SURAT

વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં એવું શું થયું કે સંદીપ દેસાઈ સહિતના સહકારી આગેવાનોને પરસેવો છૂટી ગયો

સુરત(Surat) : સત્તા, સંગઠન અને ભાજપના (BJP) જોરે કરોડોનું ટર્ન ઓવર ધરાવનાર ગુજરાતની (Gujarat) સહકારી બેંકો, (Co-operative Banks) એપીએમસી (APMC), સુગર મંડળીઓ, ડેરીઓ, ફર્ટિલાઈઝર કંપનીઓ, સેવા સહકારી મંડળીઓ સહિત રાજ્યની 360 સહકારી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ જેવાં પદ પર ચોંટી ગયેલા આગેવાનોની હોદ્દાઓ સાથેની યાદી વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા મંગાવવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જૂનાગઢ-સાવજ દૂધ ઉત્પાદક સંઘના વાઇસ ચેરમેન અને જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિ દિનેશ ખટારીયા ડેરીના પ્રમુખ પદે અને જેઠાભાઇ પનેરા જીડીસીસી બેંકના એમડી બની જતા હરીફ જૂથે વડાપ્રધાનને ફરિયાદ કરી હતી. આ વિવાદ પછી પીએમ.ઓફીસ દ્વારા રાજ્યભરમાં સત્તા અને સંગઠનમાં મહત્વના હોદ્દા સાથે સહકારી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદ ભોગવનાર આગેવાનોની યાદી મંગાવતા તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે.

ચર્ચા એવી છે કે સત્તા કે સંગઠનનો ઉપયોગ કરી સહકારી સંસ્થાઓમાં ગોઠવાઈ ગયેલા આગેવાનો ને એક પદ એક હોદ્દાની નીતિ સાથે વિદાય આપવાનો તખ્તો ગોઠવાયો છે. બુધવારે સુમુલના (Sumul) કાર્યક્રમ પછી દક્ષિણ ગુજરાતમાંથી કયા આગેવાનોની સહકારી ક્ષેત્રના પદ પરથી વિદાય થશે તેની ચર્ચા થઇ હતી. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ યાદીની માંગણીને લઇ છૂપી નારાજગી જોવા મળી રહી છે. તાપી જેવા આદિવાસી જિલ્લામાં સવર્ણો માટે સહકારી ક્ષેત્ર જ બચે છે. ચર્ચા એવી ચાલી રહી છે કે, સુરત એપીએમસી અને ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન તથા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ બંને પદ ગુમાવી શકે છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ બારડોલી સુગરનું ઉપપ્રમુખ પદ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કેતન પટેલ સુગર ફેડરેશનનું ઉપપ્રમુખ પદ અને ચલથાન સુગરનું ચેરમેન પદ ધરાવે છે. એવી જ રીતે અનિલ શાહ અને શામસિંગ વસાવા પણ સંગઠન અને સહકારી સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ ધરાવે છે. જોકે પીએમ.કાર્યાલયે માત્ર રાજ્યભરના આગેવાનોની યાદી માંગી છે. આ આગેવાનોને રાખવા કે કાઢવા કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. પણ ભાજપમાં ચર્ચા છે કે એક વ્યક્તિ એક પદ હેઠળ વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા અને સંગઠનના જે આગેવાનો સહકારી ક્ષેત્રની મોટી સંસ્થાઓમાં મહત્વના હોદ્દા ધરાવે છે.તેમને વિદાય આપી નવાને સ્થાન અપાશે.જોકે આ આગેવાનો હોદ્દેદાર મટી ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે.

Most Popular

To Top