Columns

યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ દ્વારા ધૃતરાષ્ટ્રને શું સંદેશો મોકલે છે?

યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહારાજ ધૃતરાષ્ટ્ર માટે સંદેશો મોકલ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો આ સંદેશ કહે છે –
(શ્લોક – 40થી શ્લોક – 46).
યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહારાજ ધૃતરાષ્ટ્રને કહેવડાવે છે –
द्वादशेमानि वर्षाणि वने निर्युषितानि नः ।
त्रयोदशं तथाज्ञातैः सजने परिवत्सरम् ।।
महाभारत, उद्योगपर्व : ९५-४९

‘’12 વર્ષ સુધી અમે નિર્જન વનમાં નિવાસ કર્યો છે અને 13મું વર્ષ અમે જનસમુદાય વચ્ચે અજ્ઞાત રહીને વિતાવ્યું છે.”
तस्मिन् नः समये तिष्ठ स्थितानां भरतर्षभ ।
नित्यं संकलेषिता राजन स्वराज्यांशं लभेमहि ।।
महाभारत, उद्योगपर्व : ९५-४३

‘’હે ભરતવંશશિરોમણિ! અમે વનવાસ અને અજ્ઞાતવાસની તે પ્રતિજ્ઞા પર દ્રઢતાપૂર્વક રહ્યા છીએ. તદનુસાર આપ પણ આપની પ્રતિજ્ઞા પર દૃઢ રહો. રાજન! અમે ખૂબ કલેશ સહન કર્યો છે. હવે અમને અમારો રાજ્યભાગ પ્રાપ્ત થવો જોઈએ.” યુધિષ્ઠિર આગળ કહે છે –
“ગુરુજનો પ્રત્યે શિષ્યો અને પુત્રોનો જે વર્તાવ હોવો જોઈએ અમે આપના પ્રત્યે તેનું પાલન કર્યું છે. આપ પણ અમારા પ્રત્યે ગુરુજનોચિત સ્નેહ રાખીને, અમારા પર તદનુરૂપ વ્યવહાર કરો.”
વળી યુધિષ્ઠિર કહે છે –
पित्रा स्थापयितव्या हि वयमुत्पथमास्थिताः ।
संस्थापय पथिष्वस्मास्तिष्ठ धर्मे सुवर्त्मनि ।।
महाभारत, उद्योगपर्व : ९५-४६
“અમે પુત્રગણ જો કુમાર્ગ પર રહીએ તો પિતાના સંબંધે આપનું કર્તવ્ય છે કે આપ અમને સન્માર્ગ પર પ્રતિષ્ઠિત કરો. તેથી આપ પણ ધર્મના ઉચિત માર્ગ પર અવસ્થિત રહો અને અમને પણ તે જ માર્ગ પર રાખો.”
આ 7 શ્લોક (શ્લોક – 40થી 46)માં યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર પ્રત્યે અપરંપાર આદર વ્યક્ત કરીને પ્રધાનતઃ આ જ વાત કહે છે –
‘’અમે અમારા ધર્મનું પાલન કર્યું છે, (વનવાસ અને અજ્ઞાતવાસ) હવે આપ આપના ધર્મનું પાલન કરો. પાંડવોને તેમનું રાજ્ય પાછું સોંપો.’’
આ રીતે યુધિષ્ઠિર મહારાજ ધૃતરાષ્ટ્રને જે સંદેશો મોકલે છે, તેનું કથન કર્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરનો સભાસદો માટે મોકલેલો સંદેશ કહે છે. (શ્લોક – 47થી શ્લોક – 50).
યુધિષ્ઠિર કહે છે –
यत्र धर्मो हयधर्मेण सत्यं यत्रानृतेन च ।
हन्यते प्रेक्षमाणानां हतास्तत्र सभासद ।।
महाभारत, उद्योगपर्व : ९५-४८
‘’જે સભાસદોની નજર સામે જ અધર્મ દ્વારા ધર્મનું અને મિથ્યા દ્વારા સત્યનું ગળું ઘૂંટી નાખવામાં આવે, તે સભાસદોને નષ્ટ થયેલા માનવામાં આવે છે.”
યુધિષ્ઠિર આગળ કહે છે – ‘’જે સભામાં અધર્મથી વિદ્ધ થયેલો ધર્મ પ્રવેશે છે અને જો તે સભાના સભાસદો તે અધર્મરૂપી કાંટાને કાપીને બહાર કાઢી ન નાખે તો તે કાંટાથી સભાસદો જ વિદ્ધ બની જાય છે. જેમ નદી પોતાના તટ પર ઊગેલાં વૃક્ષોનો નાશ કરી નાખે છે તેમ અધર્મથી વિદ્ધ થયેલો ધર્મ તે સભાના સભાસદોનો નાશ કરી નાખે છે.’’ આ 4 શ્લોકમાં યુધિષ્ઠિર સભાસદોને ચેતવણી આપે છે કે ધર્મપૂર્વક વ્યવહાર કરજો અન્યથા નષ્ટ થઈ જશો.

Most Popular

To Top