Business

ડોલર સામે રૂપિયો ડાઉન: શેર બજારમાં કડાકો, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબી ગયા

નવી દિલ્હી: ડોલર(Dollar) સામે રૂપિયા(Rupees)માં રેકોર્ડ ઘટાડો(decrease) નોંધાયો છે. પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 78 રૂપિયાની નીચે ગયો છે. રૂપિયો 43 પૈસા ઘટીને 78.28 રૂપિયા પર પહોંચી ગયો છે. વાસ્તવમાં વિદેશી રોકાણકારો(foreign investors) ની વેચવાલી અને અમેરિકા(America)માં ફુગાવાના આંકડામાં વધારાને કારણે એક ડોલર સામે રૂપિયામાં આટલો મોટો ઘટાડો થયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, યુએસ ડોલર સામે રૂપિયો 78.20 પર ખૂલ્યો હતો, અને પછી 78.29 પર ડાઉન થયો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 36 પૈસાનો ઘટાડો દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે એક્સચેન્જ માર્કેટમાં અમેરિકી ચલણ સામે રૂપિયો 19 પૈસા ઘટીને 77.93 પર બંધ થયો હતો. જેને રૂપિયાની સૌથી નીચી સપાટી ગણવામાં આવી હતી. પરંતુ સોમવારે સ્થિતિ વધુ વણસી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા બજારમાંથી મૂડીની સતત ઉપાડને કારણે આ ઘટાડો થયો છે.

ડોલર સામે રૂપિયો ધ્વસ્ત
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો અને શેરબજારોમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચી લીધું હોવાથી ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી રૂ. 78.26 પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2022ના રોજ યુદ્ધ શરૂ થયું તે પહેલા ડોલરની સરખામણીમાં રૂપિયો 74.62 રૂપિયા પર હતો જે 10 જૂન 2022ના રોજ ઘટીને 77.82 રૂપિયા થઈ ગયો છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ ઘણા નવા પગલા લીધા છે.

રૂપિયો કેમ ઘટ્યો?
હકીકતમાં અમેરિકામાં મોંઘવારી વધી છે. શુક્રવારે યુએસ માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હવે એવી આશંકા છે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરી શકે છે.

શેર માર્કેટમાં પણ મોટો ઘટાડો, રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા
શેર માર્કેટનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, શેરબજારમાં ભારે વેચવાલી અને વિદેશમાં ડૉલરની મજબૂતીને કારણે રૂપિયામાં પણ ધારણાને અસર થઈ હતી. શુક્રવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 77.81 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગમાં, તે 77.79 ની ઊંચી અને 77.93 ની નીચી સપાટીએ ગયો. તે જ સમયે, ટ્રેડિંગના અંતે, રૂપિયો તેના અગાઉના રૂ. 77.74ના બંધ ભાવની સામે 19 પૈસા ઘટીને 77.93 પ્રતિ ડોલર થયો હતો.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 16,000ના સ્તરની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં સેન્સેક્સ 1,607 પોઈન્ટ લપસીને 52,696 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 473 પોઈન્ટ ઘટીને 15,728 ના સ્તર પર છે.સોમવારે ઘટાડાને કારણે રોકાણકારોના છ લાખ કરોડ રૂપિયા એક જ ઝટકામાં ડૂબી ગયા હતા. આ અગાઉ, ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું અને અંતે મજબૂત ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું હતું. BSE સેન્સેક્સ 1017 પોઈન્ટ ઘટીને 54,303 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 276 પોઈન્ટના ઘટાડા સાથે 16,202 પર બંધ થયો હતો.

Most Popular

To Top