ભરૂચ: વાલિયા (Valiya) -અંકલેશ્વર (Ankleshwar) માર્ગ ઉપર અકસ્માતની (Accident) બે ઘટના બની હતી. જેમાં સી.એમ.એકેડેમી સ્કૂલ નજીક હાઇવા અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય અકસ્માતમાં યુપીએલ યુનિવર્સિટી કોલેજ પાસે એક ટ્રક નાળા નીચે ખાબકી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જો કે, આ અકસ્માતમાં ટ્રકચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે ગુરુવારે સવારે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પોલીસે આવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
ગુરુવારે સવારના અરસામાં હાઈવા ટ્રક નં.(જીજે-૧૬,એવી-૫૦૫૦)નો ચાલક વાલિયા તરફથી અંકલેશ્વર ખાતે જઈ રહ્યો હતો. આ દરમિયાન વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર આવેલી સી.એમ.એકેડેમી સ્કૂલ નજીક સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર નં.(એનએલ-૦૧.એબી ૯૪૧૦)ના ચાલકે હાઇવા ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનરના ચાલકને ઈજાઓ પહોંચી હતી. જેને રાહદારીઓએ તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ અકસ્માતમાં હાઇવા ટ્રકની ડીઝલ ટેન્ક તૂટીને સાઈડમાં પડી હતી. અકસ્માતને પગલે માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ ઉપરાંત અન્ય અકસ્માત વટારિયા નજીક આવેલી યુપીએલ યુનિવર્સિટી કોલેજ પાસે સર્જાયો હતો. જેમાં ભાવનગર ખાતે આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શબ્બીર અલી કાજી ટ્રક નં.(જીજે-૦૩એઝેડ-૦૩૧૩) લઈ મહારાષ્ટ્રથી ટ્રકમાં પાઉડર ભરી ભાવનગર ખાતે જઈ રહ્યો હતો. એ વેળા ટ્રકનો ગુટખો તૂટી પડતાં ટ્રક નાળા પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રકચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
તરકાણી ખાતે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં રાહદારીનું મોત
અનાવલ: મહુવા તાલુકાના તરકાણી ખાતે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ૭૦ વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. મહુવા તાલુકાના તરકાણી-કોષ રોડ પર તરકાણી ગામની સીમમાં ગામના જ રહીશ શંકર છગન પટેલ (ઉં.વ.૭૦)ને રસ્તા પર અજાણ્યો વાહનચાલક બેફામ રીતે વાહન હંકારી લાવી ટક્કર મારી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં શંકરભાઇને ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.