આણંદ : `દેશના અર્થતંત્રને 5 ટ્રીલીયન સુધી પહોંચાડવા ગામડાંનો વિકાસ જરૂરી છે. આજે પણ દેશના 70 ટકા લોકો ગામડાંમાં રહે છે અને 30 ટકા લોકો શહેરમાં રહે છે. માત્ર 30 ટકા વસતીથી દેશનું અર્થતંત્રને કેવી રીતે વેગ આપી શકાય ? આથી, દેશના વિકાસ માટે ગામડાંનો વિકાસ જરૂરી છે. તેમને આત્મનિર્ભર બનાવવા જરૂરી છે.’ તેમ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રવિવારે યોજાયેલા ઇરમાના પદવીદાન સમારંભમાં જણાવ્યું હતું. આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઇરમા)ના 41મા પદવીદાન સમારંભમાં 251 વિદ્યાર્થીઓને રૂરલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (પીજીડીએમ)ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ સમારંભ રવિવારના રોજ ઇરમાના કેમ્પસમાં યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ગામડાંમાં રહેતી દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનાવવી જોઈએ. ગામડાંના વિકાસ માટે ફોર્મેટ બનાવવું જોઈએ. જરૂરિયાત પ્રમાણે વિકાસ કરવો પડશે. વ્યક્તિના વિકાસ વગર ગામડાંનો વિકાસ શક્ય નથી અને ગામડાંના વિકાસ વગર ક્ષેત્રનો વિકાસ શક્ય નથી. કેન્દ્ર સરકાર દ્વારા વિજળી, સ્વચ્છતા શુદ્ધ જળ, આરોગ્ય પર કામ કરવામાં આવ્યું છે. પાકા રસ્તા બનાવી ગ્રામ્ય વિસ્તારોને જોડ્યાં છે. સહકારિતા વિભાગ બન્યાને દોઢ વર્ષ થયાં, આ દોઢ વર્ષમાં અનેક કામો કર્યાં છે.
ગ્રામ્ય વિસ્તારનો અર્થતંત્રમાં ફાળો જરૂરી છે, 5 ટ્રીલીયન અર્થતંત્ર પહોંચાડવા ગામડામાં રહેતાં 70 ટકા લોકોનો વિકાસ કરવો પડશે. આ પ્રસંગે ઇરમાના ચેરમેન દીલીપ રથ દ્વારા પદવીદાન સમારંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇરમાના નિયામક ડો. ઉમાકાંત દાસે ગ્રામ વિકાસમાં ઇરમાના યોગદાનની ભૂમિકા આપી સૌનું સ્વાગત કર્યું હતું. ઇફ્ફોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, એનસીડીએફઆઇના ચેરમેન મંગલજીત રાય, સાંસદ મિતેશભાઈ પટેલ, અમૂલના ચેરમેન રામસિંહ પરમાર, જીસીએમએમએફના એમ.ડી. આર.એસ સોઢી, અમૂલના એમ.ડી.અમીત વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, પદાધિકારીઓ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઈરમા નિયામક બોર્ડના સદસ્યો, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા.
જ્ઞાન એટલે સતત બીજાનું વિચારતાં રહેવું
ઇરમાના દિક્ષાંત વિદ્યાર્થીઓએ સલાહ આપતાં અમિત શાહે જણાવ્યું હતું કે, જ્ઞાન એટલે સ્વ પરથી હટવું. પોતાના બદલી બીજાનું વિચારે તે જ્ઞાની છે. સારા જીવન સાથે એવી વ્યક્તિ માટે સમય કાઢવો જેમનું સારૂ જીવન સ્વપ્ન છે. કરોડો કમાવવા સાથે જે સંતોષ મળશે, તેના કરતાં વધુ સંતોષ વ્યક્તિને આત્મનિર્ભર કરવાથી મળશે. આથી, બીજાને ઉપયોગી બનવું પડશે.
સહકારી વિભાગથી ગામડાઓને આત્મનિર્ભર બનવા બળ મળશે
સહકારી પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા માટે આઝાદી બાદ પ્રથમવાર કેન્દ્ર સરકારમાં સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. આ અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, આ વિભાગના માધ્યમથી ગામડાઓને આત્મનિર્ભર બનાવવામાં બળ મળશે. સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવા સર્વસમાવેશી, પારદર્શી અને આધુનિક ટેક્નોલોજીના વિનિયોગ દ્વારા તેને વધુ મજબૂત બનાવવામાં આવશે. પહેલા ખાદી માત્ર ભાષણોનો જ વિષય હતો, પણ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ ગ્રામીણ પ્રવૃત્તિને વેગ મળતા આજે ખાદી બોર્ડનું ટર્નઓવર રૂ. એક લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.