તા.10 જૂન, શુક્રવારના ‘ટુ ધ પોઈન્ટ’ અંતર્ગત લેખકે સાંપ્રત સમસ્યામાં વિદ્યાર્થીઓના વધી રહેલા આપઘાત વિષયક વિસ્તૃત યોગ્ય છણાવટ કરી છે. જેના અનુસંધાનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વિડિયો, ફોટો સહ કિસ્સો સૂચક રીતે ઘણુ કહી જાય છે. દિલ્હીમાં એક 5 વર્ષની માસૂમ બાળાએ હોમવર્ક ન કર્યું, તો તેની મમ્મીએ તેના હાથ – પગ બાંધી અસહ્ય કાળઝાળ ગરમીમાં ટેરેસ પર સુવડાવી. અહીં પ્રશ્ન એ થાય કે આટલી નાની કુમળી વયની બાળાને આટલી ક્રૂર સજા આપતી મમ્મીની દયા ખાવી કે ટીકા કરવી? આજની શિક્ષણનીતિની ચાડી ખાતો આ કિસ્સો ઘણુ કહી જાય છે.
અત્યારથી જ વાલીઓને પોતાના સંતાનોને શૈક્ષણિક રીતે અગ્રેસર કરવાની હોડ કે પોતાનું બાળક અન્યોથી પાછળ ન રહી જાય એવી ઘર કરી ગયેલી ભયાવહ માનસિકતા જવાબદાર હોય એવું નથી લાગતું? સંવેદનહીન શિક્ષણ તથા પરિક્ષાપધ્ધતિ તથા તેને સર્જનાર શિક્ષણમંત્રી, શૈક્ષણિક ખાતાના અધિકારીઓ, શિક્ષકો, શાળા – સંચાલકો, વાલીઓ તથા ખુદ વિદ્યાર્થીઓ પણ પ્રત્યક્ષ – પરોક્ષ રીતે આ બધા માટે જવાબદાર કહી શકાય. છતાં આટલી નાની કુમળી કળી જેવી દીકરીને આટલી ક્રૂર, સંવેદના બધિર સજા કોઈ રીતે ક્ષમ્ય ન જ હોય શકે!
સુરત – કલ્પના બામણીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.