જૂન-ના રોજ ખાનવેલ પોલીસ મથકમાં આવી ફરિયાદ દાખલ કરાવી હતી કે, 18 જૂન-22ના રોજ બપોરે 3-30 થી 4-15 ની વચ્ચે અજાણ્યા શખ્સોએ કંપનીની બાઉન્ડ્રી વોલ કુદી અંદર પ્રવેશ્યા હતા અને કંપનીના ગોડાઉનમાંથી રૂ.11,500ની કિંમતના કાચા માલની ઝીંક સ્ક્રેપની 3 બેગ (વજન 36 કિલો)ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે તપાસના ભાગરૂપે કંપનીના તથા આસપાસના સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં કંપનીના સી.સી.ટીવીમાં જોવા મળ્યું કે, એક અજાણી વ્યક્તિ કંપનીના ગોડાઉનમાંથી બેગ જેવી વસ્તુઓ લઈને કમ્પાઉન્ડની વોલ પર ઉભેલા બીજા વ્યક્તિને આપી રહ્યો હતો. વોલ પર ઉભેલો વ્યક્તિ બહારની તરફ કોઈ ઉભેલા અન્ય વ્યક્તિને આપી રહ્યો હતો. આ પ્રમાણેના ફૂટેજ મળતા પોલીસે આસપાસના ભંગારના ગોડાઉન તથા અન્ય ભંગારના સામાનની દુકાનોની તપાસ કરતાં એક દુકાનદાર શંકાસ્પદ લાગતા તેની દુકાનમાં તપાસ કરતાં તમામ ચોરાયેલો માલ મળી આવ્યો હતો. જ્યાં તેની સઘન પૂછપરછ કરતાં તેણે ત્રણ લોકો વિશે માહિતી આપી હતી.
જે બાદ પોલીસે આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. પોલીસે ચોરીના ગુનામાં બજરંગ સીતારામ કોરડે (ઉ.37, રહે. કાલા વડપાડા) રૂસ્તમ રામા પાટકર (ઉ. 20, રહે. પરજાઈ, ડુંગરીપાડા) અજય રમેશ કડુ (ઉં.19, રહે. પરજાઈ ડુંગરીપાડા) અને લહુ તન્હા ખારપરા (ઉ.24, રહે. ડોલારા જામબીપાડા)ને પકડી તેમની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે આરોપીઓના 27 જૂન સુધીની પોલીસ કસ્ટડી આપતા પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી કરી છે