વૉશિંગ્ટન(Washington): અમેરિકાની (America) સુપ્રીમ કોર્ટે (Supreme court) 50 વર્ષ જૂના કાયદાને બદલી નાંખતો ચુકાદો શુક્રવારે આપ્યો. હવે અમેરિકામાં કોઈ પણ મહિલા અનિચ્છનીય ગર્ભપાત (Aborition) કરાવી શકશે નહીં. અમેરિકન સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો (Protest) શરૂ થઈ ગયા છે. મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. રાષ્ટ્રપતિ બાઈડેને આ ચુકાદાને દુ:ખદ ગણાવવા સાથે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
રો એન્ડ વેડ કેસમાં આપવામાં આવેલો ચુકાદો અમેરિકી સુપ્રીમ કોર્ટે ઉલટાવ્યો છે જે ૧૯૭૩ના ચુકાદામાં ગર્ભપાત કરાવવાને મહિલાઓનો બંધારણીય અધિકાર ગણાવવામાં આવ્યો હતો. આજનો ચુકાદો ગર્ભપાતના વિરોધીઓના દાયકાઓના પ્રયાસનું પરિણામ માને છે. ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિમવામાં આવેલા ત્રણ જજોને કારણે આ ચુકાદો શક્ય બન્યો હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની બેન્ચે આ ચુકાદો સર્વસંમતિથી નહીં પણ પ:૪ની બહુમતિથી આપ્યો છે અને આ ચુકાદાથી વિપરીત અભિપ્રાય ધરાવનાર જજોએ કહ્યુ હતું કે દુ:ખ સાથે કહેવું પડે છે કે લાખો અમેરિકન મહિલાઓ ગર્ભપાત કરાવવાનો તેમનો બંધારણીય અધિકાર ગુમાવશે. એ ખાસ નોંધપાત્ર છે કે રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ ગર્ભપાતને મોટું પાપ માને છે અને અતિ કટ્ટરવાદી ખ્રિસ્તીઓ તો સ્ત્રીના જીવને જોખમ હોય તો પણ અમુક સપ્તાહ પછીનો ગર્ભ પડાવવાનો વિરોધ કરે છે. અગાઉ મિસિસીપી રાજ્યનો કાયદો ૧૫ સપ્તાહ પછીના ગર્ભને પડાવવા પર પ્રતિબંધ મૂકતો હતો.
સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાથી અમેરિકાના અડધો અડધ જેટલા રાજ્યમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકાઇ જાય તેવો ભય છે. કેટલાક રાજ્યોએ તો આ પ્રતિબંધ મૂકવા માટેના કાયદાના મુસદ્દા તૈયાર જ રાખ્યા હોવાનું જાણવા મળે છે. અમેરિકાના ૨૬ જેટલા રાજ્યો આ ચુકાદા પછી ગર્ભપાત પર પ્રતિબંધ મૂકી દેશે એમ માનવામાં આવે છે અને અમેરિકામાં ફરી એકવાર ગર્ભપાતના મુદ્દે વ્યાપક ચર્ચાઓ શરૂ થવાની શકયતા છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગરીબ વર્ગની મહિલાઓને મોટી અસર થવાની શક્યતા છે જેઓ આમ પણ મર્યાદિત આરોગ્ય સુવિધાઓ મેળવે છે. આજની તારીખે પણ દસ ટકા જેટલા અમેરિકનો માને છે કે કોઇ પણ સંજોગોમાં ગર્ભપાત કરાવવો જોઇએ નહીં.
ગર્ભપાત પર ચુકાદાના દિવસને બાઈડને દુ:ખદ ગણાવ્યો
વોશિંગ્ટન, તા. 24 (એપી): અમેરિકી પ્રમુખ ડો બાઈડને કહ્યુ હતુ જ્યાં ગર્ભપાત પ્રતિબંધિત કરાશે તે રાજ્યોમાં ગર્ભપાત કરાવવા મહિલાના હકોની રક્ષા કરવા તેઓ પોતાની સત્તામાં જે હશે તે બધુ જ કરશે. સર્વોચ્ચ અદાલતે રો વિરૂદ્ધ વાડેના ચુકાદાને પલટી નાંખ્યા બાદ તેમણે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી, 1973ના તે સીમાચિન્હ ચુકાદાએ દેશભરમાં ગર્ભપાતને કાયદેસર બનાવ્યો હતો. પ્રમુખ જો બાઈડને શુક્રવારે કહ્યુ હતુ કે આ અદાલત અને દેશ માટે દુ:ખદ દિવસ હતો, ‘હવે રો જતા રહ્યા છે, સ્પષ્ટ રીતે કહીએ તો હવે આ દેશમાં મહિલાઓનું સ્વાસ્થ્ય અને જીવન જોખમમાં છે’, એમ બાઈડને વ્હાઈટ હાઉસથી કહ્યુ હતુ. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે ‘અદાલતે તે કામ કર્યુ છે જે તેણે ક્યારેય કર્યુ ન હતુ, તેણે એક બંધારણીય હક લઈ લીધો છે જે બહુ જ મૂળભૂત છે અને બહુ જ અમેરિકન છે’.
તેમણે ગર્ભપાત સમર્થકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની વિનંતી કરી હતી. અદાલતના ચુકાદાનો મુસદ્દો મે મહિનામાં લીક થયો હતો ત્યારથી વ્હાઈટ હાઉસ આ ક્ષણ માટેની તૈયારી કરી રહ્યુ હતુ. અધિકારીઓ રાજ્યના નેતાઓ, વકીલો, આરોગ્યના પ્રોફેશનલ્સ અને અન્યો સાથે રો વિરૂદ્ધ વાડે વગરના ભવિષ્ય માટે તૈયારી કરવા ચર્ચા કરી હતી. ચુકાદો આવ્યા બાદ સર્વોચ્ચ અદાલતની બહાર હજારોની સંખ્યામાં ગર્ભપાત સમર્થકોની ભીડ ભેગી થઈ હતી. તે લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ‘માગણી પર ગર્ભપાતને કાયદાકીય બનાવો’. ‘આ ચુકાદો પાછો ખેંચવો જોઈએ’. અમુક લોકો ચુકાદાના પક્ષમાં પ્રદર્શન કરી રહ્યા હતા તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ‘ભવિષ્ય ગર્ભપાત વિરોધી છે?’ અને ‘રોને તોડી કાઢો’.