Feature Stories

સુરતી પતિઓને દીર્ધાયુ બક્ષે છે આ જાણીતા વટવૃક્ષ…

વટ સાવિત્રી વ્રતને વટ પૂર્ણિમા પણ કહેવાય છે. સદીઓથી પતિના દિર્ઘાયૂ માટે પરિણીતાઓ વટ સાવિત્રીનું વ્રત રાખે છે. ઉત્તર અને પ્રશ્ચિમ ભારતીય રાજ્યોમાં પરિણીતાઓ આ વ્રતને ઉજવે છે. ત્યારે આપણા શહેર સુરતના તાપી કિનારે મહાભારતનાં સમયનું ત્રણ પાનનું વડ હજી પણ લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ ઉપરાંત તાપી ડક્કા ઓવારા, નાવડી ઓવારા, અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર તેમજ પાલ અટલ આશ્રમ ખાતે આવેલા વટ વૃક્ષની પુજા કરવા દર વર્ષે હજારોની સંખ્યામાં મહિલાઓ એકત્ર થાય છે. તો આ વટ પૂર્ણિમાએ ચાલો આપણે જાણીએ સુરતના પૌરાણિક વડના વૃક્ષો વિશે…

નાનપુરા નિલકંઠ મહાદેવ મંદીરની અંદર જ વટ વૃક્ષ
નાનપુરા બહુમાળી પાસે આવેલા નિલકંઠ મહાદેવ મંદિરની અંદર જ વટ વૃક્ષ આવેલું છે. 40 વર્ષથી વધુ સમયથી આવેલું આ વટ વૃક્ષની મંદિરમાં દરરોજ પુજા કરવામાં આવે છે. વટ સાવિત્રીના દિવસે વહેલી સવારથી નિલકંઠ મહાદેવ મંદિરમાં વટ વૃક્ષની પુજા કરવા માટે મહિલાઓ ઉમટી પડે છે. વટ વૃક્ષની સાથે મહાદેવની પણ અહીં પુજા કરવામાં આવે છે.
પાલ અટલ આશ્રમમાં 50 વર્ષ પુરાણુ 12 થી 15 ફુટ પહોળાઇ અને 60 થી 70 ફુટ ઉંચાઇ ધરાવતું વટ વૃક્ષ
અટલ આશ્રમના બટુકગિરી મહારાજે જણાવ્યું હતું કે, તેમની જ્યારે 18 વર્ષની ઉંમર હતી ત્યારથી તેઓ મંદિરની સેવા કરી રહ્યાા છે. તેમણે જ વટ વૃક્ષને મંદીર પરિસરમાં ઉગાડ્યું હતું. આજે તેને 40 વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે. દર વર્ષે પાલ, અડાજણ વિસ્તારમાંથી મહિલાઓ અટલ આશ્રમ ખાતેના વટ વૃક્ષની પુજા કરવા આવે છે. 1 હજારથી 1500 જેટલી મહિલાઓ વટ સાવિત્રીની પુજા કરવા અટલ આશ્રમ ખાતે આવે છે.

આ રીતે ભવાની વડને તેની ઓળખ મળી
હરિપરા વિસ્તારમાં આવેલા ભવાનીમાતાનાં મંદિરમાં બિરાજમાન મા બહુચર ભવાનીની સ્થાપના શિવદત્ત શુકલે કરી હતી. એક દિવસ કોઇ તાંત્રિકે પોતાની તંત્રવિદ્યાના પ્રયોગથી આકાશમાં પાંચ વૃક્ષો ઉડતા કર્યા હતા. આ પાંચ વૃક્ષોમાં ત્રણ વૃક્ષ વડનાં અને બે તાડના હતા. જેથી તેમણે વૃક્ષોના ઉદ્ધાર માટે મા ભગવતી પરામ્બા બાળા ત્રિપુરાસુંદરીનું આહવાન કરીને ઇ.સ.1626, વિક્રમ સંવત 1682ના કારતક સુદ પાંચમને દિવસે પાંચેય વૃક્ષોને જમીન ઉપર ઉતારી તેમનો ઉદ્ધાર કર્યો. શ્રી શિવદત્ત શુકલે આ વૃક્ષોમાંના એક વડનું સ્થાપન હરિપુરામાં કર્યું અને એજ વર્ષના આસો સુદ ત્રીજના શુભ દિવસે મા ભવાનીના એક યંત્રની સ્થાપના કરવામાં આવી, જેથી આ વડ ભવાની વડ તરીકે ઓળખાયું હતું. આજે પણ હરિપરામાં શુકલ પરિવારનો વારસો રહે છે. ઉલ્લેખનીય છે કે, ભવાની વડ મંદીર ખાતે હાલ વડ નથી. માત્ર મંદિર જ છે.

200 થી 300 વર્ષ જુનું નાવડી ઓવારા અને ડક્કા ઓવારાનું વટ વૃક્ષ
નાનપુરા નિલકંઠ મહાદેવ મંદિરના મહારાજ ભીખુભાઇએ જણાવ્યું હતું કે, તાપી નદીના કિનારે આવેલા વટ વૃક્ષો પૈકીના ડક્કા અને નાવડી ઓવારા ખાતે આવેલા વટ વૃક્ષ 200 થી 300 વર્ષ પહેલાનાં છે. તાપી નદીમાં આવેલા ભયાનક પુરના સમયે પણ આ વટ વૃક્ષો અડિખમ રહ્યા હતા. દર વર્ષે વટ સાવિત્રીના દિવસે આ બંને વટ વૃક્ષોની પુજા કરવા માટે મહિલાઓ જાય છે.

અશ્વિનીકુમાર રોડ ઉપર ત્રણ પાનનું વડ મહાભારતના સમયનું
અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલું ત્રણ પાનનું વડ મહાભારતના સમયકાળનું છે. માત્ર દોઢ ફુટનું ત્રણ પાનનું વડ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો ત્યારે તેની અંતિમ વિધિ અશ્વિની કુમાર ખાતે કરવામાં આવી હતી. તેની યાદગીરી રૂપે ત્રણ પાનનો વડ ભગવાન કૃષ્ણ ભગવાનની ઇચ્છાથી ઉગ્યું હતું. એવું કહેવાય છે કે ચોથું પાન આવે એટલે એક પાન ખરી જાય છે. માત્ર ત્રણ પાન જ વડ ઉપર જોવા મળે છે.

Most Popular

To Top