અમિતાભ નહીં, સંગીતકારો બાબતે સૌથી વધુ નસીબદાર તો રાજેશ ખન્ના જ હતા. સચિનદેવ બર્મનથી માંડી જયદેવ, ખૈયામ સુધીના સગીતકાર અને કિશોરકુમાર, રફી, મન્ના ડે, મુકેશ, મહેન્દ્ર કપૂર, ઉપરાંત લતાજી, આશાજી તો હતા જ. રાજેશ ખન્ના યુગમાં કલ્યાણજી આણંદજી, લક્ષમીકાંત – પ્યારેલાલ અને રાહુલદેવ બર્મને જાણે શિખરસ્પર્શ કર્યો હતો. કિશોરકુમાર તે વખતે સૌથી શ્રેષ્ઠ સમયમાં હતા અને બીજા બધા જ ગાયકો પાછળ રહી ગયા હતા. રફી, મન્ના ડે, મુકેશ યા મહેન્દ્ર કપૂરની પ્રતિભા ઓછી થઇ હતી એવો સવાલ નથી, બલ્કે કિશોરકુમાર બદલાતી પેઢીનો વોઇસ બની ગયા હતા અને રાહુલદેવ બર્મન, લક્ષમીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજીના નવા સંગીત સાથે વધારે રિધમમાં કિશોરકુમાર જ હતા.
જે અભિનેતાનું પ્લેબેક કિશોરકુમારે ન કર્યું હોય, તેને જાણે લોકો સ્વીકારતા ન હતા. એ એવો ય સમય હતો કે રાજેન્દ્રકુમાર, રાજકુમાર, શમ્મીકપૂર સહિતના સ્ટાર્સ પરદા પરથી ખસી રહ્યા હતા અને તેમાં દિલીપકુમાર પણ હતા. દેવઆનંદ અલબત્ત જ ત્યારે પણ જોશમાં હતા પણ રાજેશ ખન્નાનું નેતૃત્વ દરેકે સ્વીકાર્યુ હતું. રાજકપૂર જેવા પણ રાજેશ ખન્નાને લઇ ફિલ્મ બનાવવા માંગતા હતા. અહીં બીજી પણ વાત કરી શકાય કે દિલીપકુમાર જેવાએ પણ પોતના માટે કિશોરકુમર ગાઇ એ સ્વીકારવું પડયું અને ‘સગીના’માં એ બન્યું. બાકી રફી સિવાય તમે તેમના માટે બીજો ગાયક વિચારી જ ન શકો. એવું જ શમ્મીકપૂર માટે હતું. રફી જ તેમનો પર્ફેકટ વોઇસ હતા.
રાજેશ ખન્નાના સમયમાં તો તેઓ ય ચરિત્ર અભિનેતા બનવા તરફ હતા. ‘અંદાઝ’માં શમ્મી હીરો છે ને રાજેશ ખન્ના એક પાત્ર નિભાવી તેમના માટે હેમા માલિની મૂકી જાય છે. શમ્મીકપૂર ‘હીરો’ હતા ત્યારે તો કિશોરદાએ તેમના માટે નથી ગાયું પણ ‘વિધાતા’માં ‘સાત સહેલીયાં ખડી ખડી’ ગીત કિશોરકુમારે ગાયું છે, જે શમ્મીકપૂર પર ફિલ્માવાયેલું. હા, ‘જાને – અંજાને’ ફિલ્મનું ટાઇટલ ગીત કિશોરકુમારે ગાયું છે, જેમાં શમ્મીકપૂર હીરો હતા. અલબત્ત, આ પાર્શ્વગીત છે. કિશોરકુમારે રાજકુમાર માટે ગાયું ‘મુકદ્દર કા ફેંસલા’ અને ‘મહોબ્બત કે દુશ્મન’ બે ફિલ્મોમાં રાજકુમાર માટે કિશોરદાનું પ્લેબેક સિંગિંગ છે. ભલે એ કુલ 4 ગીતો જ છે, પણ કિશોરકુમારના વર્ચસ્વથી કોઇ બચ્યું નથી એ સમયે.