માંડવી: માંડવીના (Mandvi) કરંજ (Karanj) GIDCમાં મોલવણ પાટિયા નજીક આવેલી ફેક્ટરીમાં વાહનોમાં ડીઝલના પર્યાય તરીકે લેવાતું ઇંધણ/પ્રવાહ તથા જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહ/ વેસ્ટેજ ઓઈલ બાયો ડીઝલ (Biodiesel)નો મોટા પ્રમાણમાં જથ્થો હોવાની બાતમી મળતાં બારડોલી ડીવાયએસપી માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસે રેડ કરતાં કુલ રૂ.1,77,14,100નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અને પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે અંગેની જાણ કલેક્ટરે પ્રાંત અધિકારી તથા મામલતદાર અને પુરવઠા નાયબ મામલતદાર થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
- ત્રણ શખ્સની ધરપકડ, જ્યારે એક આરોપી વોન્ટેડ
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના કરંજ ગામની સીમમાં GIDC મોલવણ પાટિયા પાસે આવેલી સીબ્લ લુબ્રીકન્ટ તથા લીવા લુબ્રીકન્ટ નામની ફેક્ટરીમાં માંડવી પોલીસે રેડ કરી હતી. જ્યાંથી બ્લોક નં.90 તથા પ્લોટ નં.1,2,3માંથી વાહનોમાં ડીઝલના ઉપયોગમાં લેવાતું ઇંધણ તથા જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી અને વેસ્ટેજ ઓઈલ (બાયો ડીઝલ)નો મોટા પ્રમાણમાં જથ્થો 1,12,500 લીટર અંદાજિત કિંમત રૂ.84,37,500 તેમજ વાહનોમાં ડીઝલનો જથ્થો 1,0,4000 લીટર રૂ.52,00000, વેસ્ટેજ ઓઈલ ટેન્કર નંગ-2 કિંમત રૂ.3,00000, પ્લાસ્ટિકના કેરબા નંગ-18માં જ્વલનશીલ પ્રવાહી 630 લીટર કિંમત રૂ.31,500, નાની-મોટી ટાંકી, ટેન્કર તથા પ્લાસ્ટિક બેરલ સહિત રૂ.10,03,600, આરોપીના અંગજડતીમાંથી મળી આવેલા મોબાઈલ નંગ-4ની કિંમત રૂ.37,500 અને સીસીટીવી ફૂટેજ માટેનાં ડીવીઆર નંગ-3ની કિંમત રૂ.4000 મળી કુલ રૂ.1,77,14,100નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપી અમીન ઇકબાલ ઉર્ફે અસલમ તૈલી (રહે.,પાલોદ, તા.માંગરોળ), અસગર અહમદ અબ્દુલ મજીદ (ઉં.વ.37) (રહે.,મુંબઈ), અવધેશ લાલતાપ્રસાદ યાદવ (ઉં.વ.28) (રહે.,યુ.પી.)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઇકબાલ ઉર્ફે અસલમ ઉમર તૈલી (રહે.,પાલોદ, માંગરોળ)ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.