Entertainment

ફિલ્મોમાં ફ્લોપ વલુશાએ વેબસિરિઝમાં નસીબ અજમાવ્યું

‘શોલે’નો ડાયલોગ છે, ‘અબ આયા ઊંટ પહાડ કે નીચે’ એવું ફિલ્મોમાં જ સ્ટાર બનવા આવનારા ઘણાનું થાય છે. તેમણે સમય જતાં ફિલ્મો બાજુ પર મૂકી TV કે વેબ સિરીઝ અપનાવવી પડે છે. વલુશા ડિસોઝાનું ય એવું થયું છે. માતૃપક્ષે જર્મન અને પિતૃપક્ષે ગોવાનીઝ વલુશા ફિલ્મોમાં જ કામ કરવા માંગતી હતી. શાહરૂખ ખાન અભિનીત ‘ફેન’માં સયાની ગુપ્તા, શ્રીયા પિલગાંવકર હતી તો આર્યન ખન્નાની પત્ની બેલા ખન્ના તરીકે વલુશા હતી. પણ ફિલ્મમાં કારકિર્દી આગળ નથી વધતી એવું લાગતા તે VOOT પરની ‘ક્રેક ડાઉન’ વેબ સિરીઝમાં ગરિમા કાલરા તરીકે આવી. હમણાં ગયા વર્ષે ‘અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ’માં ચિંગારી તરીકે હતી અને હવે ડિઝની+ હોટસ્ટાર પરની ‘એસ્કેપ લાઇવ’માં જિઆ તરીકે આવી રહી છે. આ એક સોશ્યલ થ્રીલર છે, જેમાં જાવેદ જાફરી, શ્વેતા ત્રિપાઠી, સ્વસ્તિકા મુખરજી સાથે વલુશા પણ છે. આ સિરીઝમાં 6 એવા પાત્રોની વાત છે, જે સોશ્યલ મિડીયા પર મશહુર થવા માટે વિનર પૂરવાર માટે મથે છે. તમે એમ કહી શકો કે આ વર્તમાન સમયની કહાણી છે.

આ વેબ સિરીઝ ઉપરાંત તેની પાસે અબ્બાસ – મસ્તાનની ‘પેન્ટ હાઉસ’ નામની ફિલ્મ છે, જેમાં બોબી દેઓલ, મોની રોય, અર્જુન રામપાલ, ટિસ્કા ચોપરા, શરમન જોશી છે. ‘એસ્કેપ લાઇવ’ બાબતે વલુશા ખુશ છે. કારણ કે સલમાન ખાને તેને શુભેચ્છા પાઠવી છે. તે પોતે પણ આ વેબ સિરીઝ માટે ઘણી ઉત્સાહી છે. ફિલ્મો હોય કે વેબ સિરીઝ મૂળ વાત તો સારું કામ મળવાની છે અને આ વેબ સિરીઝમાં તે આજના સમયની કેરીયર ઓરિએન્ટેડ સ્ત્રી બની છે. કહે છે કે વિત્યા 3 વર્ષ મારા માટે સારા ગયા નથી એટલે ખૂબ હતાશ હતી.

લોકડાઉન પહેલા હું સોશ્યલ મિડીયા વિશે વધુ જાણતી ન હતી પણ પછી તો ઘણુ જાણ્યું અને એટલે જ મને આ ભૂમિકા કરવાની ગમી છે. ‘એસ્કેપ લાઇવ’ની પટકથા સાંભળીને તરત જ તેની સાથે મેં મારું જોડાણ અનુભવ્યું હતું. તે કહે છે કે સોશ્યલ મિડીયા ઘણા માટે વાસ્તવથી ભાગી છૂટવાના રસ્તા સમું છે. પણ તે ‘ફેન’ને યાદ કરવા નથી માંગતી. કારણ કે ફિલ્મ નિષ્ફળ જાય એટલે કળાકારને પણ નિષ્ફળ માની લેવામાં આવે છે. હવે OTT આવતાં તે ઉત્તેજીત છે, કારણ કે તેમાં ફકત ગ્લેમરસ જ દેખાવાની જરૂર નથી હોતી.

Most Popular

To Top